Only Gujarat

FEATURED National

ભગવાને એક પછી એક આપી મુસીબત પણ આ મિત્ર બન્યો કૃષ્ણને કરી આ રીતે મદદ!

પુદુકોટ્ટઈ, તામિલનાડુઃ મોંઘવારીના આ સમયમાં ઘર બનાવવું ઘણું મુશ્કેલ બની રહ્યું છે અને આ ઘણા લોકો માટે સ્વપ્ન જ રહી જાય છે. પરંતુ તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે એક મિત્રએ પોતાના બીજા મિત્રને ભેટમાં ઘર આપ્યું હોય. નહીં ને, તમને આ વાત વિચિત્ર અને હાસ્યાસ્પદ પણ લાગી હશે કે- કળયુગના આ સમયમાં કયો મિત્ર છે જે ઘર જેવી મોંઘીદાટ વસ્તુ ભેટમાં આપી દે.

વાસ્તવમાં તામિલનાડુના પુદુકોટ્ટઈમાં રહેતા મુત્થુકુમાર અને કે.નાગેન્દ્રન વાસ્તવમાં કળીયુગના કૃષ્ણ અને સુદામા છે. નાગેન્દ્રને પોતાના મિત્રની ખરાબ સ્થિતિને જોતા તેની માટે નવું ઘર બનાવી સરપ્રાઈઝ આપ્યું હતું. હવે તેની મિત્રતા અન્યો માટે મિસાલ બની રહી છે, દરેક વ્યક્તિ તેમના કાર્યની પ્રશંસા કરી રહ્યું છે.

એવું કહેવાય છે કે, લોહીના સંબંધથી મોટો કોઈ સંબંધ હોય તો તે મિત્રતાનો છે. મિત્રતા એવો સંબંધ છે જે માણસ જાતે બનાવે છે. એક સાચો મિત્ર મેળવવો નસીબની વાત ગણાય છે. આવી જ મિત્રતા પુદુકોટ્ટઈના મુત્થુકામર અને કે.નાગેન્દ્રનની છે. કોરોના અને ગાઝા વાવાઝોડું મુત્થુકુમાર માટે ઘાતક સાબિત થયો.

કોરોનાને કારણે લગાવવામાં આવેલા લોકડાઉનના કારણે નોકરી જતી રહી. તે 15 હજાર મહિને કમાતો જે ઘટીને સંઘર્ષ કરતા તેને મહિને 1-2 હજાર જ મળતા. ગાઝા વાવાઝોડાના કારણે ઘરની છત ઉડી ગઈ. આસપાસમાં વૃક્ષો ધરાશાયી થયા હતા, જેથી તેનો પરિવાર ઝોંપડીમાં રહેવા મજબૂર થયો હતો.

મુત્થુકુમાર સપ્ટેમ્બરમાં પોતાના એક સ્કૂલ ટીચરના ઘરે ગયા જ્યાં તેની મુલાકાત મિત્ર નાગેન્દ્રન સાથે થઈ. 30 વર્ષ બાદ મિત્રને મળી મુત્થુ ઘણો ખુશ હતો. તેણે નાગેન્દ્રનને પોતાના ઘરે આવવા આમંત્રણ આપ્યું. જ્યારે નાગેન્દ્રન મિત્રના ઘરે પહોંચ્યો ત્યારે તેના ઘરની સ્થિતિ જોઈ દુઃખી થયો હતો. નાગેન્દ્રને મુત્થુકુમારની મદદ કરવાનો નિર્ણય લીધો અને સ્કૂલના મિત્રોના વ્હોટ્સએપ ગ્રૂપ થકી ફંડ ભેગું કર્યું હતું. અમુક જ દિવસમાં 1.5 લાખ જેટલું ફંડ આવતા એક એન્જિનિયરની મદદથી મુત્થુના ઘરનું કામ પૂર્ણ કરાવ્યું.

જે પછી દિવાળીએ નાગેન્દ્રન અને તમામ મિત્રોએ મુત્થુ અને તેના પરિવારને નવું બનાવેલું ઘર ભેટમાં આપ્યું હતું. મિત્રની મદદ કરવા બદલ નાગેન્દ્રને કહ્યું કે, ભલે અમે સંપર્કમાં નહોતા પરંતુ સ્કૂલના સમયે અમે હંમેશા ખાસ મિત્ર હતા. આપણે હંમેશા પોતાના મિત્રોની મદદ કરવી જોઈએ.

You cannot copy content of this page