મામાને ઘરે રમતાં રમતાં પાણીની ટાંકીમાં પડી જતાં ભાણેજનું કરૂણ મોત: અરેરાટી

યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાના બંદોબસ્તમાં જવાનું થતાં ભૂજના દયાપર પોલીસ મથકમાં પોલીસ કર્મી માતાએ અઢી વર્ષના પુત્રને પાલનપુર તાલુકાના દેલવાડા ગામે પિયરમાં મુક્યો હતો. જ્યાં ગુરૂવારે સાંજના સુમારે પુત્ર રમતાં રમતાં પાણીની ટાંકીમાં ડૂબી મોતને ભેટયો હતો. આ કરૂણ ઘટનાને પગલે પોલીસ બેડા સહિત જિલ્લામાં અરેરાટી પ્રસરી હતી.

બનાસકાંઠા અને ભૂજ જિલ્લામાં અરેરાટી પ્રસરાવનારી ઘટનાની વિગતો એવી છે કે, પાલનપુર તાલુકાના દેલવાડા ગામના નયનાબેનના લગ્ન પાલનપુર તાલુકાના ખોડલા ગામે જીતેન્દ્રભાઇ સેધાભાઇ ભીલોચા સાથે થયા હતા. જેમના લગ્ન જીવનમાં એકનો એક પુત્ર પ્રિયાંન્સુ જન્મયો હતો. નયનાબેનનું એક વર્ષ પોલીસની ભરતીમાં સિલેકશન થતાં તેમને ભૂજ જિલ્લાના દયાપર પોલીસ મથકમાં પોસ્ટીંગ મળ્યું હતુ. જેઓ તેમના પતિ જીતેન્દ્રભાઇ સેંધાભાઇ ભીલોચા અને પુત્ર પ્રિયાંન્સુ (ઉ.વ. અઢી વર્ષ) સાથે રહેતા હતા.

દરમિયાન યાત્રાધામ અંબાજી ભાદરવી પૂનમનો મેળામાં પોલીસ બંદોબસ્તમાં નયનાબેનને મુકવામાં આવ્યા હતા. જોકે, પુત્રને કોણ સાચવશે તેમ વિચારી તેમણે પ્રયાંન્સુને તેમના માતા-પિતાને ઘરે દેલવાડા ગામે મુકી અંબાજી બંદોબસ્તમાં ગયા હતા. દરમિયાન ગુરૂવારે સાંજે પ્રિયાન્સુ તેના મામાને ઘરે રમતાં રમતાં પાણીની ટાંકીમાં પડી ગયો હતો. જેનું કરૂણ મોત નિપજ્યું હતુ. મામાને ઘરે જ ભાણાંનું પાણીની ટાંકીમાં પડી જવાથી મોતની ઘટનાને પગલે વિધીની વક્રતાનો ભોગ બનેલો પરિવાર પડી ભાંગ્યો હતો. પોલીસબેડા સહિત સમગ્ર ગામમાં શોક પ્રસરી જવા પામ્યો હતો.

You cannot copy content of this page