Only Gujarat

FEATURED Gujarat

વડોદરા હાઈવે પર ભયાનક અકસ્માતમાં 11 લોકોનાં મોત, જ્યાં જુઓ ત્યાં પડ્યાં હતા લાશોના ઢગલા

વડોદરાની વાઘોડિયા ચોકડી પર થયેલા ભીષણ અકસ્માતમાં 11 લોકોના મૃત્યુ થયા, જ્યારે 12 લોકો ઘાયલ થયા. મૃતકોમાં 5 મહિલા, 4 પુરુષ અને 2 બાળકોનો સમાવેશ થાય છે. તમામ લોકો મૂળ અમરેલી અને ભાવનગર જિલ્લાના હતા અને વર્ષોથી સુરતના વરાછા અને પુણા ગામમાં રહેતા હતા. આહીર પરિવારના 11 લોકોના મૃત્યુ થતાં જ પરિવારજનો અને પાડોશમાં શોકનું મોજું ફરી વળ્યું. જો કે મૃતકોમાં એક પરિવારના જ 5 સભ્યોના મોત થયા. જે પૈકી એક મૃતક યુવકની સગાઈ થઈ ગઈ હતી અને લગ્ન આ વર્ષે જ થવાના હતા.

બુધવારનો દિવસ રાજ્ય માટે ભારે ગોઝારો સાબિત થયો. જેમાં છ મોટા અકસ્માતમાં કુલ 17 લોકોનાં મોત થયા. જેમાં 11 લોકો તો વડોદરામાં સર્જાયેલા અકસ્માતમાં કાળનો કોળિયો બની ગયા. થયું એમ કે સુરતના પુણા ગામ વિસ્તારમાં આવેલી આશાનગર સોસાયટીમાં રહેતા જીંજાલા પરિવારના 9 જણા ડાકોર, વડતાલ અને પાવાગઢના પ્રવાસે નીકળ્યા હતા. પરિવાર મંગળવારે સવારે કામરેજ હનુમાન મંદિરે દર્શન કરવા ગયો હતો.

ત્યાર બાદ રાત્રે ડાકોર, વડતાલ અને પાવાગઢ જવાનું હોવાથી રસોઈ બનાવી લઈ તમામ તૈયારીઓ કરી લીધી હતી. તેમને ક્યાં ખબર હતી કે રસ્તામાં યમરાજા તેમની રાહ જોઈ રહ્યા છે. તેઓ પાવાગઢ પહોંચે એ પહેલાં જ અકસ્માત થયો હતો. વડોદરા પાસે નેશનલ હાઇવે પર આઈશર ટેમ્પો એક ટ્રેલરની પાછળ ઘૂસી ગયો હતો, જેમાં આ જીંજાલા પરિવારમાંથી સુરેશ, દયાબેન, આરતી સહિત પાંચનાં મૃત્યું થયાં છે, જ્યારે અન્ય 4 ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતમાં મોતને ભેટનાર સુરેશ જીંજાલાના આ વર્ષે જ લગ્ન થવાના હતા.

રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ અકસ્માત થતાં પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને આઇશર ટેમ્પોમાં ફસાયેલા લોકોને બહાર કાઢી સયાજી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પોલીસનું માનીએ તો અકસ્માતમાં ઘટનાસ્થળે 9 લોકોનાં મોત થયાં હતાં અને 2 લોકોનાં સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયાં હતાં. આમ અકસ્માતમાં કુલ 11 લોકોનાં મોત નીપજ્યાં હતાં. સવારે અકસ્માતના સમાચારની જાણ પરિવારના અન્ય સભ્યોને થતાં તેમના પર આભ તૂટી પડ્યા જેવી સ્થિતિ સર્જાઇ. જ્યારે આખી સોસાયટી શોકમાં ગરકાવ થઈ ગઈ.

એક જ પરિવારના 5 મૃતકોનાં નામ: દયા બટુકભાઈ જીંજાલા, ભૌતિક ખોડાભાઈ જીંજાલા, આરતી ખોડાભાઈ જીંજાલા, હંસા ખોડાભાઈ જીંજાલા અને સુરેશ જેઠાભાઈ જીંજાલા

ઉલ્લેખનીય છે કે બુધવાર ભારે ગોઝારો સાબિત થયો. વડોદરામાં થયેલા 11 મોત ઉપરાંત અન્ય અકસ્માતોની ઘટનામાં છ લોકો પણ મોતને ભેટ્યા. સુરેંદ્રનગર-લખતર હાઈવે પર કોઠારિયા નજીક એક કાર ઝાડ સાથે ટકરાતા ચાર લોકોના મૃત્યુ થયા. જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો. અકસ્માત એટલો ગંભીર હતો કે કારને કાપી મૃતદેહ બહાર કાઢવા પડ્યા. લખતરનો પરિવાર ભગુડા મોગલધાથી દર્શન કરી પરત ફરી રહ્યો હતો ત્યારે કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રોંગ સાઈડમાં એક ઝાડ સાથે ટકરાઈ હતી. મૃતકોમાં 3 મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે.

આણંદના કુંજરાવ માર્ગ પર પણ કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો. જેમાં બે લોકોના મોત થયા. કારમાં સવાર લોકો ભાલેજથી ત્રણોલ ગામ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં અકસ્માત નડ્યો. નવસારીના ચીખલી પાસે હાઈવે પર લકઝરી બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત થયો. જો કે સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. બસના ક્લીનર અને એક બાળકી મળી ત્રણ લોકોને સામાન્ય ઈજા પહોંચી. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. જ્યારે સુરતના ધૂળિયા હાઇવે પર બે લકઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો.

અકસ્માતમાં 20 જેટલા મુસાફરોને ઇજા પહોંચી. જેમને સારવાર માટે સુરત સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા. બંને લકઝરી બસ સામસામે અથડાતા અકસ્માત થયો. આ તરફ કચ્છમાં માતાના મઢ અને રવાપર વચ્ચે ST બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયો. જેમાં બે લોકોને સામાન્ય ઈજા પહોંચી. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. ST બસ માતાના મઢથી જામનગર જઈ રહી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો.

You cannot copy content of this page