Only Gujarat

Gujarat TOP STORIES

ગુજરાતના કોબ્રા કમાન્ડોની અંતિમયાત્રામાં આખે આખું ગામ હિબકે ચડ્યું, લોકોની આંખોમાં જોવા મળ્યાં આસું

ગીર સોમનાથના કોડીનારમાં રહેતા અને બિહાર રેજિમેન્ટ-5માં ફરજ બજાવતા CRPF કોબરા કમાન્ડો અજિતસિંહ પરમારનો પાર્થિવદેહ બુધવારે અમદાવાદ લાવવામાં આવ્યો હતો. તે સમયે અમદાવાદ કરણીસેનાએ જવાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. રવિવારે મધ્ય પ્રદેશના રતલામ નજીક રેલવે સ્ટેશન પરથી જવાનનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. અજિતસિંહ દિવાળીની રજા માણવા માટે દિલ્હી-વડોદરા રાજધાની ટ્રેનમાં પોતાના વતન કોડીનાર આવી રહ્યા હતા. તે સમયે મધ્ય પ્રદેશમાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. મહત્વની વાત એ છે કે આ જવાનના લગ્ન થોડા જ સમયમાં થવાના હતા.

વાત એમ છે કે, CRPF કોબરા કમાન્ડો તરીકે ફરજ બજાવતા અને કોડીનારમાં રહેતા અજિતસિંહ પરમાર 13 નવેમ્બરના રોજ ટ્રેનમાં વતન આવવા માટે રવાના થયા હતા. બાદમાં તેઓ ટ્રેનમાં જ ગુમ થયા હતા અને તેમનો સામાન વડોદરાને બદલે મુંબઈ રેલવે સ્ટેશન પરથી મળી આવ્યો હતો. જેથી 14 નવેમ્બરના રોજ પરિવારજનોએ ગુમ થયાની જાણ રેલવેમંત્રી પીયૂષ ગોયલને ટ્વીટ મારફતે કરી હતી.

બીજી તરફ 15 નવેમ્બરના રોજ સવારે રતલામ ડિવિઝન નજીક રેલવે-ટ્રેક પરથી તેનો મૃતદેહ મળ્યો હતો, આથી RPF દ્વારા પરિવારને માહિતી આપવામાં આવી હતી. મૃતદેહને ફોટોગ્રાફ્સ વ્હોટ્સએપથી પરિવારને મોકલવામાં આવ્યા હતા અને પરિવાર તરફથી તેમની ઓળખ આપવામાં આવી હતી. મધ્ય પ્રદેશ પોલીસે અજિતસિંહના પરિવારને જાણ કર્યા વગર જ 10 કલાકની અંદર જ મૃતદેહને દફનાવી દીધો હતો.

જે અંગે પરિવારે હોબાળો મચાવતા મામલો ઉચ્ચ કક્ષાએ પહોંચ્યાો હતો. આખરે ભારે વિવાદ બાદ મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો. આથી પરિવારજનોએ રતલામ પોલીસની શંકાસ્પદ ભૂમિકા અંગે સવાલ ઉઠાવ્યા હતા અને જવાબદારો સામે યોગ્ય કાર્યવાહીની માગ તેઓ કરી રહ્યા છે. બીજી તરફ કરણી સેનાએ પણ ચીમકી ઉચ્ચારી હતી કે જો તેમના સમાજના જવાનને ન્યાય નહીં મળે તો તેઓ ચૂપ નહીં બેસી રહે.

પોલીસનું માનીએ તો 12 નવેમ્બરના રોજ અજિતસિંહ બિહાર રેજિમેન્ટમાંથી રજા લઈને દિલ્હીમાં ખરીદી કરીને કોડીનાર આવી રહ્યા હતા. બાદમાં 13 નવેમ્બરે રાતે 11 વાગ્યે અજિતસિંહે તેમની મંગેતર હીનાબેન સાથે ફોનમાં વાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું તે કે તેમને ઊંઘ આવે છે અને સવારે 4 વાગ્યે વડોદરા પહોંચીને ફોન કરીશ.

પરંતુ સવારે કોઈ ફોન આવ્યો નહોતો, આથી હિનાબેને સવારે 8.54 વાગ્યે ફોન કર્યો તો કોઈ વાત થઈ થઇ શકી નહોતી. ત્યારબાદ મુંબઈ રેલવે સ્ટેશન પરથી અજિતસિંહનો સામાન મળ્યો પણ તેઓ સાથે નહોતા. બાદમાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહને બુધવારે અમદાવાદ લાવવામાં આવ્યો. આ સમયે કરણી સેનાના સભ્યોએ હાજર રહીને જવાનને શ્રદ્ધાંજલિ આપી હતી.

You cannot copy content of this page