Only Gujarat

Gujarat

નવસારી પાસે સર્જાયા ફિલ્મી દ્રશ્યો, એક પછી એક પાંચ કાર એકબીજા પાછળ ધડાકાભેર અથડાઈ

બોલિવુડના ફિલ્મ દિગ્દર્શક રોહિત શેટ્ટીની ફિલ્મો કારના સ્ટંટ વગર અધૂરી છે. કારની ટક્કરના આવા જ ફિલ્મી દ્રશ્યો જોવા મળ્યા નવસારીમાંથી પસાર થતાં નેશનલ હાઈવે નંબર 48 પર. જ્યાં અંબિકા નદી પર આવેલા બ્રિજ પર મુંબઈથી અમદાવાદ જતાં માર્ગ પર એક કારનું ટાયર ફાટી ગયું. તેના કારણે એક બાદ એક એમ પાંચ કાર એવી અથડાઈ કે લાંબો ટ્રાફિક જામ થઈ ગયો. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

આ અંગેની વિગત એવી છે કે, રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પર નવસારીના મટવાડ પાસે અંબિકા નદી પર આવેલા બ્રિજ પર મુંબઈથી અમદાવાદ તરફ જતાં માર્ગ પર એક સેન્ટ્રો ગાડીનું ટાયર ફાટી ગયું હતું. જે બાદમાં કારની પાછળ પૂર ઝડપે આવી રહેલી એક બાદ એક પાંચ કારની ટક્કર થઈ હતી. એક પછી એક એમ પાંચ કાર એકબીજાની પાછળ ધડાકાભેર અથડાઈ હતી. જેને લઈને આ વાહનોમાં સવાર લોકો નાની-મોટી ઈજાનો ભોગ બન્યા હતા.

થોડા સમય માટે તો આ વાહનચાલકોને ખ્યાલ જ ન આવ્યો કે અકસ્માત કેવી રીતે થઈ ગયો. તેઓ બ્રેક મારી અકસ્માતને ટાળવાનો પ્રયાસ કરે તે પહેલા જ તેમના વાહનો આગળના વાહનોને અથડાઈ ગયા. બનાવ બાદ અહીં ટ્રાફિક જામ થઈ ગયો હતો. બનાવની જાણ થયા બાદ સ્થાનિક પોલીસ અને હાઇવે ઓથોરિટીના અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

નેશનલ હાઇવે પર એક પછી એક આ રીતે પાંચ કારો અથડાતા લોકોમાં એક પ્રકારની કુતુહલતા સર્જાતા લોકોની અકસ્માત જોવા લાંબી કતારમાં સામેલ થઈ ગયા હતા. કેટલાક લોકો આ બનાવને પોતાના મોબાઇલમાં પણ કેદ કરી રહ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે દેશમાં રોડ અકસ્માતમાં હજારો લોકો પોતાનો જીવ ગુમાવે છે. પરંતુ આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાની નથી થઈ.

મહત્વનું છે કે ગુજરાત રાજ્યમાં બેદરકારીથી વાહન ચલાવવાને કારણે 2019ના વર્ષમાં 6,711 અકસ્માતના બનાવો બન્યા છે. જેમાં 7,988 લોકોનાં મૃત્યુ થયા છે. જ્યારે હિટ એન્ડ રનની 966 ઘટનામાં 1129 લોકોનાં મોતને ભેટ્યા છે. તો અન્ય અકસ્માતોમાં 6859નાં મોત થયાં હતાં.

ક્રાઈમ ઈન ઈન્ડિયા-2019નાં નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યૂરો (NCRB) નાં તાજા રિપોર્ટમાં આ અંગેની માહિતી સામે આવી છે. NCRBનાં રિપોર્ટ મુજબ અમદાવાદમાં વર્ષ 2019માં 421 માર્ગ અકસ્માતની ઘટનામાં 442 લોકોએ પોતાના જીવ ગુમાવ્યાં છે.

સુરત શહેરની વાત કરીએ તો વર્ષ 2019માં 290 અકસ્માતની ઘટનામાં 301 લોકોએ મોતને શરણ થયા છે. અમદાવાદ શહેર અને સુરત ગ્રામ્યમાં અકસ્માતથી સૌથી વધુ મોત થયાં છે.

You cannot copy content of this page