ગુજ્જુભાઈએ બનાવ્યો ‘સ્મૉલ પ્લેન પ્લાન’, અમરેલીથી ગોવાની ફ્લાઈટ પણ શક્ય બનશે

સામાન્ય રીતે નાનાં નગરોમાં રહેનારા લોકો માટે હવાઈ પ્રવાસ લગભગ સપનું જ બની રહે છે. કેમ કે, એમને લાંબું અંતર કાપીને મોટા શહેરમાં જવું પડે છે. ખાસ કરીને અમદાવાદ, સુરત, દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, બેંગલુરુ કે હૈદરાબાદ જેવાં મહાનગરોનો સંપર્ક કર્યા સિવાય નાનાં શહેરના લોકો વિમાન-પ્રવાસ કરી શકતા નથી. સાચી વાત છે. આજે પણ દેશમાં એવાં અનેક નાનાં નાનાં શહેરો છે જેમને વિમાનસેવાના લાભ માટે ખૂબ દૂર નજર કરવી પડે છે. જો તમે ગુજરાતના કોઈ નાના શહેરમાં રહેતા હો અને તમારે રાજ્યના કે ભારતના કોઈ મોટા શહેરમાં‌ જવું હોય તો સૌપ્રથમ તમારે અમદાવાદ જેવા કોઈ મોટા શહેરમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જવું પડે, અને ત્યાંથી તમે દેશના જે-તે શહેરમાં જઈ શકો.

પરંતુ, હવે સ્થિતિ બદલાઈ રહી છે. આ વાયાવાળા ચક્કરમાંથી હવે મુક્તિ મળે એમ છે. તમને તમારા જ શહેરમાંથી ઉડાન ભરવા માટેની અનુકૂળતા કરી આપવા માટે એક ગુજરાતી બિઝનેસમેને તૈયાર કર્યો છે ‘સ્મૉલ પ્લેન પ્લાન’. આ ગુજરાતી બિઝનેસમેન એટલે જગદીશ કોટેચા. મૂળ પોરબંદરના વતની અને હાલ ગોવામાં રહેતા જગદીશભાઈ કાર્ગો એરવેઝ સેવાક્ષેત્રે સક્રિય છે. દેશનાં નાનાં નાનાં શહેરોના લોકોને ખાસ કરીને સસ્તા દરે વિમાન પ્રવાસની સવલત આપવાનું એમણે બીડું ઝડપી લીધું. ‘શ્રી રામદૂત એરવેઝ’ના સંચાલક જગદીશ કોટેચા છેલ્લાં ૩૫ વર્ષથી વિમાન-સેવાના ક્ષેત્રમાં ગ્રાઉન્ડ સર્વિસથી માંડીને ટિકિટિંગ, કાર્ગો, ટ્રાવેલ એજન્સી સહિત તમામ મોરચે કાર્યરત રહ્યા છે.

પણ હવે તો તેઓએ નાનાં શહેરોના માટે લઘુ-વિમાન-સેવા શરૂ કરવાનું નિશ્ચિત કરીને જાણે કે ઇતિહાસ સર્જ્યો છે. આ માટે કોટેચાએ બ્લિસ એરવેઝ નામની એરલાઇન્સ કંપનીનો પાયો નાખ્યો. નાગરિક ઉડ્ડયન ક્ષેત્રને સમૃદ્ધ કરવા માટે તેમણે બ્લિસ એરવેઝના માધ્યમથી ભારતનાં નાનાં શહેરોને વિમાન-સેવા સાથે સાંકળી લીધાં છે. એમના આ સાહસિક કદમથી ઉડ્ડયનક્ષેત્રમાં તો એક નવો અધ્યાય રચાશે જ, પણ આ ક્ષેત્રમાં નવા ભારતનું આ એક હરણફાળ પગલું સાબિત થશે. એમની આ યોજનાની રૂપરેખા અનુસાર, બ્લિસ એરવેઝ એરલાઇન્સ કંપની વર્ષ ૨૦૨૧ના અંત સુધીમાં અથવા ૨૦૨૨ના પ્રારંભમાં નાનાં વિમાનો સાથે નાનાં શહેરો માટે ડૉમેસ્ટિક વિમાન-સેવા શરૂ કરી દેશે.

કોટેચાએ નાનાં શહેરોમાં વિમાનસેવા શરૂ કરવા માટે વિવિધ કંપનીઓ સાથે ૭૦ સીટર, ૮૦ સીટર ૯૦ સીટર વિમાનોની ખરીદી શરૂ કરી છે. આ કામગીરી પૂરી થતાં જ બ્લિસ એરવેઝ નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે સેવાઓનાં શ્રીગણેશ કરી દેશે. આ પ્રકારની સેવાની શરૂઆતથી નાનાં નગરોના લોકો દેશના કોઈ પણ મોટા શહેરમાં જવા-આવવા માટે મોટાં શહેરોનાં એરપોર્ટ પપર જવાની મજબૂરીમાંથી બચી જશે. તેઓ સીધેસીધા જ એક શહેરથી બીજા શહેરની વિમાન-મુસાફરી કરી શકશે.

