Only Gujarat

FEATURED Gujarat

ગુજરાતના આ ખેડૂતે એવી ખેતી કરી કે આટલા વર્ષો બાદ થઈ જશે માલામાલ, જાણો કેવી રીતે?

સુરત: ગુજરાતમાં ઘણાં એવા ખેડૂતો છે જે નવા પ્રકારની ખેતી કરી રહ્યા છે અને દર વર્ષે લાખો રૂપિયાની કમાણી કરે છે એમાં પણ દક્ષિણ ગુજરાતના ખેડૂતો નવી-નવી ખેતી કરીને સમૃદ્ધ ખેડૂતોમાં નામ ધરાવે છે. ત્યારે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના એક ખેડૂતે એક દિવસ એવી ખેતી કરવાનો વિચાર આવ્યો કે વર્ષો બાદ કરોડપતિ થઈ જવાય તો આવો જાણીએ કે આ ખેડૂતે એવી તો કેવી ખેતી કરી.

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના એક ખેડૂત વલ્લભ પટેલે વન વિભાગ સાથે જોડાયેલા પોતાના એક મિત્રની સલાહ માનીને માંગરોળના ધામ રોડ ખાતે આવેલી 35 એકર જમીનમાં લાલ ચંદનની ખેતી કરી છે. મહત્વની વાત એ છે કે, લાલ ચંદનનો પાક લગભગ 25 વર્ષે પૂર્ણ થાય છે ત્યારે વલ્લભ પટેલને ચંદનની ખેતી કર્યાંને હાલ 13 વર્ષ થઈ ચૂક્યા છે.

આમ તો લાલ ચંદનની ખેતી મોટા ભાગે આંધ્ર પ્રદેશમાં થાય છે. જ્યાં આબોહવા લાલ ચંદન માટે અનૂકુળ હોય છે ત્યાં ચંદનની ખેતી થતી હોય છે, પરંતુ વલ્લભ પટેલે સુરત જીલ્લામાં ચંદનની ખેતી કરીને દક્ષિણ ગુજરાતના અન્ય ખેડૂતો માટે એક અનોખું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આયુર્વેદિક ઉપચાર અને દવાઓ બનાવવા માટે લાલ ચંદનના વૃક્ષનું લાકડું ખૂબ જ ઉપયોગી સાબિત થતું હોય છે. આ સાથે સાથે લાલ ચંદનનો ઉપયોગ અગરબત્તી બનાવવામાં પણ થતો હોય છે.

ચાઈના સહીતના અનેક દેશોમાં લાલ ચંદનની ખૂબ જ માંગ હોય છે. લાલ ચંદનનું લાકડું પ્રતિ કિલોએ 15 હજાર રૂપિયાના ભાવે મળતું હોય છે ત્યારે આ લાકડું ખૂબ જ મોંઘુ હોવાના કારણે તેની તસ્કરી પણ ખૂબ થતી હોય છે.

મહત્વની વાત એ છે કે, 25 વર્ષે લાલ ચંદનનો પાક પૂર્ણ થાય ત્યારે એક વૃક્ષમાંથી આશરે 170થી 200 કિલો લાકડું થતું હોય છે. લાલ ચંદન અત્યંત કિંમતી હોવાના કારણે તેની સુરક્ષા પણ એટલી વધારે કરવામાં આવતી હોય છે. વલ્લભ પટેલે પોતાની ઉજ્જડ અને વેરાન જમીનમાં લાલ ચંદનની ખેતીને વાતાવરણ અનુકુળ આવે છે કે નહી તે જોવા માટે માત્ર 5 રોપાનું વાવેતર કર્યું હતું. 3 વર્ષની મહેનત બાદ તેઓને આ સફળતા મળી હતી.

હાલ 35 એકર જમીનમાં ચંદનની ખેતીએ જંગલનું સ્વરૂપ ધારણ કર્યું છે. લાલ ચંદન કિંમતી હોવાના કારણે સુરક્ષા પણ એટલી જરૂરી છે ત્યારે ખેડૂતે ખેતરની ચારે તરફથી ફન્સીંગ કરી 24 કલાક સિક્યુરિટી ગાર્ડ તૈનાત કર્યાં છે. 25 વર્ષ બાદ એક વૃક્ષ લગભગ 7 લાખ રૂપિયાનું આસપાસ થશે એટલે કે, 15 હજાર વૃક્ષની કિંમત લાખોમાં નહીં પરંતુ કરોડો રૂપિયાની કમાણી થશે. ત્યારે લાલ ચંદન જેવી લાભદાયક ખેતી તરફ અન્ય ખેડૂતો પણ વળે તેવી વલ્લભ પટેલે અપીલ કરી હતી.

You cannot copy content of this page