Only Gujarat

FEATURED National

ભાઈ-બહેન છાપતા હતા નકલી નોટ પણ આ રીતે ખુલી ગઈ આખી પોલ

પૂણેઃ સોશિયલ મીડિયા પર વીડિયો જોઈને નકલી નોટ બનાવતા ભાઈ-બહેનની જોડીની પિંપરી પોલીસે ધરપકડ કરી હતી. તેમની પાસે 50, 100, 200, 500 અને 2000ની નકલી ચલણી નોટો મળી આવી હતી. આરોપીઓની ઓળખ સુનીતા રાય અને પ્રદીપ રાય તરીકે થઈ હતી.

ક્રાઈમ બ્રાન્ચ યુનિટ 1ના અધિકારી ઉત્તમ તાંગડેએ જણાવ્યું કે, તેઓ બંને અસલી નોટો વચ્ચે નકલી નોટ મુકીને માર્કેટમાં ચલાવતા હતા. આ લોકોના ટાર્ગેટ પર સામાન્ય રીતે વડીલો અને ગામના લોકો રહેતા હતા. પોલીસને શંકા છે કે તેમની સાથે બીજા લોકો પણ આ કામમાં સંડોવાયેલા હોઈ શકે છે.

આમ પકડાયા ભાઈ-બહેન
મંગળવારે સુનીતા ભોસરી શાકભાજી ખરીદવા માર્કેટ ગઈ, ત્યારે તેણે અસલી નોટ સાથે એક નકલી નોટ પણ વેપારીને આપી. નોટની ક્વોલિટી જોઈ વેપારીને શંકા જતા તેણે તપાસ કરાવતા નોટ નકલી હોવાનું સામે આવ્યું. જે પછી સુનીતાની પૂછપરછ કરતા તે ડરીને ભાગવા લાગી.

વેપારીએ ફોન કરી ક્રાઈમ બ્રાન્ચને તેની જાણકારી આપતા મંગળવારે સાંજે સુનીતાની તેના ઘરેથી ધરપકડ કરવામા આવી હતી. સુનીતાના ઘરની તપાસ દરમિયાન 2 કલર પ્રિન્ટર અને લાખોની નકલી નોટો મળી આવી હતી.

મહિલાના પતિએ આ કાર્યમાં સંડોવણીનો ઈન્કાર કર્યો
ગણેશ સાવંતે જણાવ્યું કે, સુનીતા અને તેના ભાઈએ યુટ્યૂબ પર વીડિયો જોઈ નકલી નોટ બનાવવાની ટ્રેનિંગ મેળવી. સુનીતાના લગ્ન અમુક વર્ષ પહેલા થયા હતા અને તેના 2 બાળકો પણ છે. તેના પતિએ પોલીસ સમક્ષ નિવેદન આપ્યું છે કે, તેની પત્ની અલગ રૂમમાં રહેતી હતી અને તે અંદર શું કરતી હતી તેની કોઈને પણ ખબર પડવા દેતી નહોતી.

જોકે પોલીસને શંકા છે કે તેના પતિનું નિવેદન વાસ્તવિકતાથી ઘણું અલગ લાગી રહ્યું છે. આ કારણે તેને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરવામા આવી રહી છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page