Only Gujarat

Gujarat

જમીન તોડને સ્વયંભૂ પ્રગટ થયું 15 ફૂટ ઉંચું શિવલિંગ, રોજ હજારોની સંખ્યામાં આવવા લાગ્યા ભક્તો

આણંદ જિલ્લાના બોરસદથી 13 કિલોમીટર દૂર આવેલું અલારસા ગામ ચર્ચાનો વિષય બન્યું છે. આજથી અંદાજે 10 દિવસ પહેલાં ગામના અભેટાપુરા વિસ્તારમાં તળાવમાં શિવલિંગની પ્રતિકૃતિ મળી આવી હતી. આ પ્રતિકૃતિ અંદાજે 15થી 17 ફૂટ ઉંચી છે અને 10 ફૂટનો ઘેરાવો ધરાવે છે. આ વાત વાયુવેગે બધે ફેલાઈ ગઈ હતી. ત્યાર બાદથી રોજ હજારોની સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. જગ્યા પર મોટી ધ્વજા ચઢાવવામાં આવી છે. ત્યાં આવીને કોઈ હાર તો કોઈ નાળિયેર ચઢાવે છે. શિવલિંગની સામે બેસીને લોકોએ ભજન-કિર્તનથી ભક્તિ પણ શરૂ કરી દીધી છે. શરૂઆતમાં આજુબાજુ વિસ્તારના લોકો આવતા હતા, પણ હવે રાજકોટ, સુરત અને કચ્છ એમ દૂર દૂરથી લોકો શિવલિંગના દર્શન કરવા આવે છે.

સૌ પહેલાં શિવલિંગની પ્રતિકૃતિ જોનાર ધર્મેશ જયંતીભાઈ ડાભીએ કહ્યું, ‘એ દિવસે સારો એવો વરસાદ પડ્યો. એટલે હું મારા ચાર મિત્રો સાથે ગામના છેવાડે આવેલા અભેટા તળાવમાં પાણી ભરાયું છે કે નહીં એ જોવા ગયો. તળાવમાં નીચે ઉતરીને જોયું તો ભેખડ નીચે એક મોટી પ્રતિકૃતિ દેખાઈ. ત્યાં ઉપર એક મહારાજ હતા. અમે તેમને બોલાવ્યા. તેમણે અમને કહ્યું કે આ તો વર્ષો જૂનું શિવલિંગ છે. પછી અમે તળાવથી બહાર આવી ગામમાં વાત કરી એટલે જોવા માટે લોકો ઊમટી પડ્યા.’

ધર્મેશ ડાભીની સાથે જે ચાર મિત્રો હતા, તેમાંથી એક હિતેશ મકવાણાએ કહ્યું, ‘મહારાજે કહ્યું કે આ શિવલિંગ છે, પછી અમે લોકોએ હાર લાવીને ચઢાવ્યો અને દીવા-અગરબત્તી કરી. એ મહારાજ ઊંટવાડા ગામના છે, જે વર્ષે એકવાર અહીં આવે છે. પછી આની તસવીરો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી, જેના પર એક રિપોર્ટરની નજર પડી તો તે આવ્યા. પછી જોત જોતામાં બધે વાઇરલ થઈ ગયું.’

અલારસાથી થોડે દૂર આવેલા નિસરયા ગામના રહીશ અને રિટાયર્ડ ASI ભીખાભાઇ સેવાભાઇ બ્રહ્મભટ્ટ પણ શિવલિંગ મળ્યું હોવાની વાત જાણીને આવ્યા હતા. તેમણે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું, ‘અલારસાના અભેટા વિસ્તારમાં એક શિવલિંગ આપોઆપ પ્રગટ થયું છે, એ જાણીને દર્શન કરવા આવ્યો છું. આ શ્રદ્ધાનો વિષય છે. શિવલિંગ કેટલું જૂનું છે એ પુરાતત્વ વિભાગ આવીને જણાવે. બાકી અત્યારે શિવલિંગ દેખાય છે. આ બનાવીને મૂકેલી વસ્તુ નથી. એના વિષે ઘણી લોકવાયકા ચાલી રહી છે.’

