Only Gujarat

FEATURED Gujarat

બીમાર મોટાભાઈ મહેશનું ખૂબ ધ્યાન રાખતા હતા નરેશ કનોડિયા, જુઓ પરિવારની ઇમોશનલ તસવીરો

અમદાવાદઃ ગુજરાતી સિનેમાના અમિતાભ બચ્ચન અને રજનીકાંત કહેવાતા એવા નરેશ કનોડિયાએ આ દુનિયામાંથી અલવિદા લીધી છે. નરેશ કનોડિયાનું કોરોનાના કારણે નિધન થયું છે. હજી ત્રણ દિવસ પહેલાં જ મોટાભાઈ મહેશ કનોડિયાએ પણ અંતિમ શ્વાસ લીધા હતા. આમ એક સાથે બંને ભાઈઓએ ત્રણ દિવસમાં દુનિયામાંથી વિદાય લેતાં ચાહકોને ઘેરો આઘત લાગ્યો છે. બંને ભાઈઓ વચ્ચે ખૂબ ઊંડો પ્રેમ હતો. અનેક પ્રસંગોમાં પરિવારના સંસ્કારો દેખાતા હતા. હાલમાં જ 16 મેના રોજ નરેશ કનોડિયાની 57મી વર્ષગાંઠ હતા. આ પ્રસંગે પત્ની રતનબેને પતિને પગે લાગી આશીર્વાદ લીધા હતા. એટલું જ નહીં પુત્ર હિતુ કનોડિયા, પુત્રવધૂ મોના અને પૌત્ર રાજવીરે નરેશ કનોડિયા અને રતનબેન માટે જાતે માળા બનાવી આપી હતી.

ઘરમાં જ સેલિબ્રેશન કર્યું: લૉકડાઉન હોવાને કારણે નરેશ કનોડિયાએ ઘરમાં જ વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી. હિતુ કનોડિયાએ આ વીડિયો પણ સોશિયલ મીડિયામાં શૅર કર્યો હતો. આ વીડિયોમાં નરેશ કનોડિયાનો પૌત્ર રાજવીર ઘરના ગાર્ડનમાંથી ફૂલો તોડતાં નજરે પડ્યાં હતાં. આ ફૂલોમાંથી હિતુ કનોડિયા જાતે જ માળા બનાવતાં જોવા મળ્યાં હતાં. ત્યારબાદ નરેશ કનોડિયા તથા રતનબેન એકબીજાને માળા પહેરાવ્યો હતો. ત્યારબાદ ઘરના સભ્યો નરેશ-રતનબેનને ફૂલોથી વેડિંગ એનિવર્સરીની શુભેચ્છા પાઠવી હતી.

માતા-પિતા કરતાં વણાટકામઃ નરેશ કનોડિયાનો જન્મ ઘણાં જ ગરીબ પરિવારમાં થયો હતો. તેમનો જન્મ મહેસાણા જિલ્લાના કનોડા ગામમાં થયો હતો. તેમના પિતા મીઠાભાઈ તથા માતા દલીબેન સાડી, ટુવાલ, ધોતિયાનું વણાટકામ કરતાં હતાં. તેમને ચાર બાળકો તથા ત્રણ બહેનો હતી. એટલે કે એક રૂમના મકાનમાં નવ-નવ લોકો રહેતા હતાં. નવ લોકોનું ગુજરાન ચલાવવું ઘણું જ મુશ્કેલ હતું.

આજે પણ એ ઘર સાચવી રાખ્યું હતું: નરેશ કનોડિયાએ પોતાનો જન્મ જે ઘરમાં થયો હતો તે ઘર આજે પણ સાચવીને રાખ્યું હતું. ઘરની પરિસ્થિતિ સારી ના હોવાથી નરેશ કનોડિયાએ ભાઈ મહેશની સાથે મળીને સ્ટેજ પર્ફોર્મન્સ આપવાની શરૂઆત કરી હતી. તેમને અન્ય ભાઈના નામ શંકર કનોડિયા તથા દિનેશ કનોડિયા છે. જ્યારે બહેનોના નામ નાથીબેન, પાનીબેન તથા કંકુબેન છે.

ગુજરાતના પહેલાં સ્ટાર જેમણે વિદેશમાં પર્ફોર્મન્સ આપ્યુંઃ નરેશ તથા મહેશ કનોડિયા પહેલાં ગુજરાતના એક પણ સ્ટાર એવા નહોતા કે જેમણે વિદેશ જઈને પર્ફોર્મન્સ આપ્યું હોય. 80ના દાયકામાં મહેશ તથા નરેશની જોડીએ આફ્રિકા, અમેરિકા તથા એશિયા સહિતના દેશોમાં જઈને પર્ફોર્મન્સ આપ્યું હતું.

સ્નેહલતા સાથે જમાવી હતી જોડીઃ નરેશ કનોડિયાએ ગુજરાતી ફિલ્મ ‘વેલીને આવ્યા ફૂલ’થી કરિયરની શરૂઆત કરી હતી. નરેશ કનોડિયાએ અનેક ગુજરાતીમાં ફિલ્મમાં કામ કર્યું હતું. તેમણે તે સમયની લોકપ્રિય એક્ટ્રેસ સ્નેહલતા સાથે જોડી જમાવી હતી.

ગાંધીનગરમાં છે બંગલો: નરેશ કનોડિયાએ રતનબેન સાથે લગ્ન કર્યાં હતાં. તેમનો દીકરો હિતુ કનોડિયા પણ ગુજરાતી ફિલ્મનો સુપરસ્ટાર છે. હાલમાં હિતુ કનોડિયા ઈડરના ધારાસભ્ય છે. હિતુ કનોડિયાએ એક્ટ્રેસ મોના થીબા સાથે લગ્ન કર્યાં છે. બંનેનો દીકરો રાજવીર છે. તેઓ હાલમાં ગાંધીનગર રહે છે.

નથી ભૂલ્યા કુળદેવીનેઃ નરેશ કનોડિયાએ પોતાના એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેઓ આજે પણ પોતાનું કોઈ નવું કામ શરૂ કરે ત્યારે ગામમાં આવેલા હરસિદ્ધિ માતાના મંદિરે અચૂકથી પગે લાગે છે.

આ રીતે પડી કનોડિયા સરનેમઃ મહેશ તથા નરેશ કનોડિયાએ પોતાના ગામ કનોડા પરથી પોતાની સરનેમ કનોડિયા રાખી હતી.

You cannot copy content of this page