ગુજરાતમાં એક માત્ર સોના-ચાંદી ને હીરા જડિત જૈન દેરાસર, વર્ષો જૂના રિયલ ડાયમંડની કરાઈ આંગી

Gold and diamond Jain Derasar in Rajkot: જૈન સમાજનો પવિત્ર પર્યુષણ પર્વ ચાલી રહ્યું છે. ત્યારે સૌરાષ્ટ્રનું સૌથી મોટું જિનાલય એટલે રાજકોટની સોની બજારમાં આવેલું માંડવી ચોક દેરાસર. આ દેરાસરના નિર્માણ પાછળ રાજકોટના રાજવી પરિવારનો અનેરો ઇતિહાસ છુપાયેલો છે. રાજકોટના મૂર્તિપૂજક જૈન સમાજ માટે માંડવી ચોક દેરાસર આસ્થાનું પ્રતિક છે. તેમજ માંડવી ચોક દેરાસરને મૂર્તિપૂજક જૈન સમાજ દ્વારા પ્રથમ તીર્થ તરીકે પણ માનવામાં આવે છે. ખાસ કરીને પર્યુષણ પર્વ દરમિયાન સમગ્ર સૌરાષ્ટ્ર સહિત વિદેશોમાંથી પણ જૈન પરિવારો આ દેરાસરમાં બિરાજમાન સુપાર્શ્વનાથ દાદાના દર્શન કરવા ઉમટે છે.

માંડવી ચોક દેરાસર મૂર્તિપૂજક તપગચ્છ સંઘના પ્રમુખ જીતુભાઇ દેસાઇએ એક ખાનગી ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 600 કિલો ચાંદીનો ઉપયોગ કરી ભગવવાના ઘરેણાથી લઇ ચાંદીનો રથ અને જ્યાં જ્યાં જરૂર લાગી ત્યાં દરવાજા અને દિવાલોમાં ચાંદી જડવામાં આવ્યા છે. 1 કિલો સોનાની પણ જરૂર લાગી ત્યાં વચ્ચે ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમજ 250 વર્ષ જૂના રિયાલ ડાયમંડની આંગી કરવામાં આવે છે જે દેશ આખામાં પહેલું આ દેરાસર છે.

જીતુભાઇ દેસાઇના જણાવ્યા મુજબ સુપાર્શ્વનાથદાદાના હારને સોના-ચાંદીથી મઢવા માટે ત્રીસ લાખથી પણ વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ માટે બે માસનો સમય લાગ્યો હતો. આ પ્રકારના દરવાજા, નકશી, કોતરણી કામ માત્ર પંચાલ લોકો જ કરી શકે છે. જેઓ અમદાવાદ, મુંબઇ ખાતે વસે છે. દરવાજાના કામ માટે અમદાવાદથી 8 કારીગર બોલાવવામાં આવ્યા હતા. દિવસ-રાત 60 દિવસ કામ ચાલ્યું હતું. આગામી દિવસોમાં પણ સમયાંતરે સોના-ચાંદીની જરૂર મુજબ વપરાશ કરવામાં આવે છે.

ગુજરાતમા એક માત્ર રાજકોટના માંડવી ચોકમા આશરે સવા કરોડની કિંમતના 250 વર્ષ જૂના રિયલ ડાયમંડની આંગી કરવામા આવે છે. જીતુભાઇના જણાવ્યા મુજબ આજ રોજ સાંજે ચાર વાગે આંગી દર્શન થાય છે. મૂર્તિ ઉપર ચાંદીના વરખ લગાવી તેના પર સુખડના ભૂકાનો લેપ કરી અને રીયલ ડાયમંડ અને મોતી ચોટાડવામાં આવે છે. તેને ખોભરૂ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમાં રિયલ ડાયમંડની આંગી કરવામાં આવે છે. ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવે છે.

