Only Gujarat

National TOP STORIES

સુરતમાં ફસાયેલા મજૂરોએ બિહારના SPને ભાંડી ગાળો, કારણ જાણીને તમારું મગજ ફરી જશે

નવી દિલ્હી: આજે સમગ્ર વિશ્વ મહામારી સામે એક થઈને લડી રહ્યું છે. આ મુશ્કેલ પરિસ્થિતમાં સમાજને રાહત પહોંચાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા પોલીસની પણ રહી છે. લૉકડાઉનનું કડકાઈથી પાલન કરાવવાની સાથે પોલીસે માનવતા દાખવતા ઉદાહરણ પણ પુરા પાડ્યા છે. પોલીસ કર્મીઓ દિવસ-રાત કામ કરી રહ્યાં છે. બિહારના કિશનગંજ જીલ્લાના એસપી આઈપીએસ અધિકારી કુમાર આશિષ એવા જ અધિકારીઓમાં સામેલ છે જે જરૂરિયાતમંદોની મદદ પણ કરી રહ્યાં છે.

બિહાર-બંગાળની સરહદપર સ્થિત કિશનગંજ જીલ્લામાં આઈપીએસ કુમાર આશિષના નેતૃત્ત્વમાં પોલીસ જરૂરિયાતમંદોની મદદ પણ કરી રહી છે. રસ્તા પર રહેતા લોકોની મદદ હોય કે વડીલોનું ધ્યાન રાખવાનું કામ કે પછી ગંભીર દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવાનું કામ, દરેક મામલે પોલીસકર્મીઓ મદદ કરી રહ્યાં છે. લૉકડાઉનમાં ગરીબ અને નિરાધાર લોકો 2 ટાઈમના ભોજન માટે પણ વલખાં મારી રહ્યાં છે, એવી સ્થિતિમાં એસપી આશિષ કુમારની પહેલ પર પોલીસ જરૂરિયાતમંદો સુધી કરિયાણું પહોંચાડી રહી છે. પોલીસ અધિકારીઓ લૉકડાઉનના અમલની સાથે સમય મળતા જ લોકોની મદદમાં લાગી જાય છે.

લોકોને કરિયાણું પહોચાડવામાં આવે છે, તેની સાથે માસ્ક પણ આપવામાં આવે છે જેથી લોકો સુરક્ષિત રહે. અત્યારસુધી હજારો પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે અને સોશિયલ મીડિયા પર મોટા પ્રમાણમાં આ પહેલ અંગે જણાવવામાં આવી રહ્યું છે, જેથી જરૂરિયાતમંદ લોકો સુધી પોલીસ મદદ પહોંચાડી શકે. કરિયાણાની સાથે પોલીસે ભોજન બનાવવા રસોડાનો પ્રારંભ પણ કર્યો છે, જ્યાં ભોજન તૈયાર કરાવી તે ગરીબો સુધી પહોંચાડી શકાય.

આ મુશ્કેલ સ્થિતિમાં પોલીસે 2 એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરી છે. વિસ્તારમાં દર્દીઓની સારવાર માટે એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો. તેથી આ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી. અહીંના બહાદુરગંજ વિસ્તારના કેન્સરના દર્દીને સારવાર માટે પટણા લઈ જવાયો હતો અને સારવાર બાદ તેને સુરક્ષિત ઘરે પણ પહોંચાડવામાં આવ્યો. પોલીસકર્મી લોકોને દવા પણ પહોંચાડી રહ્યાં છે.

કિશનગંજમાં રહેતા નરેશે કહ્યું કે, તેમની દીકરીને એનીમિયા હોવાથી સતત લોહીની જરૂર રહે છે. લૉકડાઉનમાં તેની દીકરીને એ પોઝિટિવ બ્લડની જરૂર હતી. તેણે તમામ બ્લડ બેંકમાં તપાસ કરી પરંતુ ક્યાંય તેને આ બ્લડ મળ્યું નહીં અને પછી તેણે પોલીસની મદદ માગી. એસપી આશિષે 2 કલાકની અંદર જ બ્લડની વ્યવસ્થા કરાવી આપી અને બાળકીનું સ્વાસ્થ્ય પર કોઈ જોખમ થવા દીધું નહીં.

એસપી આશિષે મીડિયાને જણાવ્યું કે,‘એક દિવસ મને સુરતથી ફોન આવ્યો. ફોન રિસીવ કરતા જ સામે છેડે ગાળો સંભળાવવા લાગી. મે ગુસ્સા પર કંટ્રોલ કર્યો અને વાત સમજવાનો પ્રયાસ કરતા જાણ થઈ કે નવાદાના 8 મજૂરો સુરતમાં ફસાયેલા અને 3 દિવસથી ભૂખ્યા છે. તેમણે એમ સમજી મને ગાળો આપી કે જેથી તેઓને જેલ થશે અને આ કારણે તેમને 2 ટાઈમનું ભોજન મળી શકશે. મે સંબંધિત અધિકારીઓ સાથે વાત કરી તેમના માટે યોગ્ય સ્થળ અને કરિયાણાની વ્યવસ્થા કરાવી આપી.

આ ગરીબોની મદદ કરવી અમારી ફરજ છે. મે ગરીબી, સંઘર્ષ અને મર્યાદિત વસ્તુઓ સાથેના જીવનને નજીકથી જોયું અને અનુભવ્યું છે. આથી હું નિરાધાર વ્યક્તિઓને જોઈ તેમની તાત્કાલિક મદદ માટે પહોંચી જાઉં છું. મજૂરોની સ્થિતિ જોઈ એમ લાગતું કે કોરોના તો પછી પરંતુ પહેલા ભૂખમરો આ લોકોને પોતાનો શિકાર બનાવી લેશે.

અમે કાયદાનું પાલન કરાવવાની સાથે માનવતા સંબંધિત કાર્ય પણ કરી રહ્યાં છે. જેથી એક સારા સમાજનું નિર્માણ થાય. આ કોરોના સામે તો આપણે લડી રહ્યાં છીએ પરંતુ સાથે એવા મજૂરો-ગરીબો સાથે ઊભા રહેવું પણ જરૂરી છે જેઓ હાલ આમતેમ મદદ મેળવવા માટે ભટકી રહ્યાં છે.’ આશિષના આ કામને ‘ધ બેટર ઈન્ડિયા’એ લોકો સમક્ષ રજૂ કર્યું હતું.

You cannot copy content of this page