Only Gujarat

Gujarat

ભાભીના પ્રેમમાં પાગલ ભાઈએ જ ભાઈને પતાવી દીધો, 38 દિવસે હાંડપીંજર મળ્યું

ભાભી અને દિયરનો સંબંધ ભાઈ-બહેન જેટલો જ પવિત્ર ગણાય છે. પણ ભરૂચમાં આ સંબંધને લાંછન લગડતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ભાભીને પામવા દિયરે પિતરાઈ ભાઈની હત્યા કરી લાશને દાટી દીધી હતી. પરંતુ આ કારસ્તાનનો ભાંડો આખરે ફૂટી ગયો અને ઘટનાના 38 દિવસ બાદ પોલીસે હત્યારાની ધરપકડ કરી છે.

આ બનાવની વિગત એવી છે કે, ભરૂચના સોનતલાવડી વિસ્તારમાં રહેતાં સંજય મંગા દેવીપૂજકના આણંદમાં રહેતાં પિતરાઇભાઇ મફતભાઈ માનસંગ દેવીપુજકની પત્ની મંજુલા સાથે પ્રેમસંબંધ બંધાયા હતાં. દરમિયાનમાં તેણે અનેકવાર મંજુલાને તેના પતિને છોડી પોતાના ઘરે આવી જવા માટે કહ્યું હતું. જોકે મંજુલાએ તેનો ઇન્કાર કર્યો હતો. અરસામાં લોકડાઉનમાં મંજુલાના પતિ મફતભાઈએ તેની બાઇક વેંચી દીધી હતી. જે બાદ નવી બાઇક ખરીદવા માટે તેણે સંજય પાસે રૂપિયાની માંગણી કરતાં સંજયે તેને ભરૂચ બોલાવ્યો હતો.

ગત 27 જૂલાઇએ મફતભાઈ ભરૂચમાં રહેતા તેના પિતરાઇ સંજયના ઘરે આવ્યા હતા. સંજય રાત્રેના 1 વાગ્યાના અરસામાં મફતભાઈને દારૂ પીવાના બહાને નર્મદા માર્કેટ પાસેથી પીડબલ્યુડીની અવાવરૂં જગ્યાએ લઇ ગયો હતો. દારૂ પીધા બાદ તેમની વચ્ચે તકરાર થઇ હતી. સંજયે પૂર્વયોજિત કાવતરાના ભાગરૂપે મૂકી રાખેલી ત્રિકમ પિતરાઇ મફતના માથામાં ફટકારી દીધી હતી. મફતભાઈ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. પિતરાઇ મફતભાઈની હત્યા કર્યા બાદ સંજયે આ ત્રિકમ વડે જ ખાડો ખોદી તેમની લાશ દફનાવી દીધી હતી. આમ લાશને દાટી દઇ સંજયે પુરાવાનો નાશ કર્યો હતો.

બીજી તરફ પતિ નહીં આવતા પત્ની મંજુલાની ચિંતા વધી હતી. એક મહિના સુધી મફતભાઈ ઘરે પરત નહીં આવતાં તેના સગાસંબંધીઓ દ્વારા મંજુલાને પોલીસ ફરિયાદ કરવા માટે દબાણ કરતાં તેણે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ કરી હતી. પોલીસ તપાસનો રેલો આખરે સંજય સુધી પહોંચ્યો હતો. પોલીસની પૂછપરછમાં ભાંગી પડેલાં સંજયે હત્યાના ષડયંત્રની કબુલાત કરતાં મર્ડર મિસ્ટ્રીનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. પોલીસે ઘટનાના 38 દિવસ બાદ સ્થળ પર જઇ જેસીબીથી ખાડો ખોદાવતા મફતભાઈનું હાંડપીંજર મળી આવ્યું હતું.

તપાસમાં હકીકત બહાર આવી હતી કે મફતના લાપતા બન્યા બાદ મંજુલા અને સંજય મળ્યા હતા. 3 દિવસ બાદ શોધખોળ કરવા આવેલી ભાભીને ઘટનાની જાણ કરી ધમકી આપતા તેણે મોં સીવી લીધુ. સંજયે ભાભી અને તેના ભાઇ-ભાભીને પણ કોઇને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મંજૂને હત્યાના ષડયંત્રની જાણ થઇ હોવા છતાં તેણે પોલીસને કોઇ જાણ કરી ન હોઇ ગુનાને છુપાવવા બદલ તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. તેમ પોલીસે જણાવ્યું છે.

You cannot copy content of this page