JCBનો પંજો તૂટી ગયો, પણ શિવલિંગને કંઈ ન થયું
જ્યારે બાજુના પીંપળી ગામના રહીશ બુધાભાઈ પૂનમભાઈ મકવાણા સાથે વાત કરતાં તેમણે કહ્યું, ‘મારૂં મકાન અહી નજીક જ આવેલું છે. નાના બાળકો રમતા રમતા તળાવમાં ગયાં હતા અને તેમને કઈક દેખાયું એ પછી અમે શનિવારના દિવસે આ મંદિરની તપાસ અર્થે આવ્યા. અમને લાગ્યું આ શિવલિંગ છે, જેથી અમે સોશિયલ મીડિયા પર ચઢાવ્યું અને ત્યારબાદ તમામ મીડિયાવાળાએ મુલાકાત લીધી હતી. હાલમાં અહીંયા રોજ ચારથી પાંચ હજાર પબ્લિક આવી રહી છે. રોજ સવાર-સાંજ આરતી થાય છે. સોમવારે 2થી 4 હજાર રૂપિયાનો પ્રસાદ પણ વેચાય છે. લોકોનું પણ માનવું છે કે આ શિવલિંગ સિવાય કંઈ જ નથી. હું માનું છું કે આ શિવલિંગ હોય કે ના હોય અહી મંદિરનુ શિલાન્યાસ થવું જ જોઈએ. તેમણે દાવો કર્યો હતો કે રેલવેવાળા આ તળાવમાંથી જ્યારે માટી લેતા હતા ત્યારે JCBનો પંજો તૂટી પડ્યો હતો, પણ શિવલિંગને કંઈ નુકસાન થયું નહોતું.’

હવે ભવ્ય મંદિર બનાવવાનું આયોજન
આ અંગે અલારસા ગામના રહીશ પૃથ્વીસિંહ ચૌહાણ સાથે પણ વાત થઈ. તેમણે કહ્યું, ‘જ્યારે શિવલિંગ બહાર આવ્યું ત્યારે કલેક્ટર સહિતના અધિકારીઓ આવીને ગયા અને અમને બાંહેધરી આપી હતી કે બે ત્રણ દિવસમાં અહીંયા ખોદકામ કરીશું. અમારી વિનંતી છે કે ખોદકામ કરી અમને જગ્યાની માહિતી આપે, જેથી કરીને મંદિર માટે આગળ કાર્યવાહી કરી શકીએ. પુરાતત્વ વિભાગ સેમ્પલ લઈ ગયાં હતાં, એ પછી કોઈ જવાબ આવ્યો નથી.’

જ્યારે ગ્રામપંચાયતના સભ્ય ચૌહાણ બાબુભાઇ મણિભાએ કહ્યું, ‘રેલવેને આ તળાવ માટીકામ માટે આપ્યું હતું. એ બંધ થયા પછી ભેખડ તૂટવાથી તેમાંથી એક શિવલિંગ જેવુ સ્થાપત્ય મળ્યું છે. એ વર્ષો પુરાણું આદિઅનાદિ કાળથી હોય એવું મારૂં માનવું છે. એ આસ્થાનું પ્રતિક છે. પુરાતત્વ વિભાગ જો અમને નિવેદન આપે કે ચિન્હ મળ્યું છે. તમે શિવલિંગની સ્થાપના કરો તો હવે ભવ્ય મંદિર બનાવવાનું આયોજન છે.’

જગ્યા પર બજાર શરૂ થઈ ગયું
જ્યારથી અહી શિવલિંગ ની પ્રતિકૃતિ મળી છે એ દિવસથી તળાવના કિનારે અંદર પણ કેટલાક લોકો ચા નાસ્તા અને ખાણીપીણીની દુકાનો ખોલીને બેસી ગયાં છે. ઉપરાંત શ્રીફળ અને અન્ય પ્રસાદીની લારીઓ પણ ચારે તરફ જોવા મળે છે. તેમની માટે રોજગારીની નવી તક ખૂલી ગઈ છે. દિવ્ય ભાસ્કરે અહીંયાના વેપારીઓ સાથે પણ વાત કરી હતી, જેમાં ગલ્લો ચલાવતાં પ્રવીણભાઈ ગણપતભાઈ ચાવડાએ કહ્યું હતું, ‘અહીંયા દુકાન ચાલુ કરી એને દસ બાર દિવસ થયા છે. શિવલિંગ મળ્યાના પાંચ દિવસ પછી મેં દુકાન ખોલી હતી. અહીયા શ્રદ્ધાળુઓ આવે છે તો તેમને દર્શન પણ થઈ શકે છે અને અમારું વેચાણ પણ થાય છે. અહીંયા રોજના પાંચ થી છ હજાર લોકો દર્શન કરવા આવે છે, એમાંથી હજાર બારસો માણસ ગ્રાહકો તરીકે મળી રહે છે. પહેલા હું ખેતીકામ કરતો હતો. એ હાલ મારા પિતા સંભાળે છે. મારો વેપાર સારો ચાલે છે અને રોજગારી મળી રહે છે. અહીંયા મંદિર બને તો સારું, કારણ કે આસપાસ કોઈ મોટું મંદિર નથી અને શંકર ભગવાનનું શિવલિંગ જાતે જ નીકળ્યું છે તો મંદિર થાય એવું હું ઈચ્છું છું.’

