Only Gujarat

FEATURED Religion

21 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિ, જાણો ભોળેનાથ સ્વંય આ રાશિઓને આપશે પોતાના આશિષ

અમદાવાદઃ મહાશિવરાત્રિ 21 ફેબ્રુઆરીના રોજ છે. આ દિવસે ભગવાન શિવની આરાધના કરવાથી ભક્તોના તમામ પાપ તથા સંકટ દૂર થઈ જાય છે. આ દિવસે આ વ્યક્તિઓ પોતાની રાશિ અનુસાર શિવ આરાધના કરે તો ઉત્તમ પરિણામ મળે છે. પોતાની ચંદ્ર રાશિ અનુસાર તમારે ભગવાન શિવને કેવી રીતે મનાવવા, તે વિશે વાત કરીશું.

મેષઃ 12 જ્યોર્તિલિંગમાંથી સોમનાથ પહેલું જ્યોર્તિલિંગ છે, જેનો જન્મ મેષ રાશિમાં છે. શિવરાત્રિના દિવસે સોમનાથ જ્યોર્તિલિંગની પૂજા કરવી. જે જાતકો સોમનાથ ના જઈ શકે તેઓ નજીકના શિવ મંદિરમાં જઈને સોમનાથનું ધ્યાન કરીને શિવને દૂધથી સ્નાન કરાવે અને પછી શિવજીને ખિજડાના ઝાડનું ફૂળ તથા પત્તાઓ ચઢાવવા. શિવની પૂજા પછી ‘ह्रीं ॐ नमः शिवाय ह्रीं’નો જાપ કરવો.

વૃષભઃ શૈલ પર્વત પર સ્થિત મલ્લિકાર્જુન વૃષભ રાશિના સ્વામી છએ. આ જાતકોએ મલ્લિકાર્જુનના દર્શન કરવા જોઈએ પરંતુ જે લોકો ત્યાં જઈના શકે તો તેમણે કોઈ પણ શિવલિંગની પૂજા ગંગાજળથી કરવી અને આંકડાનું ફૂલ ચઢાવવું. મલ્લિકાર્જુનનું ધ્યાન ધરીને ‘ॐ नमः शिवाय’ મંત્રનો જાપ કરવો.

મિથુનઃ ઉજ્જૈન સ્થિત મહાકાલેશ્વર જ્યોર્તિલિંગ મિથુન રાશિના સ્વામી છે. મહાકાલેશ્વર કાળના પણ કાળ છે. આમની પૂજા કરવાથી અકાળ મૃત્યુનો ભય રહેતો નથી. આ રાશિના જાતકોએ મહાકાલેશ્વરના દર્શન કરવા જોઈએ. જે જાતકો દર્શન ના કરી શકે તો કોઈ પણ શિવલિંગને દૂધમાં મધ ભેળવીને સ્નાન કરાવો તથા બિલી પત્ર તથા ખિજડાનું ફૂલ ચઢાવો. મહાકાલેશ્વરનું ધ્યાન ધરીને ‘ॐ नमो भगवते रूद्राय’ નો જાપ કરવો.

કર્કઃ મધ્યપ્રદેશના નર્મદા તટ પર આવેલું ઓન્કારેશ્વર જ્યોર્તિલિંગનો સંબંધ કર્ક રાશિ સાથે છે. આ જાતકોએ આ શિવરૂપની પૂજા કરવી જોઈએ. ઓન્કારેશ્વરનું ધ્યાન ધરીને શિવલિંગને પંચામૃતથી સ્નાન કરાવો. બિલી પત્ર ચઢાવો. અને ‘ॐ हौं जूं सः’નો 108વાર જાપ કરો. આ વિધિથી વિદ્યાર્થી પૂજા કરે તો શિક્ષણમાં આવતી મુશ્કેલીઓ દૂર થાય છે. સ્વાસ્થ્ય સારું રહેશે અને માનસિક ચિંતાઓ દૂર થસે. ભૌતિક સુખમાં વૃદ્ધિ થશે.

