Only Gujarat

Bollywood FEATURED

સામાન્ય તાવ બાદ લથડી તબિયત, ઘણાં પ્રયાસો બાદ ‘બજરંગી ભાઈજાન’નો ના બચી શક્યો જીવ

મુંબઈઃ ભારતમાં કોરોના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ઘણા રાજ્યોમાં ફરીવાર કેસ ઝડપથી વધી રહ્યાં છે. હિમાચલ પ્રદેશમાં તેના કારણે મંગળવારે, 10 નવેમ્બરના રોજ 12 લોકોએ જીવ ગુમાવ્યા હતા. મૃતકોની યાદીમાં સલમાન ખાનની ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’ના એક્ટર હરીશ બંચટા પણ સામેલ હતા. તેમને પહેલા સામાન્ય તાવ હતો. જે પછી તેમને રોહડૂથી આઈજીએમસીમાં શિફ્ટ કરાયા હતા, જ્યાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ઘણા પ્રયાસો બાદ પણ તેમનો જીવ બચાવી શકાયો નહીં.

મંગળવારે જ કોરોના નિયમો અનુસાર હરીશના અંતિમ સંસ્કાર કરાયા હતા. દુઃખદ વાત એ છે કે હરીશના નિધનના એક દિવસ અગાઉ તેમની માતાનું નિધન થયું હતું. 24 કલાકમાં જ 2 પરિવારજનોના નિધનને કારણે સંપૂર્ણ પરિવાર આઘાતમાં છે. હરીશને એક દીકરી છે જે નવમાં ધોરણમાં ભણે છે.

48 વર્ષીય હરીશ બંચટા, શિમલાના ચૌપાલ વિસ્તારના રહેવાસી હતા. તેઓ છેલ્લા 18 વર્ષથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યાં હતા. તેમણે પોતાના કરિયરનો પ્રારંભ ટીવી સિરિયલ્સથી કર્યો હતો. તેઓ ‘સીઆઈડી’ અને ‘ક્રાઈમ પેટ્રોલ’ જેવા ટીવી શોમાં કામ કરી ચૂક્યા હતા. વર્ષ 2015માં હરીશ બંચટાએ મોટી સફળતા મેળવી.

તેમને કબીર ખાનના ડિરેક્શન હેઠળ બનનારી ‘બજરંગી ભાઈજાન’માં કામ કરવાની તક મળી હતી. આ ફિલ્મમાં સલમાન ખાન લીડ રોલમાં હતા. આ ફિલ્મમાં હરીશ પાકિસ્તાની પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળ્યા હતા.

You cannot copy content of this page