નોકરી છોડી ખાણીપીણીની લારીઓ શરૂ કરી દીધી..
જ્યારે ચા વેચતાં પીંપળીના રહીશ લીલાબેન કહે છે, ‘અહીંયા શિવલિંગ નીકળ્યું ત્યારથી અમે દુકાન માંડી છે. એની પહેલા ખેતીકામ કરતાં હતા. મજૂરી જતાં હતા. અત્યારે રોજનો ચારસોથી પાંચસો રૂપિયા મળી રહે છે. અહીંયા હજારથી પંદરસો માણસ આવે છે. એનાથી અમારું ચાલે છે. એમની બાજુમાં જ વિજયભાઈ નામના યુવાને મગફળીની લારી શરૂ કરી છે. એ અગાઉ વિદ્યાનગર ખાતે ફેબ્રીકેશનમા નોકરી જતાં હતાં અને રોજના 300 રૂપિયા કમાતા હતાં, પરંતુ મગફળીની લારી શરૂ કર્યા બાદ રોજના ચારસોથી પાંચસો રૂપિયા કમાય છે. એમનું કહેવું છે કે અહીંયા શિવલિંગ મળી આવ્યા બાદ રોજગાર ચાલુ રહે એટલાં માટે અહીંયાં લારી કરી છે.’

લોકવાયકા મુજબ આ વિસ્તાર હેડમ્બા વન તરીકે ઓળખાય છે
ગ્રામપંચાયતના સભ્ય ચૌહાણ બાબુભાઇ ચૌહાણે કહ્યું હતું, ‘વાયકા મુજબ વર્ષોથી આ વિસ્તાર હેડમ્બા વન તરીકે ઓળખાય છે. પાંડવ કાળમાં એમણે કદાચ શિવલિંગની સ્થાપના કરી હોય એવી અમારી માન્યતા છે. પાંડવો જે વખતે ગુપ્ત વાસમાં રહેતા હતાં ત્યારે કદાચ સ્થાપના કરી સેવા પૂજા કરી હોય. જોકે, તેનો પુરાણોમાં કે અન્ય ક્યાંય ઉલ્લેખ અમને જોવા મળ્યો નથી પણ ગામના વૃદ્ધ લોકો સાથે વાત કરતાં અમને આની જાણ થઈ હતી. એમણે પણ આ સાંભળેલી વાત છે.’

ગામમાંથી વિદેશ સ્થાયી થયેલા લોકોની પણ ઈચ્છા કે મંદિર બને
આ અંગે જિલ્લા પંચાયતના સભ્ય અશોકા મહિડાએ કહ્યું, ‘બાજુની રેવપુરી સીમમાં રેવપુરી દાદાનું પ્રસિદ્ધ મંદિર છે. એનાથી 90 ડિગ્રીના સ્થાનમાં આ શિવલિંગની પ્રતિકૃતિ મળી છે. એટલે લોકોમાં શ્રદ્ધા વધુ જાગી છે. સુરત, કાઠિયાવાડ તેમજ કચ્છથી પણ લોકો અહીંયા આવે છે. અહીંયાથી વિદેશમાં જઈને વસેલા નાગરિકોની ઈચ્છા એવી છે કે ભવ્ય મદિર બને. બે વર્ષથી શિવલિંગ નીકળવાના સંકેતો આપ્યા હતાં, જેમકે માટીનું ખોદકામ ચાલતું હતું, એ વખતે JCB ત્યાં તૂટી જાય. કોઈ નજીક જાય તો અન્ય કોઈ પ્રશ્ન બને. JCBની હાલમાં નિશાનીઓ દેખાય છે, એટલે ત્યાં ખોદકામ બંધ રાખી બાકીની જગ્યામાં કર્યું હતું. જેવી રીતે બરફ હોય ત્યાં બાબા બર્ફાનીનું શિવલિંગ હોય તો બની શકે કે રેતાળ પ્રદેશ ચરોતરમાં માટીથી શિવલિંગ બન્યું હોય. આ શ્રદ્ધાનો વિષય છે અને સ્વયંભુ છે એટલે કોઈ પ્રશ્ન જ નથી.

You cannot copy content of this page