Only Gujarat

Gujarat

‘તારા પેટમાં જે બાળક છે, તે પડાવી નાખ અને બીજા લગ્ન કરી લે’

વડોદરાની એક યુવતીને ફેસબુક પર પ્રેમ કરવો ભારે પડ્યો. કારણ કે અમદાવાદના પ્રેમી સાથે લગ્ન કર્યા બાદ તે ગર્ભવતી થઈ. બાદમાં તેને જાણ થઈ કે તેનો પતિ પરિણીત છે અને બે બાળકોનો પિતા છે. જેને લઈ યુવતીએ વડોદરાના હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

સોશિયલ મીડિયા પર પ્રેમના પાઠ ભણતી યુવતીઓની આંખ ઉઘાડનારી આ ઘટનાની વિગત એવી છે કે, વડોદરા શહેરના હરણી ગામમાં રહેતી યુવતીને ફેસબુક માધ્યમથી અમદાવાદ શહેરમાં રહેતા ફેનીલ મેવાડા સાથે પરિચય થયો હતો. બંને વચ્ચે મિત્રતા વધી હતી. ફેનીલ ફેસબુક ઉપર ગબ્બરસિંહ નામના આઈડી પરથી ચેટ કરતો હતો. સોશિયલ મીડિયા પર છ મહિનાની વાતચીત બાદ તેમની વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. તે દરમિયાન ફેનિલે જણાવ્યું હતું કે તે કુંવારો છે. આમ કહીને તેણે યુવતી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. યુવતીએ પહેલા તો લગ્નનો પ્રસ્તાવ નામંજૂર કર્યો હતો.

જો કે ફેનીલે ધમકી આપી હતી કે જો તે લગ્ન નહીં કરે તો આત્મહત્યા કરી લેશે. ફેનીલની જીદને વશ થઈને છેવટે યુવતીએ હા પાડી હતી. ત્યારબાદ જાન્યુઆરી-2019માં બંનેએ કોર્ટ મેરેજ કર્યાં હતા. વૈવાહિક જીવન દરમિયાન યુવતી ગર્ભવતી થઇ હતી. તેઓ જ્યાં રહેતા હતા ત્યાં એક દિવસ એક મહિલા આવી પહોંચી હતી. આ મહિલા બીજુ કોઈ નહીં, પણ ફેનીલની પ્રથમ પત્ની ઊર્વશી હતી. ઉર્વશીએ બીજી પત્નીને પૂછ્યું હતું કે, તું કોણ છે. આમ કહેતા સમગ્ર આ મામલાનો ભાંડાફોડ થયો હતો.

પ્રથમ પત્ની ઊર્વશીનું માનીએ તો તેના લગ્ન ફેનીલ મેવાડા સાથે થયા છે અને સંતાનમાં તેને બે બાળકો પણ છે. આ દરમિયાન ફેનીલના માતા નિરૂબેને બીજી પત્નીને જણાવ્યું હતું કે, તારા પેટમાં જે બાળક છે, તે પડાવી નાખ અને બીજા લગ્ન કરી લે. આમ કહીને બીજી પત્નીને અપશબ્દો બોલી માર માર્યો હતો. બીજી તરફ ફેનીલે લગ્નગાળા દરમિયાન પોતાની બીજી પત્ની એટલે કે વડોદરાની યુવતી પાસેથી બે લાખ રૂપિયા રોકડા, મોબાઇલ ફોન, સોનાની ચેન અને સોનાની બુટ્ટી પણ સેરવી લીધી.

આ તરફ ફેનીલના માતા-પિતા અને તેની પ્રથમ પત્નીએ છૂટાછેડા આપવા માટે બળજબરી કરીને માર મારવાની ધમકી આપતા યુવતી વડોદરા આવી પહોંચી હતી. તેણીએ હરણી પોલીસ સ્ટેશનમાં આપવીતી જણાવી હતી. તેની ફરિયાદના આધારે હરણી પોલીસે પતિ ફેનીલ, પત્ની ઊર્વશી, માતા નિરૂબેન (તમામ રહે, અમદાવાદ શહેર) વિરૂદ્ધ છેતરપિંડી, મારામારી અને વિશ્વાસઘાત સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને તેમની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.

You cannot copy content of this page