Only Gujarat

Gujarat TOP STORIES

જામખંભાળિયામાં આભ ફાટ્યું, ફક્ત બે જ કલાકમાં 12 ઈંચ અને 8 કલાકમાં 17 ઈંચ વરસાદ ખાબકી ગયો

દેવભૂમિ દ્વારકા: છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. ભારે વરસાદને કારણે ઠંડક પ્રસરી ગઈ છે જ્યારે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. ગુજરાતમાં એમાં પણ સૌરાષ્ટ્રમાં હાલ વરસાદ મન મુકીને વરસી રહ્યો છે. ત્યારે આજે દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં અચાનક જ આભ ફાટ્યું હતું. જામખંભાળિયામાં ફક્ત 2 જ કલાકમાં 12 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જેના કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું હતું.

આજે જામખંભાળિયામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. આજે જામખંભાળિયામાં માત્ર 2 કલાકમાં 12 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જ્યારે 8 કલાકમાં ખંભાળિયામાં 17 ઈંચ વરસાદ ખાબક્યો છે જેને લઈને સમગ્ર જગ્યાએ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળતું હતું. આ ઉપરાંત દ્વારકામાં છેલ્લા 24 કલાકમાં 18 ઈંચ વરસાદ ખાબક્યો છે.

જામખંભાળિયામાં ભારે વરસાદને કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી જ્યારે વરસાદને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. જોકે મુશળધાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. જામખંભાળિયા તાલુકાના અનેક ગામડાંઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો જેના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતાં.

દ્વારકાના ખંભાળિયામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. ખંભાળિયામાં 2 કલાકમાં 12 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે કલ્યાણપુરમાં 3 ઈંચ, ભણવાડમાં 1.5 ઇંચ અને દ્વારકામાં 1 ઇંચ અને ભાટિયામાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે પવન સાથે વરસાદ વરસતા વાહન વ્યવહારને અસર પહોંચી છે. જામ ખંભાળિયાના નગરગેઇટ, રેલવે સ્ટેશન અને જોધપુરગેઇટમાં પાણી ભરાયા છે.

છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા પર એક નજર કરીએ તો, દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં 18 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે પોરબંદરના રાણાવાવમાં 6 ઈંચ, પોરબંદર શહેરમાં 5 ઈંચ, ગીર સોમનાથના સુત્રાપાડામાં 4 ઈંચ, નવસારીના ચીખલી-વલસાડના પારડી-દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 4-4 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કુતિયાણામાં 3.5 ઈંચ, ગણદેવીમાં 3.5 ઈંચ, જૂનાગઢના વિસાવદરમાં 3 ઈંચ અને અમરેલીના ખાંભામાં 3 ઈંચ વરસાદ નોંધાયો હતો.

સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળ્યો છે. સતત બે દિવસથી ધીમી ધારે વરસતા વરસાદે આજે રમઝટ બોલાવી હતી. ગીર-સોમનાથ, ઉના, જુનાગઢ, દીવ, મોરબી, દ્વારકા, રાજકોટમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત માધુપુર, સોમનાથ, દિવ જેવા દરિયાઈ પટ્ટીના વિસ્તારમાં પણ ઊંચા મોજા ઉછળ્યા હતાં.

ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો છે ત્યારે હવામાન વિભાગે હજુ પણ ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે.

જેને લઇને NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે તેવું જાણવા મળ્યું છે. 4 ટીમો સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં મોકલવામાં આવી છે.

બીજી તરફ ભારે પવન અને ખરાબ હવામાનને પગલે ઓખા બંદર અને પોરબંદરના બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.

દરિયામાં ભારે મોઝા ઉછળતાં 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. માછીમારોને દરિયો ન ખેડવા સુચના પણ આપવામાં આવી છે. વલસાડ જિલ્લાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે.

વરસાદની આ તમામ તસવીરો સોશિયલ મીડિયામાંથી લેવામાં આવેલ છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page