Only Gujarat

Gujarat

બે દિવસથી રૂમમાં લટકતી હતી લાશ, લગ્નના 19 દિવસમાં જ જીવનલીલા સંકેલી લેતા રહસ્ય ઘેરાયું

સુરતમાં આવેલી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ પ્રોફેસરે આપઘાત કરી લેતા યુનિવર્સિટીમાં ચકચાર મચી ગઇ. પ્રોફેસરે તેમના ક્વાર્ટર્સમાં જ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. હાલ તો આપઘાત પાછળનું કારણ સામે આવ્યું નથી. જો કે તેમના લગ્ન 19 દિવસ પહેલા જ થયા હતા. આ ઘટનાને લઇ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

સુરત શહેરના ઉધાન-મગદલ્લા રોડ પર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી આવેલી છે. જ્યાં પ્રોફેસરો માટે ક્વાર્ટર્સ પણ બનાવવામાં આવ્યા છે. જેમાં યુનિવર્સિટીના ટીચિંગ આસિસ્ટન્ટ પ્રોફેસર પૂર્ણચંદ્ર રાવ પણ (ઉ.વ.32) રહેતા હતા. મંગળવારે તેમના ક્વાર્ટર્સમાંથી ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો. બનાવની જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી.

યૂનિવર્સિટીમાં કોન્ટ્રાક્ટ પર લાગેલા તેલંગાણાના પૂર્ણચંદ્ર રાવ કેમેસ્ટ્રીના અધ્યાપક હતા. યુનિવર્સિટીના જણાવ્યા પ્રમાણે એક વર્ષ પહેલા જ તેઓ જોડાયા હતા. તે છેલ્લા બે દિવસથી ગુમ હોવાના પગલે તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. સિક્યુરિટી ગાર્ડ તેમના ઘરે તપાસ માટે ગયો હતો. દરમિયાન સિક્યુરિટી ગાર્ડે ઘરનો દરવાજો ખખડાવતા પ્રોફેસર રાવે દરવાજો ખોલ્યો નહતો. જેથી ગાર્ડને શંકા ગઇ હતી.

પોલીસને સાથે રાખીને ઘરની તપાસ કરતા છત સાથેના હૂકમાં દોરી લટકાવી અને ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. ઉલ્લેખનીય છે કે ગત 20 નવેમ્બરે જ પ્રોફેસરના લગ્ન થયા હતા. દરમિયાન તેમણે આપઘાતનું પગલું ભરી લેતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે. પોલીસે આપઘાતના કારણની તપાસ શરૂ કરી છે. જો કે લગ્નના માત્ર 19 દિવસ બાદ પ્રોફેસર રાવે જીવનલીલા સંકેલી લેતા રહસ્ય ઘેરાયું છે.

બીજી તરફ તેમના મોતના પગલે પરપ્રાંતિય પરિવારના માથે દુઃખના વાદળો ઘેરાયા છે. પ્રોફેસરના અંગત જીવનમાં કોઈ સમસ્યા હતી કે કેમ તે તો પોલીસ તપાસના અંતે જ ખબર પડશે. પરંતુ હાલ તો આ ઘટનાના કારણે યુનિવર્સિટીના અન્ય પ્રાધ્યાપકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે.

 

You cannot copy content of this page