Only Gujarat

National

બહાદુર મહિલા IAS ઓફિસરે ધારાસભ્યના ડ્રાઈવરની કારનું કાપ્યું ચલણ, પિતાએ કહ્યું, ‘મારી દીકરી નીડર અધિકારી છે’

જયપુર: 2016માં સિવિસ સર્વિસિઝની પરીક્ષામાં દેશભરમાં 12મો રેન્ક મેળવી ચર્ચામાં આવેલી IAS તેજસ્વી રાણા ફરીએકવાર ચર્ચામાં આવી છે. પોતાની તેજ છબી માટે જાણીતી તેજસ્વી આ વખતે પોતાના ટ્રાન્સફરને લઇએ ચર્ચામાં આવી છે. આ ટ્રાન્સફર પાછળ કોંગ્રેસ ધારાસભ્ય રાજેન્દ્ર સિંહ બિધૂડીની ગાડીને દંડ ફટકારવાનું કારણ જવાબદાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બિધૂડીના ડ્રાઇવર પર ડ્રાઇવિંગ લાયસન્સ ન હોવા પર આ IASએ દંડ ફટકાર્યો હતો. બીજા જ દિવસે તેજસ્વીનું ટ્રાન્સફરી કરી દેવામાં આવ્યું છે. તેજસ્વી ચિત્તોડગઢની ઉપ ખંડ મેજિસ્ટ્રેટ હતી. તેઓને હવે ચિત્તોડગઢથી બહાર રાજ્ય સ્વાસ્થ્ય આશ્વાસન પ્રાધિકરણમાં સંયુક્ત નિર્દેશકના પદ પર મોકલી દેવામાં આવી છે. જો કે ધારાસભ્યએ કહ્યું કે તેઓએ IASની કોઇ ફરિયાદ કરી ન હતી.

આ ઘટના 14 એપ્રિલની છે. બિધૂડી બેગુના ધારાસભ્ય છે. ધારાસભ્યએ સ્વીકાર્યું કે તેજસ્વીએ તેમની ગાડી રોકી ડ્રાઇવરને લાયસન્સ દેખાડવાનું કહ્યું હતું. એ સમયે ડ્રાઇવરની પાસે લાયસન્સ ન હતું. ત્યારબાદ IASએ તેમની ગાડીનું ચલણ કાપ્યું હતું. આ ચલણ ભરી દેવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન ડીસીપી પણ હાજર હતા.

જો કે બિધુડીએ સ્પષ્ટ કહ્યું કે તેઓએ અધિકારીની કોઇ ફરિયાદ કરી નથી. ટ્રાન્સફર થવું એક સામાન્ય સરકારી પ્રક્રિયા છે. ઘટના સમયે ધારાસભ્ય તેમના મત વિસ્તારમાં જઇ રહ્યાં હતા.

ઉલ્લેખનીય છે કે તેજસ્વી કોવિડ-19 વિરુદ્ધ ચાલી રહેલી લડાઇમાં ગ્રાઉન્ડ લેવલે સક્રિય હતી. ધારાસભ્યએ સ્વીકાર્યું કે આવા સેવાનિષ્ઠ અધિકારીઓના કારણે જ લોકડાઉનનું યોગ્ય રીતે પાલન થઇ રહ્યું છે.

તેજસ્વી મૂળ હરિયાણાના કુરુક્ષેત્રની રહેવાસી છે. તેઓએ 2015માં પ્રથમ વખત યુપીએસસીની પરીક્ષા આપી હતી. જો કે તેઓને સફળતા બીજા પ્રયાસમાં મળી હતી.

તેજસ્વીના પિતા કુલદીપ રાણા અને માતા ડોક્ટર સુનિતા બંને પ્રોફેસર છે. આ ટ્રાન્સફર પર પિતાએ કહ્યું કે તેમની દીકરીએ માત્ર પોતાની ફરજ નીભાવી છે. તે નિડર અધિકારી છે. તે પોતાનું કામ સંપૂર્ણ ઇમાનદારીથી કરે છે. તેજસ્વી રાણા પોતાની કાર્યશૈલીના કારણે અવારનવાર મીડિયામાં ચર્ચામાં આવતી રહે છે.

You cannot copy content of this page