Only Gujarat

Gujarat

કેન્સરની દવા માટે ઉપયોગી કીડીખાઉંની તસ્કરીનો પર્દાફાશ, બે મૃત કીડીખાઉં સાથે એક ઝડપાયો, બે ફરાર

કેન્સર, સોરાઈસીસ અને દમ જેવા રોગોની બીમારીની દવા માટે ઉપયોગી કીડીખાઉંની તસ્કરીનો પર્દાફાશ અરવલ્લીના વન વિભાગે કર્યો છે અને આ મામલે એક શખ્સની ધરપકડ કરી છે. કીડીખાઉંના ભીંગડામાંથી દવા બનાવવામાં આવે છે અને ચામડાના બૂટ તેમજ અન્ય ફેશનની ચીજોનું નિર્માણ કરવામાં આવે છે. કીડીખાઉના શરીરના અંગોનો ઉપયોગ કામોત્તેજના વધારવાની દવામાં પણ થતો હોવાની ચર્ચા છે.

દવા બનાવતી મોટી કંપનીઓ ઉપરાંત ચીન અને વિયેતનામની ફોર્માસ્યૂટીકલ કંપનીઓમાં આ પ્રાણીની ખૂબ માગ હોય છે અને તેથી કીડીખાઉંની તસ્કરીની એક મોટી જાળ દેશભરમાં પથરાયેલી છે. આવી જ એક ગેંગ શામળાજી પાસેથી પકડાઈ છે. અરવલ્લીના વન વિભાગે રતનપુર ચેકપોસ્ટ પાસેથી સેંટ્રો કારમાંથી બે મૃત કીડીખાઉં સાથે એક શખ્સને ઝડપી લીધો છે. જ્યારે બે શખ્સો વન વિભાગને થાપ આપી ફરાર થઈ ગયા છે.

કીડીખાઉંની તસ્કરીમાં આંતરરાજ્ય રેકેટ ચાલતું હોવાની શક્યતાને આધારે વન વિભાગે કીડીખાઉંને ખરીદનારાઓને ઝડપી લેવા કવાયત તેજ કરી છે. એક કારમાં ત્રણ શખ્સો કીડીખાઉં લઈને ગુજરાતમાં ઘુસતા હોવાની શામળાજી વન વિભાગને માહિતી મળી હતી. વન વિભાગે ઉત્તરાખંડ તરફથી રાજ્યમાં આવી રહેલી કારને ગુજરાત-રાજસ્થાનની સરહદ પર અટકાવી તપાસ કરી હતી. કારમાં જોયું તો અધિકારીઓ ચોંકી ઉઠ્યા. કારણ કે તેમાં બે-બે મૃત કીડીખાઉંને સંતાડીને રાખવામાં આવ્યા હતા. આમ પણ કીડીખાઉં પ્રાણી ખૂબ ઓછા બચ્યા છે.

આ ઉપરાંત તે દવા માટે ઉપયોગી હોવાથી તેનો શિકાર કરી ઊંચી કિંમતે વેચી દેવાનું દેશવ્યાપી કૌભાંડ ચાલે છે. તેવામાં આ શખ્સો કીડીખાઉ વેચવા માટે રાજ્યમાં આવી રહેલા હોવાની બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યા હતા. એક માન્યતા મુજબ કીડીખાઉના શરીરના અંગોનો ઉપયોગ કામોત્તેજના વધારવાની દવામાં તેમજ ફેશનની ચીજોની બનાવટમાં થાય છે, ત્યારે આ શખ્સો કોને અને કયા કારણોસર કીડીખાઉ આપવા નીકળ્યા હતા તે તપાસના અંતે જાણી શકાશે.

જો વાત કરીએ તેની વિશેષતાની તો આ પ્રાણીના આખા શરીર ઉપર સખત ભીંગડાનું કવચ ધરાવે છે. ભારતીય કીડીખાઉ સમગ્ર ગુજરાત રાજ્યમાં જોવા મળે છે. જોકે તે નિશાચલ પ્રાણી હોવાથી તે બહુ ઓછા જોવા મળે છે. તેના આખા શરીર ઉપર સખત ભીંગડા હોય છે જે તેના માટે રક્ષણાત્મક કવચનું કાર્ય કરે છે.

કીડીખાઉંનો મુખ્ય આહાર તેના નામ પ્રમાણે કીડી અને ઉધઇ હોય છે. તેની લાંબી જીભ પર ચીકણો સ્ત્રાવ હોય છે. તેની મદદથી તે ઉધઈ તેમજ કીડીઓને તેના રાફડા અને દરમાંથી ખેંચી કાઢે છે. તેના આગલા પંજાના લાંબા નહોરની મદદથી તે દર અને બખોલને ઝડપથી ખોદી કાઢે છે અને તે દરમાં જ દિવસભર આરામ કરે છે અને 16 થી 18 કલાક ઊંઘે છે. એક પુખ્ત કીડીખાઉં એક વર્ષમાં 70 મિલિયન જીવાણું ઝાપટી જાય છે.

 

You cannot copy content of this page