Only Gujarat

FEATURED National

પ્રેમિકા જ નહીં સગા મા-બાપને માત્ર નજીવા કારણોસર ઉતાર્યા હતા મોતને ઘાટ

રાયપુર/ભોપાલઃ પોતાની પ્રેમિકાની ઘરમાં જ કબર બનાવી તેની પર જ પોતાની માટે ગાદલું નાખીને મોજથી સુતો હત્યારો ઉદયન દાસ ફરી ચર્ચામાં છે. આ કિલરને ફાસ્ટ ટ્રેક કોર્ટે પ્રેમિકા ઉપરાંત માતા-પિતાની હત્યાના આરોપ હેઠળ આજીવન કેદની સજા ફટકારી છે. હત્યારાએ પ્રેમિકાની હત્યા ભોપાલ, જ્યારે માતા-પિતાની હત્યા છત્તિસગઢના રાયપુરમાં કરી હતી. પ્રેમિકા પશ્ચિમ બંગાળની રહેવાસી હતી. જોકે તેની પ્રેમિકાના ગુમ થવા પર તેના માતા-પિતાએ ફરિયાદ નોંધાવી હતી. જે પછી પશ્ચિમ બંગાળ પોલીસ કેસની તપાસ માટે ભોપાલ પહોંચી અને સનકી હત્યારાની કહાણી સામે આવી. આ ઘટનાએ સૌને ચોંકાવી દીધા. આ ઘટના પર કોઈ ક્રાઈમ સિરિયલ પણ બની શકે છે.

આ છે સનકી પ્રેમની કહાણીઃ ઉદયન દાસને પશ્ચિમ બંગાળની બાંકુડા ફાસ્ટ ટ્રેક કોર્ટે આજીવન કેદની સજા ફટકારી. સાઈકો કિલરની પ્રેમિકા આકાંક્ષા શર્મા બાંકુડાની રહેવાસી હતી. તેના ગુમ થવા પર પરિવારજનોએ ત્યાંના જ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ માટે પોલીસ ઘટનાની તપાસ કરી રહી હતી. ઉદયને જુલાઈ 2016માં ભોપાલમાં પ્રેમિકા આકાંક્ષાની હત્યા કરી હતી. તેણે આકાંક્ષાની લાશને એક બોક્ષમાં બંધ કરી ભોપાલના સાકેત નગર સ્થિત ઘરે દફનાવી હતી. કબર પર તેણે કોન્ક્રિટથી ચબુતરો ચણી દીધો હતો. જેની પર તે આરામથી બેસી ખાતો-પીતો અને મોજથી સુતો હતો.

માતા-પિતાની લાશ દફનાવી ઘર વેચી દીધુંઃ ઉદયને 2010માં રાયપુર સ્થિત પોતાના ઘરમાં માતા-પિતાની હત્યા બાદ લાશ દફનાવી હતી. આકાંક્ષાની હત્યા બાદ તપાસ દરમિયાન જ આ વાત પણ સામે આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આરોપી માતા ઈન્દ્રાણી અને પિતા વીકે દાસ સાથે રાયપુરમાં રહેતો હતો. માતા-પિતા તેના ઉડાઉ સ્વભાવથી નારાજ હતા. તેના કારણે ઉદયને રોષે ભરાઈ માતા-પિતાની હત્યા કરી હતી. તે પછી લાશોને બગીચામાં દફનાવી દીધી હતી. જે પછી તેણે આ ઘર વેચી દીધું હતું.

પોલ ખૂલી જતા પ્રેમિકા સાથે ઝઘડો થયો, કરી હત્યાઃ ઉદયન અને આકાંક્ષા સોશિયલ મીડિયા થકી 2007માં એકબીજાના સંપર્કમાં આવ્યા. ઉદયન ભોપાલમાં રહેતો હતો. પરંતુ તેણે પ્રેમિકાને ખોટી માહિતી આપી કે તે અમેરિકામાં રહે છે. ઉદયનના પ્રેમમાં પાગલ આકાંક્ષાએ જૂન 2016માં પોતાનું ઘર છોડી દીધું. તેમની પ્રથમ મુલાકાત દિલ્હીમાં થઈ હતી. જે પછી તેઓ ભોપાલમાં લિવ ઈન રિલેશનશિપમાં રહેવા લાગ્યા હતા.

ઉદયનના જુઠ્ઠાણાંની પોલ ખુલ્યા બાદ આકાંક્ષા નારાજ થઈ હતી. બંને વચ્ચે ઝઘડો વધ્યો તો 27 ડિસેમ્બર 2016ના ઉદયને આકાંક્ષાની હત્યા કરી હતી. ઉદયનની 2 ફેબ્રુઆરી 2017ના પશ્ચિમ બંગાળ પોલીસે ધરપકડ કરી હતી. જ્યારે પોલીસ તેને પૂછપરછ માટે લઈ જઈ રહી હતી ત્યારે તે હસી રહ્યો હતો. જાણે કે તેને પોતે કરેલા કામ પર કોઈ પ્રકારનો પસતાવો નહોતો.

ઉદયન પોતાના માતા-પિતાનો એકમાત્ર સંતાન હતો. તેના પિતા ભેલ કંપનીથી નિવૃત્ત થયા હતા. માતા પણ ભોપાલમાં સરકારી નોકરી કરતા હતા. નિવૃત્તિ બાદ પરિવાર રાયપુરમાં રહેવા લાગ્યો. ઉદયને પોતાના પિતાના મોત બાદ તેમનું પેન્શન પણ ગેરકાયદે ઢબે કાઢી લીધું હતું.

You cannot copy content of this page