Only Gujarat

Gujarat

નકલી સેનિટાઈઝર ઝડપાયું, તમે આ કંપની કે બ્રાન્ડનું સેનિટાઈઝર યુઝ નથી કર્યું ને?

કોરોનાથી બચવા માટે આડેધડ સેનિટાઇઝર ખરીદતા પહલા સાવધાન થઇ જજો. કારણ કે બની શકે છે કે તમે ખરીદેલું સેનિટાઇઝર નકલી હોઈ શકે છે. આવું જ નકલી સેનિટાઇઝર સુરતમાંથી મોટાપાયે ઝડપાયું છે. ફુડ એન્ડ ડ્રગ્સના દરોડામાં નકલી સેનિટાઇઝર ઉપરાંત બનાવટી હેન્ડ વોશ પણ મળી આવ્યો. પ્રશાસને 13 લાખનો મુદ્દામાલ જપ્ત કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનારાઓને બેનકાબ કર્યા છે.

આ અંગેની વિગત એવી છે કે, સુરતમાં ખોટા સર્ટિફિકેટ અને લાયસન્સના આધારે નકલી સેનેટાઇઝર અને હેન્ડ વોશનું ઉત્પાદન કરનારા એકમો પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તવાઇ બોલાવી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મળેલી માહિતીના આધારે દરોડો પાડી કરીને 13 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રશાસનની કામગીરીના પગલે આવા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

જેમાં સુરતના ઓલપાડમાં આવેલા મે. જે. પી. પેઇન્‍ટસ એન્ડ કેમીકલ, પ્લોટ નં. ૭, ૮, ગ્રાઉન્‍ડ ફ્લોર, સ્વાગત ઇન્‍ડસ્ટ્રીયલ એસ્ટેટમાં સુરતના ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ દરોડો પાડ્યો હતો. જેમાં અલગ-અલગ બેચના જુદા જુદા પેકીંગ વાળા ફર્સ્ટ ક્લાસ હેન્ડ વોશ, ફર્સ્ટ ક્લાસ હેન્ડ સેનીટાઇઝર, જે.પી. ફર્સ્ટ ક્લાસ હેન્ડ રબ, આરુશ હેન્ડ સેનિટાઇઝર બ્રાન્ડનેમવાળા હેન્ડ સેનિટાઈઝર તથા હેન્‍ડ વોશની નકલી બનાવટો મળી આવી હતી. જેના નિયમિત નમૂના લઇ બાકીની બનાવટો, કાચા દ્રવ્યો, પેકીંગ મટીરીયલ તેમજ મશીનરીનો જથ્થો વધુ કાર્યવાહી માટે જપ્ત કરવામા આવ્યો છે.

દરોડા દરમિયાન માલિક યોગેશભાઇ ફુલવાણીએ કબૂલાત કરી હતી કે તેઓ આ ગેરકાયદેસર ઉત્પાદન વગર પરવાને શરૂ કરી દીધો હતો. કોઇપણ જાતના ટેસ્ટિંગ કર્યા વગર ટૂંકા ગાળામાં વધુ પૈસા કમાવવાની લાલચથી હેન્ડ સેનિટાઇઝર તથા હેન્ડ વોશનું મોટાપાયે ઉત્પાદન કરી વેચાણ કર્યુ છે. તેમના ગોડાઉનમાંથી તૈયાર પ્રોડકટ, પેકિંગ મટિરિયલ, કાચા દ્રવ્યો, મશીનરી મળી કુલ 13 લાખ રૂપિયાનો ત્રણ ટ્રક જેટલો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

તપાસ દરમિયાન ફેક્ટરીના માલિકે બનાવેલા નકલી લાયસન્સ અને ખોટા સર્ટિફિકેટ હાથ લાગ્યા છે. તેમના તરફથી કેટલા સમયથી આ નકલી સેનિટાઇઝરનું ઉત્પાદન કરવામાં આવે છે? અત્યાર સુધી કોને કોને વેચાણ કરવામાં આવ્યું ? આ ઉપરાંત ઉપયોગ કરેલું આલ્કોહોલ ક્યાંથી મેળવ્યુ છે ? ક્યાં ક્યાં વેચાણ કરવામાં આવ્યું? આ તમામ સવાલોના જવાબ મેળવીને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તરફથી તપાસ કરવામાં આવી રહી છે.

યોગેશ ફુલવાણીએ પરવાના વિના જ તેમજ ગુણવત્તાના કોઇપણ માપદંડની ચકાસણી કર્યા વગર હેન્‍ડ સેનિટાઇઝરનું ઉત્પાદન કરીને ઔષધ અને સૌંદર્ય પ્રસાધન ધારાની કલમ ૧૮(સી)નો ભંગ કર્યો છે. સમાજમાં આવા ગુનાહિત્ત કૃત્યો આચરનાર અને ગેરમાર્ગે દોરનાર વ્યક્તિઓ સામે ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ કડક કાર્યવાહી શરૂ કરતા લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતાં લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.

You cannot copy content of this page