Only Gujarat

Gujarat TOP STORIES

કમોસમી વરસાદને લઈને ગુજરાતના કયા શહેરોમાં એલર્ટ અપાયું? કલેક્ટરને શું અપાયો આદેશ?

ગાંધીનગર: આજે વર્ષ 2020નો છેલ્લો દિવસ છે જ્યારે આવતીકાલથી નવા વર્ષની શરૂઆત થઈ રહી છે ત્યારે છેલ્લા એક અઠવાડિયાથી ઠંડીનું જોર વધી રહ્યું છે. જોકે હવે ગુજરાતના ખેડૂતો માટે હવામાન વિભાગ તરફથી માઠા સમાચાર આવ્યા છે. નવા વર્ષની શરૂઆતથી જ ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની હવામાન વિભાગે આગાહી કરી છે. છેલ્લા ત્રણ દિવસથી ઉત્તર ગુજરાતના ઘણાં વિસ્તારોમાં કોલ્ડવેવ જોવા મળી રહી છે.

હવામાન વિભાગની આગાહીને લઈને એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. નવા વર્ષે એટલે 2 જાન્યુઆરીથી 4 જાન્યુઆરી સુધી ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યારે જિલ્લા કલેકટર દ્વારા હવામાન વિભાગ તરફથી મળેલ આગાહી પ્રમાણે, પાકને નુકસાન ન થાય તે માટે સાવચેતી રાખવા બાબતે પરિપત્ર જાહેર કર્યો છે. ઉત્તર ગુજરાતના APMC, ખેતપેદાશો, ઘાસચારો તમામને તકેદારીના ભાગરૂપે સલામત સ્થળે ખસેડવાની ભલામણ કરવામાં આવી છે.

આગામી બીજી અને ત્રીજી જાન્યુઆરીના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા અને દાહોદમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ સિવાય ગુજરાતના ઘણા ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે.

આગામી 2 અને 3 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા તેમજ દાહોદમાં કમોસમી વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરાઈ છે. વાતાવરણમાં પલટો આવવાની આગાહીથી ખેડૂતોમાં ચિંતાનું મોજૂં ફરી વળ્યું છે. કમોસમી વરસાદ થશે તો શિયાળુ પાકને મોટું નુકશાન થશે તેવી ભીતિ સેવાઈ રહી છે. રાજ્યમાં ઉત્તરપૂર્વના પવન ફૂંકાઈ રહ્યાં છે. આજે પવનની દિશી બદલાતાં અમદાવાદ સહિત મોટા ભાગના શહેરોનું તાપમાન ઉચકાયું છે.

નોંધનીય છે કે, રાજ્યના ઘણાં શહેરોમાં કડકડતી ઠંડી પડી હતી જેમાં સૌથી નીચું તાપમાન નલિયાનું 2.7 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ઘણી જગ્યાએ તાપમાનનો પારો ઉંચકાતા ઠંડીમાં ઘટાડો થયો હતો. માઉન્ટ આબુમાં માઈનસ ડિગ્રીમાં ઠંડી પડી રહી છે. જેના કારણે આબુની નજીકના વિસ્તારો એવા બનાસકાંઠા અને સાબરકાંઠાના ઘણાં વિસ્તારોમાં બરફની ચાદર પથરાઈ હોય તેવું પણ જાણવા મળ્યું હતું.

You cannot copy content of this page