Only Gujarat

Gujarat

ચોટીલાના ચોરવીરા ગામના કોળી જવાન કાશ્મીરમાં શહીદ, શહાદતને સો સો સલામ

જમ્મુ-કાશ્મીરમાં જન્મભૂમિની રક્ષા કાજે લડતા ગુજરાતના વધુ જવાનને લઈને દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. ગુજરાતનો જવાન જમ્મુ કાશ્મીરમાં શહીદ થયો હોવાના સમાચાર મળતા જ શહીદના પરિવારજનો પર દુ:ખના વાદળો ઘેરાઇ ગયા છે. ગુજરાતનો આ જવાન ચોટીલાના ચોરવિરા ગામનો છે.

રઘુભાઈ બાળવિયા નામના આ વીરે મા-ભોમની રક્ષા કાજે જમ્મુ કાશ્મીરમાં શહીદી વ્હોરી લીધી. વીરગતિને પામેલા શહીદના પાર્થિવ દેહને આજે વતન લાવવામાં આવશે. જ્યાં લોકો તેમને અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપશે.

પાકિસ્તાન દેશ પોતાની નાપાક હરકતો બંધ કરવાનું નામ લેતો નથી. અવારનવાર યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરીને આતંકવાદીઓની ઘુસણખોરી કરવાની નાપાક કોશિશ કરતો રહે છે. જેનો ભારતીય સેના જડબાતોડ જવાબ આપે છે. છેલ્લા પાંચ દિવસમાં સુરક્ષા દળોએ 14 આતંકવાદીઓને ઠાર કર્યા છે. તેનાથી પરેશાન પાડોશી દેશ પાકિસ્તાન સંઘર્ષવિરામનું ઉલ્લંઘન કરતો રહે છે.

બુધવારે રાજૌરી જિલ્લામાં LOC પર પાકિસ્તાન તરફથી ભારે ગોળીબારમાં સેનાના એક જવાન શહીદ થઈ ગયા. એટલું જ નહીં, દુશ્મનો સામે લડતાં લડતાં ગુજરાતના અને ચોટીલાના ચોરવીરા ગામના રઘુભાઈ બાવળીયાને ગોળી વાગતા તેઓ શહીદ થયા છે. પોતાનો દીકરો દેશની રક્ષા કાજે પોતાના પ્રાણનું બલિદાન આપીને શહીદ થયો એવા સમાચાર સાંભળીને તેમનો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

આ ઉપરાંત સમગ્ર પંથકમાં પણ શોકની લાગણી પ્રસરી ગઈ છે. આ જવાનના નશ્વર દેહને ગુરુવારે વતન ચોરવીરા લાવવામાં આવશે. ત્યારબાદ ગાર્ડ ઓફ ઓનર આપી તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

આ તરફ જવાન શહીદ થયાના સમાચાર જાણી મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ પણ ટ્વીટ કરીને અંજલિ આપી છે. રૂપાણીએ ટ્વીટ કર્યું કે, જમ્મુ કાશ્મીરમાં માતૃભૂમિની રક્ષા કરતા ચોટીલાના ચોરવીરા ગામના રઘુભાઈ બાવળીયા શહીદ થતા દુ:ખી હૃદય સાથે અશ્રુપૂરિત શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. દેશ માટે બલિદાન આપનાર આ વીર જવાનના આપણે સર્વે હંમેશા ઋણી રહીશું. પ્રભુ એમના દિવ્ય આત્માને શાંતિ અને પરિજનોને શક્તિ અર્પે. ૐ શાંતિ…

જ્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ આપણા આ જવાનને ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે ટ્વિટ કરીને કહ્યું હતું કે શહાદતને સલામ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ચોરવિરા ગામના વતની, વીર જવાન રઘુભાઈ બાવળિયા જમ્મુ કાશ્મીરમાં ફરજ બજાવતા, માં ભોમની રક્ષાકાજે શહીદ થયા છે. ઈશ્વર તેમના આત્માને શાંતિ પ્રદાન કરે અને પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે.

You cannot copy content of this page