નર્મદા નદીએ અંકલેશ્વરની અનેક સોસાયટીમાં વિનાશ વેર્યો, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી

ભરૂચ ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદાની જળ સપાટી 40 ફૂટે પહોંચતા નર્મદા ગાંડીતુર બની છે જેને કારણે અંકલેશ્વર તાલુકા અને શહેરમાં ભારે વિનાશ વેર્યો છે. અંકલેશ્વર શહેરમાં પૂરના પાણી ઘુસી જતા 58 જેટલી સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા હતા. અચાનક મકાનોમાં પાણી ઘુસી જતા રહીશોને ઘરવખરી ખસેડવાનો પણ મોકો ન મળતા ઘરવખરી અને વાહનો ડૂબી જતા ભારે નુકશાન થવા પામ્યું છે. જયારે એક શખ્સને કરંટ લાગતા મોત નીપજ્યું હતું. અંકલેશ્વર નગરપાલિકા અને એનડીઆરએફની ટીમ દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.

નર્મદા નદીના પુરે ભારે તબાહી મચાવી છે. ત્યારે, અંકલેશ્વર શહેરમાં ગત રાત્રીના 9 વાગ્યા બાદ પૂરના પાણી તેજ ગતિ એ આવી જતા સોસાયટીઓમાં ફરી વળ્યાં હતા. તેજ ગતિએ પાણી આવતા સોસાયટીમાં રહીશોમાં પહેલા માળ સુધી પૂરના પાણી ઘુસી ગયા હતા.

જો કે, પાણીના તેજ પ્રવાહના કારણે રહીશો ઘરવખરી અને પોતાના વાહનો ખસેડી ન શકતા પાણીમાં ગરકાવ થતા મોટું નુકશાન થવા પામ્યું છે. રાત્રી દરમ્યાન અફરાતફરીનો માહોલ સર્જ્યો હતો. જો કે, રહીશો ઘરની બહાર પણ નીકળી શક્યા નહોતા.

અંકલેશ્વર શહેરની 58 જેટલી સોસાયટી પાણીમાં ગરકાવ થઇ ગઈ છે. જેને પગલે અંકલેશ્વર નગરપાલિકા તંત્ર અને તાલુકાનું વહીવટી તંત્ર એલર્ટ થઇ ગયું હતું. એનડીઆરએફની એક ટીમ આવી પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જો કે, એક શખ્સને પોતાના મકાનમાં ઈન્વર્ટરનો કરંટ લાગતા સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. તો બીજી બાજુ, નગરપાલિકા દ્વારા ફાયર અને એનડીઆરએફની ટીમ દ્વારા પ્રેગ્નેટ મહિલા તેમજ બીમાર દર્દીઓ અને બાળકો બહાર કાઢી બચાવ કામગીરી હાથ ધરી હતી.