છેલ્લા ત્રણ દાયકાથી આ દેરાસરોનો વહિવટથી સક્રિય રીતે જોડાયેલા જાણિતા જૈન શ્રેષ્ઠી જીતુભાઇ દેસાઇ (ચાવાળા)એ માંડવી ચોક દેરાસરના ઇતિહાસ વિશે જણાવ્યું હતું કે 192 વર્ષ પૂર્વે તે સમયના રાજકોટના રાજવી પરિવારના પટારામાંથી સુપાર્શ્વનાથ દાદાની મૂર્તિ મળી આવી હતી. ત્યારબાદ તે રાજવી પરિવારે ભગવાન સુપાર્શ્વનાથ દાદાની મૂર્તિ જૈનોને અર્પણ કરી હતી અને દેરાસર બાંધવા માટે રાજવી પરિવાર દ્વારા જમીન પણ ભેટ રૂપે આપવામાં આવી હતી ત્યાર બાદ જૈનો દ્વારા આ માંડવી ચોક દેરાસરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. રાજવી પરિવારે દેરાસર નિર્માણ માટે જ્યારે જગ્યા આપી તે સમયે ખૂબ જ ઓછી જગ્યા હતી પરંતુ સમય જતાં જૈન સમાજ દ્વારા આજુબાજુની જમીન ખરીદી આ દેરાસરને વિસ્તારવામાં આવ્યું હતું. આજે આ દેરાસર સૌરાષ્ટ્રનું સૌથી મોટું અને પૌરાણિક દેરાસર તરીકે ઓળખાય છે. 3000 વારમાં માંડવી ચોક દેરાસર ફેલાયેલું છે. જ્યાં સાધુ અને સાધ્વીજીના વ્યાખ્યાન માટે ૧૫૦૦ માણસ એક સાથે બેસી વ્યાખ્યાન સાંભળી શકે તેવા ત્રણ હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે.

રાજકોટનું માંડવી ચોક જૈન દેરાસર આસ્થાનું પ્રતિક

રાજકોટના મૂર્તિપૂજક જૈન સમાજ દ્વારા ઈ.સ. ૧૮૨૬માં રાજકોટ જૈન તપગચ્છ સંઘ નામના ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી. આ ટ્રસ્ટ દેરાસરની સ્થાપનાના વર્ષથી જ કાર્યરત છે અને આજે રાજકોટમાં જૈન તપગચ્છ સંઘ ટ્રસ્ટ અંતર્ગત માંડવી ચોક દેરાસર સહિત અન્ય ત્રણ દેરાસરનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં ચૌધરી હાઈસ્કૂલ પાસે આવેલું ચિંતામણી પાર્શ્વનાથ દેરાસર, જાગનાથ પ્લોટમાં આવેલું મહાવીર સ્વામી ભગવાનનું દેરાસર, ઢેબર રોડ, પર આવેલું મુની શ્રુવત સ્વામી દેરાસરનો સમાવેશ થાય છે.

મૂર્તિપૂજક જૈનોમાં માંડવી ચોક દેરાસરનું અનેરૂ મહત્વ છે. અહીં પર્યુષણ પર્વ દરમિયાન એક લાખ જૈનો દર્શન કરવા પધારે છે તેમજ દર વર્ષે પવિત્ર પર્યુષણ પર્વ બાદ દેરાસરમાં બિરાજમાન સુપાર્શ્વનાથ દાદાની સોના-હીરા જડીત ભવ્ય રથમાં રથયાત્રા ૧૯૨ વર્ષથી ઉત્સાહપૂર્વક કાઢવામાં આવે છે. સુપાર્શ્વનાથ દાદાની આ રથયાત્રા પૂર્ણ થયા બાદ દેરાસરના પટાંગણમાં જ એક સાથે ‌૧૫ હજાર મૂર્તિપૂજક જૈન પ્રસાદ લેવા એકત્રિત થાય છે. આ સાથે વિદેશોમાં વસતા જૈન પરિવાર પણ જ્યારે રાજકોટ અથવા સૌરાષ્ટ્રની મુલાકાતે આવે છે ત્યારે માંડવી ચોક દેરાસરમાં બિરાજમાન ૨૪ તિર્થંકર તેમજ માણીભદ્રદાદા, પદ્માવતી દેવી, ચક્રેશ્વરી દેવી, અંબીકા દેવી, દર્શન કરીને ધન્યતા અનુભવે છે.