Only Gujarat

Gujarat

લગ્નના બે વર્ષમાં જ પતિનું નિધન, ગર્ભવતિ યુવતિ દુ:ખના ડુંગર વચ્ચે પોલીસ કોન્સ્ટેબલ બની

અત્યંત શરમાળ પ્રકૃતિ અને કોઇની સાથે વાતચીત કરવામાં માત્ર હા અને ના માં માથું હલાવીને જવાબ આપતી નિમિષા પટેલ આજે કપરાડા તાલુકાના નાનાપોંઢા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલની ફરજ બજાવે છે. જોકે, પોલીસ વિભાગમાં જવું અને કેવા સંજોગમાં તે કોન્સ્ટેબલ બની એ પણ તેના ભૂતકાળના જીવન જેટલું જ રહસ્યપ્રદ છે.ધરમપુરના નાનકડાં એવા ખટાણાં ગામમાં પિતા વિનુભાઇ પટેલ મજુરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. વિનુભાઇને સંતાનમાં એક પુત્રી નિમિષા અને નાનો પુત્ર હતો. પિતાએ મજુરી કામ કરીને બંને સંતાનને પોતાની યથાશક્તિ મુજબ ભણાવવાનો પ્રયાસ કર્યો. ગામડાંની અન્ય બાળકીની જેમ નિમિષા પણ સ્વભાવે એકદમ શાંત અને શરમાળ પ્રકૃતિની હતી. જોકે, નિમિષા પહેલેથી જ ભણવામાં ખૂબ જ હોશિંયાર હતી. આથી બારમાં ધોરણમાં સારા ટકા સાથે ઉતીર્ણ થયા બાદ શિક્ષકની નોકરી આસાનીથી મળી રહેશે એ આશયથી પીટીસી કોલેજમાં પ્રવેશ મેળવીને 2 વર્ષનો અભ્યાસ પૂર્ણ કર્યો.સમાજમાં પીટીસી થયેલી છોકરી અને દેખાવમાં પણ સુંદર એવી નિમિષાના લગ્ન માટે સારા ઘરના માંગા આવવાના શરૂ થઇ ગયા. 22 વર્ષની ઉંમરે જ ધરમપુરના કાંગવીગામે રહેતા અને બેંકમાં નોકરી કરતા અજય નામક યુવક સાથે લગ્ન નક્કી થયા અને ગણતરીના દિવસોમાં જ લગ્ન પણ લેવાયા. ગામડાંમાં ભણી ગણીને મોટી થયેલી નિમિષા લગ્ન બાદ તેમના પરિવાર સાથે સુરતમાં રહેવા ચાલી ગઇ હતી.નિમિષા અને અજયનું દાંપત્ય જીવન ઉત્સાહ અને આનંદમાં વ્યતિત થઇ રહ્યું હતું. આ દરમિયાન બે વર્ષ પછી નિમિષાએ પરિવારમાં આવનારા નવા મહેમાનના વધામણાંની ખુશીના સમાચારો આપ્યા. નિમિષા અને અજયના પ્રેમના પ્રતિક સમાન ભગવાનનો એક ઉપહાર જલ્દીથી જ તેમને મળવાનો હતો એ વાતને લઇને નિમિષા તો જાણે ખુશીમાં ધરતી ઉપર પગ જ સમાતો ન હતો. જોકે, વધારે પડતી ખુશીને ક્યારે નજર લાગી જાય એની ખબર પણ પડતી નથી.એક તરફ નિમિષા માતા બનાવીની મહેચ્છા પરિપૂર્ણ થવાની ખુશી વચ્ચે જ અજયની તબિયત લથડવાં લાગી હતી. અજયને કમળો થતાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. અજયની તબિયતમાં સુધારો થવાના બદલે દિનપ્રતિદિન તેમની તબિયત વધુ બગડતી જતી હતી. આખરે અજયને કમળામાંથી કમળી થઇ જતા અને લોહીનું પાણી થતાં ડોકટરો તેમને બચાવી શક્યા ન હતા.