Only Gujarat

Gujarat

શિક્ષકની નોકરી છોડીને વડોદરાની આ મહિલાએ રોટલી વેચવાનું કર્યું શરૂ, હવે વર્ષે કરે લાખોની કમાણી

વડોદરાઃ ગુજરાતના વડોદરાની મીનાબેન શર્મા ખાનગી સ્કૂલમાં શિક્ષિકા હતી અને સેલેરી પણ સારી હતી. પરંતુ તેમની ઈચ્છા કંઈક અલગ કરવાની હતી. તે એવું કંઈ કરવા માગતા હતા કે જેથી તેમની ઓળખ બને. 2 વર્ષ અગાઉ તેમણે નોકરી છોડી રોટલી બનાવી તેને વેચવાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું. 100 રોટલીથી કરેલી શરૂઆત આજે રોજની 4 હજાર જેટલી રોટલીનું તેઓ વેચાણ કરી રહ્યાં છે. બે વર્ષમાં જ તેમણે આ વ્યવસાય થકી વાર્ષિક રૂપિયા 30 લાખનું ટર્નઓવર સુધી પહોંચવાની સિદ્ધી મેળવી.

સેલેરી સારી હતી, પરંતુ કંઈક અલગ કરવાની ઈચ્છા હતીઃ વડોદરાના મુજમહુ઼ડામાં એમડી કોર્પોરેશન નામથી રોટલી બનાવી વેચવાની શરૂઆત કરનાર મીનાબેને પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા બાદ 2 વર્ષ અગાઉ સુધી એક પ્રાઈવેટ સ્કૂલમાં ભણાવતી હતી. અમુક દિવસ કામ કર્યા બાદ તેમને કંટાળો આવવા લાગ્યો. જેથી મીનાબેને વિચાર્યું કે શા માટે એવું કંઈ ના કરું કે જેથી પોતે આત્મનિર્ભર બનું પરંતુ તેની સાથે અન્ય મહિલાઓને આત્મનિર્ભર બનાવતા નોકરી આપી શકું. 2018માં વડોદરા જીલ્લા ઉદ્યોગ કેન્દ્રથી PMRY યોજના હેઠળ તેમણે 7 લાખ રૂપિયાની લોન લીધી અને બિઝનેસની શરૂઆત કરી.

રોટલીના બિઝનેસ અંગે મીનાબેને જણાવ્યું કે, ‘રોટલી દરેક ઘરમાં બને છે. તેના વગર એક ટંકનું ભોજન પણ થતું નથી. ગુજરાતમાં ચોખા ઓછી અને રોટલી વધુ ખવાય છે. વડોદરામાં ફરસાણની ઘણી વેરાયટી મળી રહેશે, હવે તે ગૃહઉદ્યોગનો ભાગ બની ચૂકયા છે. લોકો વિવિધ પ્રકારના ફરસાણ તૈયાર કરી દુકાનો, રેસ્ટોરાં અને કંપનીઓમાં પહોંચાડે છે. ’


‘રોટલીનો બિઝનેસ ઘણા ઓછા લોકો કરે છે. મે રિસર્ચ કર્યું તો ખબર પડી કે આ બિઝનેસ આગળ વધારી શકાય છે. અહીં ઘણા લોકો છે જેમને સમયસર ભોજન નથી મળતું. ખાસ કરીને રોટલી. આ વાતને ધ્યાનમાં રાખી મે રોટલી બનાવી વેચવાનો નિર્ણય કર્યો.’

પરાઠા-પૂરી અને થેપલા પણ વેચે છેઃ ‘વર્ષ 2018માં જ્યારે બિઝનેસ શરૂ કર્યો ત્યારે 100 રોટલીનો ઓર્ડર મળ્યો અને ધીમે-ધીમે ઓર્ડર વધતા ગયા ને બિઝનેસ સેટ થવા લાગ્યો. હવે રોજ 4 હજાર રોટલીઓ સપ્લાઈ કરીએ છીએ. મારી યુનિટમાં હવે 10 મહિલાઓ છે. તેનાથી મારું કામ સરળ નથી થતું, પરંતુ તેમને રોજગાર મળે છે. હાલ રોટલી બનાવવા માટે 2 મશીનો છે. સામાન્ય રીતે ઈન્ડસ્ટ્રીયલ એરિયાની કેન્ટિનમાં રોટલી જતી હતી. એક રોટલીની કિંમત 1.70 રૂપિયા છે. હવે મે રોટલી સાથે પૂરી-પરાઠે અને થેપલાના ઓર્ડર લેવાનું પણ શરૂ કર્યું, જેનાથી બિઝનેસને આગળ લઈ જઈ શકું.’


ભવિષ્યના પ્લાન અંગે મીનાએ જણાવ્યું કે, ‘મારા રોટલી બનાવીને વેચવાના વ્યવસાયમાં મને પરિવારે પણ સપોર્ટ કર્યો. પરિવારના સપોર્ટથી જ 2 વર્ષમાં હું મારા રોટલી વેચવાના વ્યવસાયને ઊંચાઈ પર લઈ જઈ શકી છું અને મારા વ્યવસાયને રૂપિયા 30 લાખ સુધીના વાર્ષિક ટર્નઓવર સુધી પહોંચાડ્યો છે. આવનારા દિવસોમાં રોટલી બનાવવાનાં વધુ મશીનો લાવવાનું મારું પ્લાનિંગ છે.’

You cannot copy content of this page