Only Gujarat

Gujarat

કોરોના મહામારીમાં જાણીતી સિંગર કાજલ મહેરીયાને જોવા વરઘોડામાં લોકાનાં ટોળેટોળાં ઉમટ્યા

લોકો જેમને પોતાના હીરો માને છે, જેમના મોટી સંખ્યામાં પ્રશંસકો છે, તેવા કલાકારો જ કોરોના માહમારીને ફેલાવવામાં સુપર સ્પ્રેડર સાબિત થઇ રહ્યા છે. અમે વાત કરી રહ્યા છીએ ગાયિકા કાજલ મહેરીયાની. કિંજલ દવે બાદ હવે કાજલ મહેરીયાએ મહામારીના માહોલમાં વરઘોડામાં જનમેદની એકઠી કરીને નિયમોના ધજાગરા ઉડાડ્યા. સવાલ એ છે કે શું પોલીસ કાજલ સામે કાર્યવાહી કરશે ખરી?

કોરોનાની મહામારી વચ્ચે વધારે ભીડ થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એટલે તો લગ્નમાં પણ વધુમાં વધુ 100 લોકોને જ એકત્ર થવાની છૂટ આપવામાં આવી છે. જે લોકો આ નિયમોનો ભંગ કરે છે તેમને પ્રશાસન તરફથી દંડ કરવામાં આવી રહ્યો છે. પરંતુ આ નિયમો ગુજરાતના ગાયક કલાકારોને લાગુ પડતો ન હોય તેવું લાગી રહ્યું છે. કારણે કે, મહેસાણામાં એક ગાયક કલાકારે કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડાવ્યા. આ ગાયક કલાકારનું નામ છે કાજલ મહેરિયા. અગાઉ કાજલ મહેરિયા માતાજી પ્રત્યે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવાના મામલે વિવાદમાં આવી હતી અને હવે તે કોરોનાની ગાઈડલાઈનના ઉલ્લંઘનના વિવાદમાં સપડાઈ છે.

વાત એમ બની કે, વિસનગરના વાલમ ગામમાં કાજલ મહેરિયાની હાજરીમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. કાજલ મહેરિયાએ તેના એક સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક વીડિયો લાઈવ કર્યો હતો. આ વીડિયો કોઈ વરઘોડાનો તેવું લાગી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. વીડિયોમાં જોવા મળી રહ્યું હતું કે, 100 કરતા વધારે લોકોમાં કાજલ મહેરિયાના ગીત પર ઝૂમતા હતા. કાજલ મહેરિયાના સૂર સાથે નાચતા લોકોમાંથી ઘણા લોકો માસ્ક વગર હતા. જ્યારે સામાજિક અંતરના પણ લીરેલીરા ઉડતા હતા.

આ ઘટના પરથી સવાલ એ ઉઠી રહ્યા છે કે, લગ્ન પ્રસંગમાં 100 લોકોને જ એકઠા થવાની મંજૂરી છે તો કાજલ મહેરિયાના વરઘોડાના કાર્યક્રમને ક્યા અધિકારી તરફથી કેવી રીતે મંજૂરી આપવામાં આવી? વરઘોડામાં ગાતા સમયે સમયે કાજલ મહેરિયાને તેની સાથે રહેલા લોકો પણ માસ્ક વગર મહાલતા જોવા મળ્યા હતા. આ વીડિયો સામે આવ્યા બાદ કાજલ મહેરિયા સામે કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે, નહીં તેની પર લોકોની નજર રહેશે. કારણ કે પોલીસ સામાન્ય વ્યક્તિને દંડે છે. પણ નેતાઓ અને વગદાર લોકો વિરુદ્ધ પગલાં લેતી નથી.

મહત્વનું છે કે, થોડા દિવસો પહેલા ગાયિકા ગીતા રબારીએ ખંભાળિયા ઉપરાંત ભૂજના વડઝર ગામમાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં કાર્યક્રમ રજૂ કર્યો હતો. જેમાં પણ માસ્ક અને સામાજિક અંતરના નિયમોનો ભંગ થતો જોવા મળ્યો હતો. લોકોને કોરોનાના નિયમોનું પાલન કરવાની શિખામણ આપતી ગીતા રબારી નિયમો ભૂલી તમાશો કરતા જોવા મળ્યા હતા.

કિંજલ દવે, ગીતા રબારી પછી હવે કાજલ મહેરિયા નિયમોના ધજાગરા ઉડાડતી જોવા મળી. જેને લઈ લોકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે શું કલાકારોને કાયદોનો ડર નથી?

You cannot copy content of this page