પતિના અવસાન બાદ નિમિષા એકદમ સૂનમૂન થઇ ગઇ હતી, તેને લાગ્યું કે જાણે જિંદગી જ અહિં થંભી ગઇ છે. મરણોત્તર વિધિ પતાવ્યા બાદ નિમિષા પિતાના ઘરે રહેવા માટે આવી ગઇ. અહીં તેણે એક પુત્રને જન્મ આપ્યો અને જિંદગીને પોતાના પુત્ર માટે જીવવા માટે ફરી સુરત સાસરમાં રહેવા આવી ગઇ હતી. જોકે, અજયના પૂર્વૈ પહેલા જે માન અને સન્માન મળતું હતું એમાં ઉણપ દેખાતી હતી. કોઇક વાર માતા-પિતા દીકરી અને પૌત્રને જોવા માટે સુરત પહોંચતા તો મહેણા ટોળાં મારીને હડધૂતને આઘાત પ્રત્યાઘાત પહોંચાડતા હતા. આખરે નિમિષા હમેંશના માટે તેમના પિતાને ત્યાં રહેવા માટે આવી ગઇ.લગ્ન જીવનના માત્ર બે વર્ષના ટૂંકાગાળામાં વૈધવ્યનો ભાર અને ઉપરથી નવજાત પુત્રના ઉછેર અને ઉજ્જવળ ભવિષ્યની બેવડી જવાબદારી આવી પડી. ઘણા માણસો એવા હોય છે કે તેમને દુ:ખી થવા માટે કોઇ કારણની જરૂર પડતી નથી, જ્યારે કેટલાક દુ:ખના ડુંગરો વચ્ચે સોય જેટલા સુખને પણ શોધી કાઢતા હોય છે.નિમિષાએ પણ નક્કી કરી દીધું કે પુત્રના ભવિષ્ય માટે કુદરત સામે ફરિયાદ કરવાના બદલે પુરૂષાર્થ થકી જિંદગીને વધુ સન્માનિત કરવી જોઇએ. માતાનું ધાવણ ઉપર નિર્ભર પુત્રને નિમિષાએ મા-બાપને જવાબદારી સોંપીને કોલેજમાં એડમિશન લીધું. પુત્રના ઉછેરની જવાબદારી સાથે કોલેજના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા અને ફાયનલ ઇયરમાં નિમિષા સારા પર્સેન્ટજ સાથે પાસ પણ થઇ ગઇ. હવે ગમે તેમ કરીને નોકરી મેળવવા માટે પ્રયાસ શરૂ કર્યા. આ બધા વચ્ચે એસઆરપી જવાન કલ્પેશ કુરકુટિયાએ નિમિષાને ફિઝિકલી ફિટનેશની તાલીમ આપી.ગુજરાત સરકારમાં પોલીસ વિભાગમાં ભરતીની જાહેરાત આવતા તેમા એપ્લાય કર્યુ. લેખિત પરીક્ષા મેરિટ સાથે પાસ કર્યા બાદ ફિઝિકલી ટેસ્ટમાં પણ સારો દેખાવ કરીને નિમિષા પોલીસ વિભાગમાં પસંદગી પામી. આખરે હાલ નિમિષા નાનાપોંઢા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહી છે. કહેવાય છેકે, આ દુનિયામાં જો કોઇ શ્રેષ્ઠ યોધ્ધા હોય તો એ મા હોય છે. બે વર્ષના માંડ લગ્ન જીવનમાં પતિની છત્રછાયા ગુમાવી અને સાસરિયાના મહેણાં ટોળાને અવગણીને માત્ર પત્ર યજ્ઞ માટે પોતાના જીવનને તપાવીને યજ્ઞવેદી બની એક મા આજે પોતાના પુત્ર માટે પોલીસ વિભાગમાં નોકરી કરી રહી છે.

You cannot copy content of this page