Only Gujarat

Gujarat

પેટનો ખાડો પુરવા મજૂરી કરતાં નિર્દોષ લોકો મિનિટોમાં બળીને થઈ ગયા ખાખ

અમદાવાદ કોર્પોરેશનના પાપે અમદાવાદ હવે આગની દુર્ઘટનાઓ માટેનું એપી સેન્ટર બની ગયું છે. આવી જ એક વધુ દુર્ઘટના બની અમદાવાદના શહેરના પીરાણા-પીપળજ રોડ પર. જ્યાં એક કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો. જેના કારણે બાજુમાં આવેલી કાપડના ગોડાઉનની છત ધરાશાયી થવાથી 7 પુરૂષ અને 5 મહિલા મળીને કુલ 12 લોકોના મૃત્યું થયા.

આ ઘટના બપોરે 12 વાગ્યે બની અને PM મોદીએ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતું ટ્વીટ કર્યું. આ પછી રૂપાણી સરકાર અને પછી મેયર બિજલ પટેલ હરકતમાં આવ્યા. મેયર સાંજે 6 વાગ્યે એલ.જી.હોસ્પિટલમાં પહોંચ્યા. પણ ત્યાં પહોંચીને તેમણે જે અસંવેદનશીલ નિવેદન કર્યું તેનાથી પીડિતો પરિવારોને આઘાત લાગ્યો. મેયરે આ દુઃખદ અને ભયાનક ઘટનાને સામાન્ય ગણાવી દીધી. તેમના આ નિવેદનની લોકોએ ભારે ટીકા કરી.

અમદાવાદ શહેરના પીરાણા-પીપળજ રોડ પર આવેલી સાહિલ એન્ટરપ્રાઈઝ નામની ગેરકાયદે કેમિકલ ફેક્ટરીમાં બપોરે બ્લાસ્ટ થતાં આગ ફાટી નીકળી હતી. એટલું જ નહીં, બાજુમાં આવેલા કાપડના ગોડાઉનની છત ધરાશાયી થઇ જતાં સાત પુરુષ અને પાંચ મહિલાઓ મળીને 12 લોકોનું મૃત્યું થયું. જ્યારે સાતથી વધુ લોકોને ઇજા પહોંચી. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની 24 વાહનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી. બાદમાં ઈજાગ્રસ્તો એલ.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. જ્યારે 14 લોકોને સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. ગોડાઉન બટાભાઈ ભરવાડનું હોવાનું સામે આવ્યું છે, જે તેમણે ભાડે આપ્યું હતું. પોલીસે કેમિકલના ગોડાઉનના માલિકની પૂછપરછ પણ કરી છે.

જો કે આ દુર્ઘટના અંગે સ્થાનિક પ્રશાસન ઉંઘતું ઝડપાયું છે. ઘટનાને લઈને પ્રધાન મંત્રી મોદી અને રાષ્ટ્રપતિએ ટ્વીટ કર્યું. મોદીએ ટ્વીટમાં લખ્યું કે, અમદાવાદ ખાતે ગોડાઉનમાં થયેલ આગની ઘટનાથી જાનહાનીના સમાચારથી વ્યથિત છું. મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ તથા ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના. સરકારીતંત્ર તથા અધિકારીઓ અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યા છે.

પીએમ મોદીના ટ્વિટ બાદ મુખ્ય મંત્રી રૂપાણી સહિતનું સરકારી તંત્ર દોડતું થયું હતું. મુખ્યમંત્રીએ મૃતકોના પરિજનોને રૂપિયા ચાર લાખની સહાય આપવાની જાહેરાત કરી હતી. જ્યારે આગની દુર્ઘટનાની તપાસ માટે તાત્કાલિક બે ઉચ્ચ અધિકારીઓ એવા શ્રમ રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા અને જી.પી.સી.બી.ના ચેરમેન સંજીવકુમારને આગ દુર્ઘટનાની તપાસ સોંપી છે. બીજી તરફ વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા મેયર બિજલ પટેલ પણ મોડા મોડા જાગ્યા હતા. પીએમના ટ્વિટ બાદ તેઓ એક્શનમાં આવ્યા હતા.

આ પહેલા નવના મોત થઈ ગયા હોવા છતાં મેયર એલ.જી. હોસ્પિટલમાં કે ઘટના સ્થળે ફરક્યાં પણ નહોતા. જો કે મોડે મોડે તેઓ એલ.જી હોસ્પિટલ પહોંચીને ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોની મુલાકાત લીધી હતી. મુલાકાત બાદ મેયરે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જે ઘટના બની છે તે સામાન્ય છે. બિજલ પટેલ મેયર તરીકે અમદાવાદ શહેરના પ્રથમ નાગરીક કહેવાય છે. આ ગંભીર ઘટના જેમાં 12 લોકોનાં મોત થયાં છે. તેને સામાન્ય ઘટના ગણાવી હતી. જેની લોકોએ ખૂબ ટીકા કરી છે અને મેયરે મૃતકોના પરિવારજનોની માફી માગવી જોઈએ તેવી માગ કરી છે. જો કે સવાલ એ છે કે ગદેરકાયદે ફેક્ટરી ચલાવવા દેતા મનપાના ભ્રષ્ટ અધિકારીઓ સામે તપાસ થશે ખરી.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2017-2018માં રાજ્યમાં 7330 જેટલા આગના બનાવ બન્યા હતા, જેમાં સૌથી વધુ આગ બનાવો અમદાવાદ શહેરમાં નોંધાયા હતા. અમદાવાદ શહેરમાં 2017-18ના વર્ષ દરમિયાન બનેલી આગની ઘટનામાં પ્રજાને 69.20 કરોડનું નુકસાન થયું હતું અને 35 લોકો જીવતા ભુંજાયા હતા. જોકે ફાયરબ્રિગ્રેડે 96 લોકોને રેસ્કયૂ કરીને 83.77 કરોડની માલ-મિલકત બચાવી હતી.

 

You cannot copy content of this page