Only Gujarat

FEATURED National

લોકડાઉનમાં આ રાજ્યમાં ગ્રેજ્યુએટ અને MA પાસ યુવકો પણ કરી રહ્યા છે મજૂરી કામ

જયપુર: કોરોના વાઈરસને કારણે બીમારી ઉપરાંત બેરોજગારી પણ મોટી સમસ્યા બની રહી છે. શહેરોમાં રોજગાર ના મળવા પર લોકો મનરેગા હેઠળ કામ માગી રહ્યાં છે. એવું પ્રથમવાર બન્યું કે, રાજસ્થાનમાં મોટી સંખ્યામાં M.A., B.A.અને B.Ed કરનારા લોકો પણ મનરેગા હેઠળ રજીસ્ટ્રેશન કરાવી રહ્યાં છે અને આકરા તડકામાં અન્ય મજૂરોની જેમ ખોદકામ કરી રહ્યાં છે. રાજસ્થાન સરકારે જણાવ્યું કે, કોરોના સંકટમાં મનરેગા હેઠળ રોજગાર આપવા મામલે તમામ રેકોર્ડ તૂટ્યા. અત્યાર સુધી 40 લાખ લોકોએ મનરેગા હેઠળ કામ માંગ્યું છે.

જયપુરથી 50 કિ.મી. દૂર હસલપુર ગામમાં મનરેગા મજૂર સીતા વર્મા પણ ખોદકામમાં લાગેલી છે, 30 વર્ષીય સીતા વર્માએ જણાવ્યું કે- ‘તેના પતિ સિમેન્ટ ફેક્ટ્રીમાં કામ કરતા હતા જ્યાં કામ બંધ છે. ઘરમાં 2 બાળકો છે, તેથી મનરેગામાં મજૂર તરીકે ખોદકામ કરી રહી છે. ગ્રેજ્યુએશન સમયે વિચાર્યું પણ નહોતું કે ક્યારેય આવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે. હાલ બાળકો ઘરે છે અને પતિનું કામ બંધ છે. એવામાં મારે જ ઘરની બહાર નીકળવું પડ્યું. ગામમાં મનરેગાનું કામ ચાલતું પણ ક્યારેય વિચાર્યું નહોતું મારે પણ તેમાં સામેલ થવાના દિવસો આવશે. અભ્યાસ બાદ મજૂરોની જેમ કામ કરવું મુશ્કેલ છે, પરંતુ આ કામ કરવું તો પડશે.’

આ જ રીતે સુમને પણ ગ્રેજ્યુએશન કર્યું છે. પતિ બહાર કામ માટે ગયા છે પરંતુ હાલ કામ બંધ છે. તેથી ઘર ચલાવવાની જવાબદારી સ્વીકારી પોતે મજૂર તરીકે ખોદકામ કરવામાં લાગી ગઈ. 44 ડિગ્રી તાપમાનમાં ખોદકામ કરતી સુમને કહ્યું કે.‘લૉકડાઉનના કારણે પરિવારની સ્થિતિ બગડી રહી છે. ઘર ચલાવવા પૈસા જોઈએ તેથી પ્રથમવાર મનરેગામાં ગામની મહિલાઓ સાથે કામ કરવા આવી છું.’

જ્યારે મનરેગામાં હેઠળ કામ કરતા રામ અવતાર રાવ તો માર્ચ અગાઉ સુધી પ્રાઈવેટ સ્કૂલમાં શિક્ષક હતા. M.A. અને B.Ed કર્યા બાદ બાળકોને ભણાવતા હતા. પરંતુ લૉકડાઉન દરમિયાન ડાયમંડ સ્કૂલથી નોકરી ગુમાવી અને 2 મહિનાનો પગાર પણ ના મળ્યો તો પોતાનું નામ મનરેગામાં નોંધાવ્યું. 5 લોકોનો પરિવાર છે ત્યાં 15000નો પગાર પણ અહીં રોજના 236 રૂપિયા મળી જાય છે. આ સ્થિતિ માત્ર એક ગામની નહીં પરંતુ સંપૂર્ણ રાજસ્થાનની છે.

જ્યારથી મનરેગા આવ્યું છે ત્યારથી આવી સ્થિતિ નથી બની કે રાજ્યના 40 લાખ લોકો તેમાં કામ માગે. જે લોકો શહેરથી ગામમાં પરત આવ્યા છે તેઓ મનરેગા હેઠળ કામ માગી રહ્યાં છે. રાજસ્થાનના ડેપ્યૂટી સીએમ સચિન પાયલટે કહ્યું કે-‘શહેરોમાં જે લોકો આવી રહ્યાં છે તે તમામને મનરેગા હેઠળ અમે રોજગાર આપીશું. રાજસ્થાન મનરેગામાં દેશમાં નંબર-1 બની ગયું છે.’

નિયમ હેઠળ, સરકાર મનરેગા હેઠળ 100 દિવસ કામની ગેરન્ટી આપે છે પરંતુ જે ગામમાં 150 લોકો કામ કરતા હતા પરંતુ ગામમાં 600 લોકો કામ માગી રહ્યાં છે. એવામાં કામના દિવસ ઘટાવવાની મજબૂરી પણ છે. જોકે કેન્દ્ર સરકારે 40 હજાર કરોડ રૂપિયાનું બજેટ એકલા મનરેગા માટે આપ્યા છે. પરંતુ રાજસ્થાન સરકારે કેન્દ્રને પત્ર લખી મનરેગા હેઠળ કામના દિવસોને 100 દિવસથી વઘારી 200 દિવસ કરવાની અપીલ કરી છે.

You cannot copy content of this page