ગૌતમ અદાણી ફરી એશિયાના બીજા ને દુનિયાના 14માં સૌથી ધનવાન બિઝનેસમેન બન્યા

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી ફરી એક વખત એશિયાના બીજા સૌથી ધનિક ઉદ્યોગપતિ બન્યા છે. જ્યારે તે વિશ્વના 14માં સૌથી ધનિક ઉદ્યોગપતિ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી એશિયામાં પ્રથમ અને વિશ્વના 12માં સૌથી ધનિક ઉદ્યોગપતિ છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સનો 1 સપ્ટેમ્બરના આવેલ રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે.

રિપોર્ટ અનુસાર, અમેઝોનના જેફ બેઝોસ હજુ પણ વિશ્વમાં નંબર વન પર છે. તેમની સંપત્તિ 200 અરબ ડોલરથી વધુ છે. ટેસ્લાના માલિક એલન મસ્ક 199 અબજ ડોલર સાથે બીજા ક્રમે રહ્યા છે. અબજોપતિઓની યાદીમાં મુકેશ અંબાણીની સંપત્તિ 6.55 લાખ કરોડ રૂપિયા હતી. ગૌતમ અદાણીની સંપત્તિ 5.24 લાખ કરોડ રૂપિયા હતી.

અંબાણી ભલે રેન્કિંગમાં અદાણી કરતા આગળ હોય, પરંતુ રૂપિયા કમાવામાં અદાણીએ અંબાણીને પાછળ છોડી દીધા છે. અદાણીએ જે જૂનું રેન્કિંગ ફરીથી મેળવ્યું છે તેનું કારણ તેમની કંપનીઓના શેર વધ્યા છે. તેમની ત્રણ કંપનીઓ અદાણી પાવર, અદાણી ગેસ અને અદાણી ટ્રાન્સમિશનના શેરમાં છેલ્લા 10 દિવસથી સારી તેજી જોવા મળી છે. અદાણી ટ્રાન્સમિશનના શેર દૈનિક 5%ની અપર સર્કિટ સાથે બંધ થઈ રહ્યો છે. તેણે ગુરુવારે 1 વર્ષની નવી ઉંચી સપાટી બનાવી હતી. ગુરુવારે તે રૂ. 1,735 પર ગયો હતો. અગાઉ તેની ઉંચી કિંમત 1,682 રૂપિયા હતી.

જ્યારે અદાણી પાવર પણ 5%ની અપર સર્કિટ સાથે 108 રૂપિયા પર પહોંચી ગયો છે. અદાણી ગેસ રૂ. 1,490 અને અદાણી એન્ટરપ્રાઇઝ રૂ. 1,588 પર પહોંચી ગયો છે. 14 જૂનથી આ તમામ શેર સતત ઘટાડામાં હતા. આ શેરોની કિંમતોમાં 40-50% નો ઘટાડો થયો હતો અને તમામ શેર રૂ .1000 ની કિંમત પર આવી ગયા હતા.

જૂનમાં, ત્રણ વિદેશી રોકાણકારોએ અદાણી જૂથની કંપનીઓમાં તેમનું રોકાણ ફ્રીજ કરી દીધું હોવાના અહેવાલો હતા. ત્યાર બાદથી અદાણીની કંપનીઓના શેરમાં ઘટાડો થયો છે. પછી આ કારણે અદાણી વિશ્વના ધનિકોની રેન્કિંગમાં 14 માંથી 19માં નંબર પર સરકી ગયા હતા. તે સમયે તેમની સંપત્તિ 4.52 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ હતી. કોરોના દરમિયાન રૂપિયા કમાવાની બાબતમાં અદાણી આગળ રહ્યા છે. અદાણીની સંપત્તિમાં 8.29 ગણો વધારો થયો છે જ્યારે મુકેશ અંબાણીની સંપત્તિમાં 1.15 ગણો વધારો થયો છે.

આ પહેલા 22 મે 2021ના રોજ અદાણી એશિયાના બીજા નંબરના ધનિક ઉદ્યોગપતિ બન્યા હતા. તે સમયે તેમની સંપત્તિ 4.98 લાખ કરોડ રૂપિયા હતી. ત્યારે મુકેશ અંબાણીની સંપત્તિ 5.73 લાખ કરોડ રૂપિયા હતી. મુકેશ અંબાણી દુનિયામાં ત્યારે 13માં નંબરના સૌથી ધનિક ઉદ્યોગપતિ હતા. 10 જૂને અદાણીની સંપત્તિ 5.69 લાખ કરોડ રૂપિયા જ્યારે અંબાણીની સંપત્તિ 6.13 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ હતી.

You cannot copy content of this page