Only Gujarat

Gujarat

સંબંધીઓએ ધક્કો માર્યો પણ વામન ભાઈ-બહેને એકબીજાનો સાથ ન છોડ્યો

આજે રક્ષાબંધન છે. ભાઈ-બહેનના પ્રેમના આ તહેવાર પર એક એવો કિસ્સો સામે આવ્યો છે, જે તમને વિચારતા કરી મૂકે એવો છે. વામન કદના નોંધારા ભાઈ-બહેનને અલગ ન થવું પડે એટલે તેમણે સંબંધીને ત્યાં રહેવાની ના પાડી દીધી હતી. એટલું જ નહીં પોતાના લગ્ન પછી બહેનનો શું થશે એ વિચારે ભાઈએ લગ્ન પણ નથી કર્યા.

વાત થઈ રહે છે હરેશભાઇ અને ચંપાબેન દલસાણિયાની . મૂળ જૂનાગઢ પંથકના વતની હરેશભાઇના પિતાનું અવસાન નાનપણમાં જ થઇ ગયું હતું. માતાના અવસાન બાદ તેના પરિવારમાં માત્ર બે ભાઈ અને એક બહેન હતા. જો ભાઈ બહેન પોતાના મામા- ફૈબા સાથે રહેવા જાય તો તેને અલગ થવું પડે તેમ હતું.

આથી, હરેશભાઈએ પોતાના સ્વજન સાથે રહેવા જવાની ના પાડી દીધી અને જૂનાગઢ પંથક છોડીને રાજકોટ આવી ગયા. એટલું જ નહિ જો તે લગ્ન કરી લેશે તો તેના બહેન એકલા પડી જશે ? આવું ન થાય તે માટે હરેશભાઈએ લગ્ન ન કર્યા. અને આજીવન બહેનના રક્ષણ માટે કુંવારા જ રહેવાનું પસંદ કર્યું. તેમ બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ ઉપાધ્યાય જણાવે છે.

 

હરેશભાઈ અને ચંપાબેન દલસાણિયા જણાવે છે કે, તેમના માતા – પિતા ખેતીમાં મજૂરીકામ કરતા હતા અને વાડીમાં રહેતા હતા.તેઓને એક મોટાભાઇ છે. પિતાના અવસાન બાદ તેમના માતાએ તેમને એકલા હાથે ઉછેર્યા છે. મારા માતાનું અવસાન થઇ જતા જાણે અમારું સર્વસ્વ લૂંટાઇ ગયું હતું. મોટાભાઇએ તેમની સારસંભાળ રાખી નહિ. બહેનને કોઇ તકલીફ ન પડે તે માટે તેથી તે તેમને લઇને રાજકોટ આવી ગયા. અહીં તેમને કોઇ ઓળખતું હતું નહિ. તેથી ઉપર આભ અને નીચે ધરતી જેવી પરિસ્થિતિ હતી. સતત મનમાં એક જ ભય હતો કે, તેને કોઇ સર્કસવાળા ઉપાડી જશે. નાનપણથી જ સાથે રહ્યા છે અને આજીવન સાથે રહીને બન્ને એકબીજાને હિંમત અને ટેકો આપીશું.

હરેશભાઈને વેલ્ડિંગ અને પેઈન્ટિંગ આવડે છે. તે મંદિર અને ટ્રસ્ટમાં પીરસવાની અને વહીવટી કામગીરી સંભાળે છે.જ્યારે ચંપાબેન રસોડાંનું સંચાલન એકલા હાથે કરી શકવાની ક્ષમતા ધરાવે છે સામાન્ય રીતે ભાઈ -બહેન વચ્ચે નાની-નાની બાબતમાં ઝઘડો થતો હોય છે, પરંતુ હરેશભાઈ અને ચંપાબહેન વચ્ચે અતૂટ પ્રેમ છે. આજદિન સુધી તેની વચ્ચે ક્યારેય ઝઘડો નથી થયો. તેમની કામગીરીથી તેને સૌ કોઇના દિલ જીતી લીધા છે.

You cannot copy content of this page