સિંહઃ આ રાશિના વ્યક્તિ વૈદ્યનાથ જ્યોર્તિલિંગની પૂજા કરે. વૈદ્યાનાથ જ્યોર્તિલિંગની વિશેષ પૂજા થાય છે, જેમાં શિવ પાર્વતીના લગ્ન થાય છે. આ રાશિના જાતકો વૈદ્યનાથના દર્શન કરે તો આખું વર્ષ તબિયત સારી રહે છે. આ રાશિના જાતકોએ શિવરાત્રિના દિવસે શિવલિંગની ગંગાજળથી પૂજા કરવી. સફેદ કરેનના ફૂલ ચઢાવવા. ધતૂરાનો ભોગ ધરવો. ‘ॐ त्र्यंबकं यजामहे सुगंधि पुष्टिवर्धनम। उर्वारूकमिव बन्ध्नान्मृत्योर्मुक्षीय मामृतात्।। મંત્રનો 51વાર જાપ કરવો. સામાજિક પ્રતિષ્ઠા તથા યશની પ્રાપ્તિ થશે. સરકારી નોકરી તથા સરકાર સાથે જોડાયેલા કાર્યોમાં રહેલી અડચણ દૂર થાય છે. વિવાહ યોગ્ય કન્યાઓના લગ્નના મજબૂત યોગ બને છે.

કન્યાઃ મહારાષ્ટ્રમાં ભીમા નદીના કિનારે ભીમાશંકર જ્યોર્તિલિંગ કન્યા રાશિનું જ્યોર્તિલિંગ છે. શિવલિંગની પૂજા દૂધમાં ઘી મેળવીને કરવી. ત્યારબાદ પીળા રંગનું કરેન તથા ખિજડાનું ફૂલ ચઢાવો. ॐ भगवते रूद्राय મંત્રનો જાપ કરો. આ પ્રકારની પૂજા કરવાથી આત્મવિશ્વાસ વધે છે. મોટા ભાઈ-બહેનોનો સહયોગ વધે છે. મિત્રો સાથે સંબંધો સારા બને છે. આખું વર્ષ ધનની વર્ષા થાય છે.

તુલાઃ તમિલનાડુ સ્થિત ભગવાન રામ દ્વારા સ્થાપિત રામેશ્વર જ્યોર્તિલિંગનો સંબંધ તુલા રાશિ સાથે છે. ભગવાન રામે સીતાની શોધમાં સમુદ્ર પર સેતુ નિર્માણ માટે જ્યોર્તિલિંગની સ્થાપના કરી હતી. મહાશિવરાત્રિના દિવસે રામેશ્વરના દર્શનથી દાંપત્ય જીવનમાં પ્રેમ તથા સદ્ભવના બને છે. આ રાશિના જાતકોએ દૂધમાં પતાસા મિક્સ કરીને શિવલિંગને સ્નાન કરાવવા અને આકડાનું ફૂલ ચઢાવવું શિવ પંચાક્ષરી મંત્ર ‘ॐ नमः शिवाय’નો 108 વાર જાપ કરવો. આ પ્રકારની શિવ પૂજા કરવાથી કાર્યક્ષેત્રમાં આવનારી અડચણો દૂર થાય છે. પિતાની સાથે મધુર સંબંધો બને છે. સામાજિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય છે. જે લોકો અભિનય તથા સંગીતમાં કરિયર બનાવવા માગતા હોય તેમને આ રીતે પૂજા કરવી લાભદાયી છે.

વૃશ્ચિકઃ ગુજરાતના દ્વારકામાં નાગેશ્વર જ્યોર્તિલિંગનો સંબંધ વૃશ્ચિક રાશિ સાથે સંબંધ છે. આ રાશિના જાતકોએ ગળામાં નાગની માળા ધારણ કરવી અને નાગોના દેવ નાગેશ્વર જ્યોર્તિલિંગની પૂજા કરવી. મહાશિવરાત્રિના દિવસે આ શિવલિંગની પૂજા કરવાથી દુર્ઘટનાથી બચી શકાય છે. જે જાતકો નાગેશ્વર જ્યોર્તિલિંગની પૂજા ના કરી શકે તેમણે દૂધ તથા મમરાથી શિવની પૂજા કરવી. ગલગોટાનું પૂલ, ખિજડાનું ફૂલ અને બિલી પત્ર ચઢાવવું. ह्रीं ॐ नमः शिवाय ह्रींનો મંત્ર જાપ કરવો. આ રાશિના જાતકોના ભાગ્યના સ્વામી ચંદ્રમા છે, જે શિવના માથે સુશોભિત છે. શિવની પૂજા કરવાથી ભાગ્યોન્નતિ થાય છે. ભૌતિક સુખની મનોકામના પૂરી થાય છે અને ધન વૈભવ વધે છે.

