Only Gujarat

Gujarat

ગુજરાતના ચાર સભ્યો USની નદીમાં ડૂબી ગયા, ચૌધરી પરિવારમાં છવાયો માતમ

3 ફેબ્રુઆરીએ આખો ચૌધરી પરિવાર પોતાના ગામથી કેનેડા જવા નીકળ્યો. કેનેડાના ટોરેન્ટો ગયેલો પરિવાર 15 દિવસ બાદ ગામડે રહેતા પરિવારના અન્ય સભ્યોથી સંપર્ક વિહોણા બન્યો હતો. જ્યારે 1 એપ્રિલે સોશિયલ મીડિયાથી પરિવારને અમેરિકાની સેન્ટ લોરેન્સ નદીમાં ડૂબી જતા ભારતીય 4 વ્યક્તિનાં મોત અંગેના સમાચાર મળ્યા હતા. જે બાદ તપાસ કરતા આ ચૌધરી પરિવાર હોવાનું સામે આવ્યું. જ્યારે 1 એપ્રિલની સાંજે કેનેડા ચૌધરી સમાજના લોકોના વોટ્સએપમાં પણ ફોટા ફરતા થતા અને 2 એપ્રિલે (આજે) કેનેડાથી ખબર પડી કે પરિવારના 4 સભ્યોનાં મોત નીપજ્યાં છે.

મૃતકના કૌટુંબિક ભાઈ જસુભાઈ ચૌધરીએ જણાવ્યું કે, બે મહિના પહેલાં મારો ભાઈ પરિવાર સાથે વિઝિટર વિઝા પર કેનેડા ગયો હતો. જ્યારે આજે સવારે સમાચાર મળ્યા કે બોટ મારફતે અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરતાં કોઈ ભારતીય પરિવાર ડૂબી જતા મોતને ભેટ્યો છે. સમાચાર સાંભળતા જ મેં મારા ભાઈને ઘણા ફોન કર્યા પણ તેમનો ફોન લાગતો ન હતો. જેનાથી અમે ચિંતામાં હતા. ત્યારબાદ અમે કેનેડામાં રહેતા અમારા અન્ય સંબંધીઓને ફોન કરીને પૂછ્યું કે આ ઘટના શું છે તો સામેથી જવાબ મળતા જ અમારા પગ નીચેથી જમીન સરકી ગઈ….

સંબંધીઓએ દ્વારા અમેરિકાની દુર્ઘટનામાં જેઓનાં મોત નીપજ્યાં છે તેઓના ફોટા અને નામ મોકલવામાં આવ્યા હતા. જે બાદ અમને જાણ થઈ કે આ તો મારા ભાઈનો જ પરિવાર છે. બીજી તરફ પોલીસ પણ સવારે અહીં આવી પહોંચી હતી અને તેઓએ પણ અમને નામ આપ્યાં ત્યારે ખાતરી થઈ કે આ અમારો જ પરિવાર છે. કેનેડા ગયેલા ભાઈ અને તેના પરિવાર સાથે અમે છેલ્લે 15 દિવસ પહેલાં જ વાત કરી અને તેમની ખબર પૂછ્યા હતા. પરિવારના 4 સભ્યો ડૂબ્યા છે જેમાંથી ત્રણની લાશ મળી આવી છે જ્યારે એકની શોધખોળ ચાલી રહી છે.

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના દાભલા પાસે આવેલા નાનકડા ગામ માણેકપુરા ખાતે રહેતા અને ખેતીનો વ્યવસાય કરતા ચૌધરી પ્રવીણભાઈ વેલજીભાઈ ઉંમર 50 વર્ષ પોતાની પત્ની ચૌધરી દક્ષાબેન ઉંમર 45 તેમજ ચૌધરી વિધિબેન ઉંમર 23, ચૌધરી મિતકુમાર ઉંમર 20 સાથે બે માસ અગાઉ કેનેડા ગયાં હતાં જ્યાં બોટમાં બેસી એક પરિવાર સાથે અમેરિકામાં ઘૂસણખોરી કરતા સમયે બોટ પલટી મારી જતા 8 લોકોનાં મોત નીપજ્યાં હતાં. જેમાં મહેસાણા ચૌધરી પરિવારના 4 સભ્યો હતા. મળતી માહિતી પ્રમાણે મૃતકના પરિવારનું અગાઉ કોઈ જ વિદેશમાં રહેતું નથી માત્ર આ જ પરિવારને વિઝિટર વિઝા મળતા કેનેડા પોતાનાં બાળકો સાથે ફરવા નીકળ્યાં હતાં.

સ્થાનિક જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું કે, પ્રવીણભાઈ વિઝિટર વીજ પર ફરવા ગયા હતા. સમાચારોમાં આવ્યું ત્યારે અમને જાણ થઈ કે તેઓએ અમેરિકા ગેરકાયદેસર ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. અમને તો એમ હતું કે વિઝિટર વિઝા પર ફરવા ગયા છે. મોતના સમાચાર મળતા અમે પરિવારને આશ્વાસન આપવા આવ્યા છીએ. તેઓ એક ખેડૂત પરિવારના સભ્ય હતા.

વિપુલ ચૌધરીએ કહ્યું દુઃખદ અખાતજનક ઘટના છે. કાંકરિયાના તળાવમાં ડૂબીને કોઈ મરી ગયું હોય એવા સમાચાર નથી. પરિવાર કેનેડા ફરવા ગયો હતો. ત્યાં ડૂબવાથી મોત થયાં છે. પરિવારને મૃતદેહ ક્યારે અને કેવી રીતે મળશે એવી કોઈ વિગતો નથી. હાલમાં પરિવારના મૃતદેહ ગામ સુધી લાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

You cannot copy content of this page