Only Gujarat

Gujarat

ગુજરાતમાં હવે મેઘમહેર નહીં મેઘકહેર, સિઝનનો 120 ટકા વરસાદ, જુઓ તસવીરો

સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થતાં હવે ચોમાસુ મેઘકહેર તરફ વળી રહ્યુ છે. અત્યાર સુધી રાજ્યમાં સીઝનનો કુલ 120% વરસાદ નોંધાયો છે. પરતું આ વરસાદ ખેતી માટે કાળ સમાન બની ગયો હોવાથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયાં છે.

જો વાત કરીએ છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં વરસેલા વરસાદની તો, ગીર સોમનાથ જિલ્લાને મેઘરાજાએ ઘમરોળી નાખ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં સિઝનનો 70 ઈંચ વરસાદ ખાબકી ચુક્યો છે. ગીર સોમનાથના દુદાણા અને ઇંચવડ ગામમાં ખેતરો પાણીમાં ગરકાવ થતા પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. દુદાણા અને ઇંચવડ ગામના તમામ ખેતરો પાણીમાં ડૂબી જતાં જમીન ત્યાં જળના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વરસાદે વિરામ લીધાના 24 કલાક બાદ પણ પાણી ઓસરવાનું નામ લેતું નથી.

પોરબંદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદથી ખેતરોમાં પાણી ફરી વળતા ખેતરો બેટમાં ફેરવાય ગયા છે. ઉપરાંત વર્તુ-2 ડેમ અવારનવાર ઓવરફ્લો થતો હોવાથી વારંવાર ડેમના દરવાજા ખોલવાથી નીચાણવાળા ગામડાઓમાં ખૂબ જ મોટી તારાજી સર્જાઈ છે.

જ્યારે બરડા ડુંગરમાં પણ છેલ્લા દોઢ મહિનાથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેથી ડુંગર ઉપરથી પાણી નીચે વહેતા નીચાણવાળા ગામો જેમ કે કાટવાણા, બખરલા,ગોઢાણા, બાવળવાવ, નાગકા વગેરે ગામોમાં બરડા ડુંગરનું પાણી આવતા રસ્તાઓ ઉપર નદીઓ વહી રહી છે અને ખેતરોમાં નદી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

વાત દક્ષિણ ગુજરાતની કરીએ તો નર્મદા ડેમમાંથી 11 લાખ ક્યૂસેક પાણી છોડાતા ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની જળ સપાટી ભયજનક સપાટી ઉપર વહી રહી છે. હાલ નર્મદા નદીની સપાટી 33 ફૂટને પાર થઇ ગઇ છે.

જેને પગલે નર્મદા કાંઠે આવેલા ભરૂચ શહેર અને ગામડાઓમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ભરૂચના ફૂરજા, દાંડિયા બજાર અને ધોળીકુઇ વિસ્તારમાં નર્મદા નદીના પાણી ઘૂસી જતા રસ્તાઓ પર હોડીઓ ફરવા લાગી છે. જેને પગલે ભરૂચવાસીઓ પારાવાર મુશ્કેલીમાં મૂકાઇ ગયા છે.

ભરૂચ, અંકલેશ્વર અને ઝઘડિયા તાલુકામાંથી અત્યાર સુધીમાં પાંચ હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. 30 ગામો પૂરથી અસરગ્રસ્ત થયા છે, NDRFની 2 ટીમ હાલ કાર્યરત છે અને અધિકારીઓ સતત સ્થિતિ પર મોનિટરિંગ કરી રહ્યા છે. નર્મદા નદીની સપાટી વધવાની સંભાવના હોવાથી લોકોને નદી કિનારે ન જવા અપીલ છે.અસરગ્રસ્તો માટે સુવિધા, જમવા અને મેડિકલની સુવિધા ઉભી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાં 162.64ટકા, દક્ષિણ ગુજરાતમાં 102.45 ટકા, ઉત્તર ગુજરાતમાં 101.72 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 87.56 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.

You cannot copy content of this page