Only Gujarat

FEATURED National

ચીની સૈનિકની કબર તસવીર આવી સામે, ચીનાઓએ પોતાના જ દેશની સરકાર સામે કર્યા સવાલ

નવી દિલ્હીઃ ગલવાનમાં ઘુસણખોરી બાદ ભારતીય સૈનિકોએ ચીનના સૈન્યને કારમો પરાજય આપ્યો હતો. આ અંગેના પુરાવા હવે સામે આવી રહ્યાં છે. ચીનની સોશિયલ મીડિયા સાઈટ પર એક અહેવાલ વાઈરલ થઈ રહ્યાં છે. જેમાં ચીને સૈનિકોની કબરો બનાવી હોવાનું સામે આવ્યું છે. ગલવાનમાં 15 જૂને થયેલી અથડામણની તસવીરો પણ સોશિયલ મીડિયા સાઈટ વીબો પર વાઈરલ થઈ રહી છે.

ચાઈનીઝ સોશિયલ મીડિયા સાઈટ વીબો પર 2 એકાઉન્ટ્સ એવા છે જેમની પર દાવો કરવામાં આવી રહ્યો છે કે, ચીની સૈનિક ચૈન જિયાંગરોંગનું મોત ગલવાન અથડામણમાં થયું હતું. તેની કબર બનાવવામાં આવી હતી. કબર પર લગાવવામાં આવેલા પત્થર પર લખવામાં આવ્યું છે કે, ‘ફુઝિયાનના પિંગનાનના 69316 સૈન્ય ગ્રૂપનો સૈનિક.’ આ ચેન જિયાંગરોંગની કબર છે. જેણે જૂન 2020માં ભારતીય સૈનિકો સાથેની અથડામણમાં પોતાનો જીવ ગુમાવ્યો. આ મામલે એક ટીવી ચેનલ દ્વારા ભારતીય સૈન્યને પ્રશ્ન કરવામાં આવ્યો હતો, જોકે ભારતીય સૈન્યના અધિકારીઓએ આ મુદ્દે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો હતો. આ સાથે તેમણે ભવિષ્યમાં પણ આ મુદ્દે કોઈપણ પ્રકારે ટિપ્પણી કરવાથી ઈન્કાર કરી દીધો હતો.

ચીનની સેન્ટ્રલ મિલિટ્રી કમિશન તરફથી લગાવવામાં આવેલા આ પત્થર પર ચીની સૈનિક ચેન જિયાંગરોંગને શ્રદ્ધાંજલિ આપવામાં આવી, જોકે આ મામલે ચીનની સરકારે સત્તાવાર રીતે કોઈ પ્રતિક્રિયા આપી નથી. આ ઉપરાંત કબર તેમના સૈન્ય જવાનની નથી તેવી સ્પષ્ટતા પણ કરી નથી. જોકે સોશિયલ મીડિયા પર તસવીર વાઈરલ થયા બાદ લોકો સતત સરકારને પ્રશ્ન કરી રહ્યાં છે. આ વર્ષે મે મહિનાના પ્રારંભમાં ભારતીય અને ચાઈનીઝ સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. જે પછીથી બંને દેશોએ સરહદ પર સૈન્ય એક્ટિવિટીઝ અને સંખ્યામાં ધરખમ વધારો કર્યો હતો.

ચીનના સૈનિક વિશે જણાવવામાં આવ્યું કે, આ કબર 5 ઓગસ્ટ 2020ના દક્ષિણી શિનજિયાંગ મિલિટ્રી ક્ષેત્રમાં બનાવવામાં આવી છે. વાઈરલ પોસ્ટ અનુસાર મૃતક સૈનિક માત્ર 19 વર્ષનો હતો. તેનો જન્મ ડિસેમ્બર 2001માં થયો હતો. ઉલ્લેખનીય છે કે, ચીનમાં ઘણા લોકો સરકારને પ્રશ્ન કરી રહ્યાં છે કે, ગલવાનમાં મૃત્યુ પામેલા સૈનિકોની માહિતી ક્યાં છે?

પીપલ્સ લિબરેશન આર્મીના સ્ટ્રક્ચર અનુસાર 69316 યુનિટ દક્ષિણી મિલિટ્રી ક્ષેત્રની 13મી રેજીમેન્ટનો ભાગ છે. અમુક વીબો યુઝર્સે કોમેન્ટ કરી કે શક્ય છે કે જિયાંગરોગ ગલવાનમાં મૃત્યુ ના પામ્યો હોય. કારણ કે એક તસવીરમાં ચીની સૈન્યનું વાહન દર્શાવે છે કે તેને ડૉન્ગફેંગમાં ફરજ પર તૈનાત કરવામાં આવ્યો હતો. તસવીરમાં ચીની સૈનિકને માથા પર ઈજા થયાનું જોવા મળી રહ્યું છે. તેના માથામાંથી લોહી વહી રહ્યું હતું.

You cannot copy content of this page