ગુજરાતીઓએ દીવાલ ને કારમાં લાખો રૂપિયા છુપાવ્યા, ત્રણ તો નોટો ગણવાના મશીન હતા

ઈન્દોરઃ એસટીએફે ઈન્દોરમાં સાત હવાલા બિઝનેસમેનની ધરપકડ કરી છે. એસટીએફે 3 ઓગસ્ટના રોજ રાત્રે જાવરા કમ્પાઉન્ડ સ્થિત ફ્લેટ પર દરોડા પાડ્યા હતા. અહીંયા દીવાલની અંદર 70 લાખ રૂપિયા છુપાવીને રાખ્યા હતા. આરોપીઓની કારની સીટની નીચે એક લોખંડની પેટી મળી હતી, તેમાં હવાલાના રૂપિયાની લેતીદેતી થતી હતી. ગાડીની અંદર પણ પાંચ લાખ રૂપિયા હતા.

આરોપીઓએ પૂછપરછમાં કહ્યું હતું કે બે ટકા કમિશન પર દિલ્હી, મુંબઈ તથા ગુજરાત લાઈન પર કામ કરતા હતા. એસટીએફે કહ્યું હતું કે નાકોડા કોમ્પ્લેક્સમાં ત્રીજા માળના એક ફ્લેટની દીવાલમાં અંડર ગ્રાઉન્ડમાં તિજોરી હતી. આરોપીઓની કારની મોડી રાત્રે તલાશી લેવામાં આવી હતી, જેમાં સીટની નીચેથી હવાલાના રૂપિયા રાખવા માટે એક લોખંડની પેટી બનાવેલી હતી.

નોટ ગણવા ત્રણ મશીન હતાઃ ગુજરાતના હવાલા કારોબારી રાજેન્દ્ર પટેલ, સુરેન્દ્ર સોલંકી, અજય સોલંકી, મેહુલ દવે, મદનસિંહ ગોહિલ, દશરથ રાઠોળ તથા વિજય લોહિયાએ કહ્યું હતું કે 70.10 લાખ રૂપિયા ઈન્દોરના વેપારીઓના છે. પોલીસને ઘટનાસ્થળ પરથી ત્રણ નોટ ગણવાના મશીન તથા 11 મોબાઈલ મળ્યા હતા.

એસટીએફ એસપી મનીષ ખત્રીએ કહ્યું હતું કે આરોપીઓએ બે મહિના પહેલાં જ હવાલાના કામ માટે ફ્લેટ ભાડે લીધો હતો. આરોપીઓ એમ કહી રહ્યાં છે કે તેઓ નાનકડું કામ કરે છે. જોકે, પોલીસને આશંકા છે કે તેઓ મોટાપાયે હવાલાનો કારોબાર કરે છે. તેમની કોલ ડિટેલની તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત આઈટી વિભાગને પણ આ અંગેન માહિતી આપી દેવામાં આવી છે.

ઈન્દોરમાં અનેક જગ્યાએ હવાલા કૌભાંડ ચાલે છેઃ પહેલાં શહેરમાં જેલ રોડ તથા સિયાગંજ વિસ્તારમાં ગુજરાત તથા રાજસ્થાનના હવાલા વેપારી આવીને કામ કરતા હતા. ત્યારબાદ તમામ જૂના ઈન્દોર તથા તુકોગંજ વિસ્તારમાં શિફ્ટ થઈ ગયા હતા.

જોકે, લૉકડાઉન દરમિયાન વિજયનગર પોલીસે બેવાર હવાલાના વેપારીઓને પકડ્યા હતા. આ લોકો વિજયનગરથી જ બિઝનેસ કરતા હતા. એસટીએફે જાવરા કમ્પાઉન્ડના આરોપીઓને પકડ્યા છે. શહેરમાં અનેક વિસ્તારમાં હવાલા કૌભાંડ ચાલી રહ્યું છે.

 

You cannot copy content of this page