જગદીશ નારણદાસ કોટેચા જાહેર ઉડ્ડયન ક્ષેત્રમાં કદાચ સૌથી સફળ ગુજરાતી ઉદ્યોગપતિ તરીકે ઝળકતું નામ છે. તેમણે અત્યાર સુધી ગોવાના આકાશમાં સફળતાનો ધ્વજ લહેરાવ્યો છે, અને હવે દેશભરના આકાશમાં છવાઈ જવા તૈયાર છે. વર્ષ ૧૯૪૯માં જન્મેલા કોટેચાનું બાળપણ પોર્ટુગલ, મોઝેમ્બિક તથા પૂર્વ આફ્રિકામાં વીત્યું. તે પછી તેમણે ગોવાને પોતાની કર્મભૂમિ બનાવ્યું. જગદીશભાઈએ શ્રી રામદૂત એરવેઝ નામે એરલાઇન કંપની શરૂ કરી. વારસામાં મળેલા ઉદ્યોગ-વ્યાપારના સંસ્કારો તથા વ્યાવસાયિક ગૂઢ જ્ઞાન ઉપરાંત પોતાની શક્તિના જોરે ૧૯૫૪થી ગોવા ખાતેથી જ અનેક મોરચે આર્થિક સફળતા મેળવી અને ઉડ્ડયન ક્ષેત્રમાં પ્રવેશ કર્યો.

જગદીશભાઈના એવિયેશન એડવેન્ટર યુનાઇટેડ એરટ્રાવેલ્સના કાર્યાલયનું ઉદ્ઘાટન ગોવાના તત્કાલીન મુખ્યમંત્રી પ્રતાપસિંહ રાણેએ કર્યું હતું. તેમનાં ઉડ્ડયન-સાહસોમાં એરલાઇન્સ, એવિયેશન, ગ્રાઉન્ડ હૅન્ડલિંગ સેવાઓ તથા ટ્રાવેલ એજન્સી જેવી બાબતોનો સમાવેશ થાય છે. ગોવામાં વાયુદૂત ફ્લાઇટ્સના શુભારંભ વખતે, એટલે કે, ૧૯૮૬થી તેમણે કંપનીની ફ્લાઇટ્સની ગ્રાઉન્ડ હૅન્ડલિંગ સેવાઓ બખૂબી સંભાળી. તેમની કંપનીની ગોવા-હૈદરાબાદ તથા મુંબઈ-પુણે વચ્ચે હવાઈ ખેપ મારનારી ફ્લાઇટોની ગ્રાઉન્ડ હૅન્ડલિંગ સેવાઓ પ્રશંસનીય ગણાઈ છે.

યુનાઇટેડ એરટ્રાવેલ્સ આજે સ્કાઇલિંક્સ એવિયેશન સર્વિસીસ નામે પ્રખ્યાત છે. તેમની કંપની હાલમાં સાત-સાત અગ્રણી એરલાઇનો સહિત ચાર્ટર ફ્લાઇટ અને એક્ઝિક્યુટીવ ચાર્ટર ફ્લાઇટોને સેવાઓ પૂરી પાડે છે. દેશના દરેક મોટા એરપોર્ટ ઉપરાંત યુએઈ, યુકે, પોર્ટુગલ, બલ્ગેરિયા સહિત દુનિયાભરમાં ૩૪ સ્થાનોએ કંપનીની એસોસિયેટ ઑફિસો કાર્યરત છે. જગદીશભાઈની કંપનીએ એરલાઇન્સ સેવાઓમાં સર્વોચ્ચ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. તે ઉપરાંત, તેમણે ગોવાની અગ્રણી ટ્રાવેલ એજન્સી કે એસઓટીસી ટુર્સ જેવી વૈશ્વિક કંપનીઓનું પ્રતિનિધિત્વ કરીને વિશ્વભરમાં અનેક પ્રવાસીઓને યાદગાર પ્રવાસની ભેટ આપી છે.

હવે જગદીશભાઈ કોટેચા તથા શ્રી રામદૂત એરવેઝ આ વર્ષના અંત સુધીમાં બ્લિસ એરલાઇન્સના નામે નાગરિક ઉડ્ડયનના ક્ષેત્રમાં પદાર્પણ કરી રહ્યા છે, અને એમના આ ઐતિહાસિક કદમથી દેશભરનાં નાનાં શહેરોમાંથી ઊડનારી નાનાં વિમાનોની સેવાના નવીનતમ અધ્યાયનો પ્રારંભ થશે. કોટેચાની આ બજેટેડ એરલાઇન્સ ઉતારુઓને સસ્તા દરે વિમાન-મુસાફરી કરાવશે. બ્લિસ એરલાઇન્સ પ્રારંભિક તબક્કામાં ગોવાને ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક તથા પંજાબ જેવાં રાજ્યો સાથે નિયમિત ડાઇરેક્ટ ફ્લાઇટથી જોડી દેશે. હનીમૂન જોડીઓ, કૅસિનો વગેરેનો આનંદ ઉઠાવવા માટે ગોવાની મુલાકાત લેવા ઇચ્છુક લોકોને પોતાના શહેરથી જ, કહો કે ઘર-આંગણેથી જ ગોવા જવા-આવવાની સવલત મળી જશે.
આશા રાખીએ કે ગુજરાતી ઉદ્યોગપતિ જગદીશભાઈ કોટેચાની યોજનાને ઝળહળતી સફળતા મળે, અને લોકો મોટી સંખ્યામાં તેનો લાભ લે.

You cannot copy content of this page