Only Gujarat

National

મુંબઈમાં કમલા ઇમારતમાં 19માં માળે લાગી ભીષણ આગ, લોકોએ કરી મુકી બૂમાબૂમ

કમલા ઈમારત આગ દુર્ઘટનામાં બે ગુજરાતી પરિવારમાં કરૂણાંતિકા સર્જાઈ હતી. ઈમારતમાં 19મા માળે રહેતા મિસ્ત્રી પરિવાર 3 અને કંથારિયા પરિવારના 2 જણના મૃત્યુ થયા હતા. પોતાના પરિવારજનોના કમોતથી બંને કુટુંબમાં માતમ છવાયો હતો.

કમલા ઈમારતમાં દરેક માળા પર 4 રૂમ છે, જેમાં આગ લાગી હતી એ 19મા માળ પર રહેતા પરિવારજનો મોતના મુખમાં ધકેલાયા હતા. એક જ પરિવારના માતા, દીકરો અને દીકરીનાં મોત વિશે તેમના નજીકના પરિવારજન હીનાબેન મિસ્ત્રીએ મીડિયાને કહ્યું હતું કે, અમારા આન્ટી મીના મિસ્ત્રી, તેમનો પુત્ર હિતેશ મિસ્ત્રી અને દીકરી મોસમી મિસ્ત્રીનાં મોત થયાં છે. મોસમી મિસ્ત્રીનો હજુ ગઈકાલે જ જન્મદિવસ ઊજવવામાં આવ્યો હતો. તે બાળકોને ટ્યુશન આપતી હતી. મારા ચોથા ધોરણમાં ભણતા પુત્રને અઠવાડિયામાં ત્રણ વાર ટ્યુશન આપતી હતી, એમ ટ્યુશન લેનારના પિતા રાજ શર્માએ જણાવ્યું હતું.

આ ઇમારતમાં 19મા માળે રહેતા શ્રી માહ્યાવંશી સમાજનાં 75 વર્ષીય મંજુલાબેન નગીનદાસ કંથારિયાનું પણ આગમાં મૃત્યુ થયું હતું અને તેમના પુત્ર કિરીટ (45)નું મોત થયું હતું. મંજુલાબેનના મલાડમાં રહેતા પુત્ર યોગેશે કહ્યું કે મારા માતા અલ્ટામાઉન્ટ રોડ પર ચાલીમાં રહેતાં હતાં.

જોકે ત્યાં કોમન ટોઈલેટ હોવાથી અને માતાને પગમાં તકલીફ હોવાથી ચાર વર્ષ પૂર્વે જ 19મા માળ પર રહેવા માટે આવ્યાં હતાં, જ્યાં તેઓ કિરીટ જોડે રહેતા હતાં. અમારો અન્ય એક ભાઈ વૈભવ અલ્ટામાઉન્ટ રોડ પર રહે છે. કંથારિયાની એક દીકરીએ જણાવ્યું કે ઘટના બની ત્યારે મારાં મામા કિરીટભાઈ અને બા ઘરે એકલાં હતાં.

મારાં મેરેજ થઇ ગયા હોવાથી અમે બાજુમાં રહીએ છીએ, પરંતુ શનિવારે સવારે અમારા અન્ય એક પરિવારજનનું ગુજરાતના બિલીમોરામાં અવસાન થયું હોવાથી વહેલી સવારે અમે બિલીમોરા જવા નીકળ્યાં હતાં. અમે અડધે રસ્તે પહોંચ્યા ત્યાં આગની જાણ થતાં પાછાં આવી ગયાં હતાં.

You cannot copy content of this page