ધનઃ વારાસણી સ્થિત વિશ્વનાથ જ્યોર્તિલિંગનો સંબંધ ધન રાશિ સાથે છે. આ રાશિના જાતકોએ ગંગાજળમાં કેસર મેળવીને શિવલિંગની પૂજા કરવી. બિલી પત્ર તથા પીળું કે લાલ કરેન શિવલિંગ પર ચઢાવું. મહાશિવરાત્રિના દિવસે ચંદ્ર નબળો હોય છે. આ રાશિના જાતકોએ ॐ तत्पुरूषाय विद्महे महादेवाय धीमहि। तन्नो रूद्रः प्रचोदयात। મંત્ર જાપ બોલવાથી ચંદ્રમાને બળ મળે છે. માનસિક સંતાપથી મુક્તિ મળે છે. સ્વાસ્થ્ય સારું રહે છે અને આકસ્મિક સંકટથી બચી શકાય છે.

મકરઃ ત્રયમ્બકેશ્વર જ્યોર્તિલિંગ સાથે સંબંધ છે. આ જ્યોર્તિલિંગ નાસિકમાં છે. ગંગાજળમાં ગોળ મેળવીને શિવ પર અભિષેક કરવો. શિવને વાદળી રંગનું ફૂલ તથા ધતૂરો ચઢાવવો. ત્રયમ્બકેશ્વરનું ધ્યાન ધરીને ‘ॐ नमः शिवाय’ મંત્રનો પાંચવાર જાપ કરવો. જે જાતકો લગ્ન કરવા ઈચ્છે છે, તેમના લગ્નમાં આવતી અડચણો દૂર થાય છે અને સુંદર તથા સુયોગ્ય સાથી મળે છે જીવનમાં સ્ટ્રેસ દૂર થાય છે. પાર્ટનરશિપ મજબૂત બને છે અને લાભ મળે છે.

કુંભઃ ઉત્તરાખંડમાં સ્થિત કેદારનાથની પૂજા કરવી જોઈએ. અક્ષય તૃતિયાથી કેદારનાથની યાત્રા શરૂ થાય છે અને તેથી જ શિવરાત્રિના દિવસે કેદારનાથના દર્શન થઈ શકે નહીં. આ દિવસે નજીકના શિવ મંદિર જઈને કેદારનાથનું ધ્યાન ધરીને શિવલિંગને પંચામૃતથી સ્નાન કરાવવું. ત્યારબાદ કમળનું ફૂલ તથા ધતૂરો ચઢાવવો. કુંભ રાશિનો સ્વામી શનિ છે. આથી આ રાશિના જાતકોએ મકર રાશિની જેમ જ ‘ॐ नमः शिवाय’ નો જાપ કરવો. શત્રુઓ તથા વિરોધીઓનો ડર રહેતો નથી. મામા, મામી તથા માસી સાથે સારા સંબંધ રહે છે અને જરૂર સમયે લાભ મળે છે. આ રીતે પૂજા કરવાથી તબિયત સારી રહે છે.

મીનઃ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં ધૃષ્ણેશ્વર જ્યોર્તિલિંગ સ્થિત છે. આ જ્યોર્તિલિંગનો સંબંધ મીન રાશિ સાથે છે. આ રાશિના જાતકોએ દૂધમાં કેસર નાખીને શિવલિંગને સ્નાન કરાવું. સ્નાન બાદ ગાયનું ઘી તથા મધ અર્પિત કરવું. કરેનના પીળા ફૂલ તથા બિલી પત્ર ચઢાવવા. ॐ तत्पुरूषाय विद्महे महादेवाय धीमहि। तन्नो रूद्र प्रचोदयात। મંત્ર જેટલીવાર બોલી શકાય તેટલીવાર બોલવો. આ રાશિના જાતકો આ વર્ષે ઢૈય્યાના પ્રભાવમાં રહેશે. શિવલિંગની પૂજા કરવાથી શનિના કુપ્રભાવથી બચી શકાશે. સ્વાસ્થ્ય સંબંધીત સમસ્યાઓ ઘટશે. છાત્રોને ઉચ્ચ શિક્ષણમાં સરળતા રહેશે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page