Only Gujarat

Bollywood TOP STORIES

અમિતાભ-અભિષેક પછી ઐશ્વર્યા અને દીકરી આરાધ્યા પણ કોરોના પોઝિટિવ, બોલિવૂડમાં ફફડાટ

મુંબઈઃ ગઈ કાલે શનિવાર રાત્રે 77 વર્ષીય અમિતાભ બચ્ચન અને પુત્ર અભિષેક બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બંનેને મોડી રાત્રે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દરમિયાન આજે બચ્ચન પરિવારમાં વધુ બે લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઐશ્વર્યા રાય અને દીકરી આરાધ્યાનો કોરોના પોઝિટિવ આવ્યો છે. જ્યારે જયા બચ્ચન અને તેમની પુત્રી શ્વેતાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જલસા બંગોલમાં એક ડ્રાઈવરનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યાના અહેવાલ છે. આમ જલસા બંગલામાં કુલ પાંચ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. નોંધનીય છે કે  અમિતાભ સાથે તેમની દીકરો અભિષેક, પુત્રવધૂ ઐશ્વર્યા રાય, પૌત્રી આરાધ્યા, દીકરી શ્વેતા તથા દોહિત્રી નાવ્યા તથા દોહિત્ર અગસ્ત્ય નંદા તથા પત્ની જયા સાથે જલસા બંગલામાં રહે છે.

જલ્સા બંગલોમાં પાંચ લોકો કોરોના પોઝિટિવ
બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનનો કોરોના પોઝિટિવ હોવાની પુષ્ટિ બંનેએ ગઈ કાલ રાત્રે જાતે ટ્વિટ કરીને કરી હતી. દરમિયાન આજે ઐશ્વર્યા રાય અને પુત્રી આરાધ્યા કોરોના સંક્રમિત હોવાની પુષ્ટી થઈ હતી. આ ઉપરાંત એક ડ્રાઈવર પણ કોરોના સંક્રમિત જોવા મળ્યો હતો. જલસા બંગલોમાં રહેતા પરિવારના તમામ સભ્યો અને સ્ટાફનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જોકે અમુક લોકોના રિપોર્ટ આવવાના હજી બાકી છે.

શું કહ્યું બિગ બીએ?
બિગ બીએ ટ્વીટ કરી હતી, ‘મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને હું હોસ્પિટલમાં છું. હોસ્પિટલે મારા પરિવાર તથા સ્ટાફ મેમ્બર્સનો ટેસ્ટ કર્યો હતો અને રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. છેલ્લાં 10માં મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને ટેસ્ટ કરાવવાની વિનંતી કરું છું.’  અભિષેક બચ્ચનનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. બંનેમાં કોરોનાના કોઈ પણ લક્ષણો જોવા મળ્યાં નહોતાં.

અભિષેક બચ્ચને પણ પોતે કોરોના સંક્રમિત હોવાની જાણકારી ટ્વિટ કરીને આપી હતી. અભિષેકે પોતાની ટ્વિટમાં લખ્યું, “મારો અને મારા પિતાનો આજે કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. અમારા બંનેમાં ખૂબ જ હળવા લક્ષણો મળ્યા હતા અને અમને હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવ્યા છે. અમે તમામ જરૂરી ઓથોરિટીને આની જાણકારી આપી દીધી છે અને અમારા પરિવાર અને બાકી સ્ટાફનો ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યો છે. હું બધાને વિનંતી કરું છું કે ધીરજ રાખો અને પેનિક ન જાવ. આભાર. ”

અમિતાભ છેલ્લે 12 જૂનના રોજ રિલીઝ થયેલી ફિલ્મ ‘ગુલાબો સિતાબો’માં જોવા મળ્યાં હતાં. આ ફિલ્મ એમેઝોન પર સ્ટ્રીમ થઈ હતી. ફિલ્મમાં આયુષ્માન ખુરાના જોવા મળ્યો હતો. 77 વર્ષીય અમિતાભ બચ્ચન પહેલેથી જ ઘણી બીમારીનો ભોગ બની ચૂક્યા છે. તેમનું લીવર 25 ટકા જ કામ કરે છે. તેમને સાંધાનો દુખાવો પણ રહે છે. ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ વખતે રાજસ્થાનમાં શૂટિંગ કરતાં હતાં ત્યારે ખાસ મુંબઈથી ડોક્ટર્સ આવ્યા હતાં.

હાલમાં અમિતાભ બચ્ચન ‘કેબીસી’ની તૈયારીમાં વ્યસ્ત હતાં. તેમણે તાજેતરમાં જ એક પ્રોમો પણ ઘરે રહીને શૂટ કર્યો હતો. આ ઉપરાંત તેઓ કોવિડ 19ને લઈ જાગૃતિ અભિયાન અંતગર્ત વિવિધ વીડિયો સોશિયલ મીડિયામાં શૅર કરતાં હતાં.

બોલિવૂડમાં આ પહેલાં સિંગર કનિકા કપૂર, કરીમ મોરાની તથા તેમની બે દીકરીઓ, કરન જોહર, બોની કપૂર, આમિર ખાન તથા રેખાના હાઉસ સ્ટાફમાંથી કેટલાંક મેમ્બર્સને કોરોના પોઝિટિવ આવ્યો હતો.

You cannot copy content of this page