તો આ કારણે સલમાન અને ઐશ્વર્યાની લવ-સ્ટોરીનો આવ્યો હતો અંત, નવો ખુલાસો

મુંબઈઃ ઐશ્વર્યા રાય તથા સલમાન ખાનના સંબંધોની ચર્ચા આજે પણ થાય છે. બંનેના સંબંધોની ચર્ચા માત્ર બોલિવૂડમાં જ નહીં ચાહકોમાં પણ થતી રહે છે. સલમાન તથા ઐશ્વર્યા રાય બહુ જ ખરાબ રીતે અલગ પડ્યાં હતાં. ઐશ્વર્યાએ જાહેરમાં સલમાનના હિંસક વર્તન અંગે વાત કરી હતી. જોકે, હવે એક નવી જ વાત સામે આવે છે. આઉટલુક મેગેઝીનમાં હાલમાં જ પબ્લિશ થયેલા આર્ટિકલ પ્રમાણે, ઐશ્વર્યાએ સલમાનને પરિવારથી અલગ થવાની વાત કરી હતી.

શું કહ્યું હતું ઐશ્વર્યાએ? સલમાન ખાનનો પરિવાર પ્રત્યેનો પ્રેમ જગજાહેર છે. ઐશ્વર્યા રાયે સલમાન ખાનને પરિવારથી અલગ થવાની માગણી કરી હતી. સલમાન ખાન આ સંબંધને લઈ ઘણો જ ગંભીર હતો અને તેના પર ઐશ્વર્યા રાયના પ્રેમનું ભૂત સવાર હતું. જોકે, એશને ક્યારેય સલમાનનો પરિવાર ગમ્યો નહોતો. સલમાન પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તેણે બંને ભાઈઓની ફિલ્મમાં પૈસા રોક્યા હતાં. ઐશ્વર્યાને આ વાત પસંદ નહોતી. તે સલમાનને પરિવારથી દૂરથી કરવા માટે શક્ય તેટલા પ્રયાસો કરતી હતી. ઘણીવાર તે સલમાન સાથે વાત ના કરતી તો ઘણીવાર તેની અવગણના કરતી. સલમાન એક્ટ્રેસના પ્રેમમાં પાગલ હોવાથી તેને મનાવવાના પ્રયાસો કરતો.

સલમાને કર્યો હતો તમાશોઃ 1999માં સલમાન-એશ ‘હમ દિલ દે ચૂકે સનમ’ના શૂટિંગમાં વ્યસ્ત હતાં. શૂટિંગ દરમિયાન બંને વચ્ચેનો પ્રેમ પ્રગાઢ બન્યો હતો.વર્ષ 2001માં સલમાન તથા ઐશ્વર્યાના સંબંધોમાં તિરાડ પડવા લાગી હતી. 2001માં નવેમ્બરમાં સલમાન ખાન એક્ટ્રેસ એશના ઘરે જઈને જોર-જોરથી દરવાજો ખખડાવતો હતો. આસપાસના પડોશીઓએ કરેલા દાવા પ્રમાણે, 17માં માળ પર આવેલા ઐશ્વર્યના ઘરની બહાર સલમાન બૂમો પાડતો હતો અને તેણે ધમકી આપી હતી કે જો એશ ઘરનો દરવાજો ખોલીને તેને અંદર નહીં બોલાવે તો તે અહીંથી કૂદીને જાન આપી દેશે. ત્રણ વાગ્યા સુધી સલમાને આ રીતે દરવાજો પછાડ્યો હતો અને તેને કારણે તેના હાથમાં લોહી નીકળવા લાગ્યું હતું.


જોકે, સલમાનના ડરથી આસપાસના લોકોએ પોલીસને બોલાવી નહોતી અને વચ્ચે પડ્યાં હતાં. રાત્રના ત્રણ વાગ્યા પછી એશે દરવાજો ખોલ્યો અને એક્ટરને અંદર બોલાવ્યો હતો. સૂત્રોના મતે, લગ્નને લઈ સલમાન ખાન એક્ટ્રેસ પાસેથી વચન લેવા માગતો હતો અને એશની કરિયર ટોચ પર હોવાથી તે લગ્ન કરવા તૈયાર નહોતી.

12 ફેબ્રુઆરી, 2002માં સલમાને ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં આ ઘટના બની હોવાનો સ્વીકાર કર્યો હતો. તેણે કહ્યું હતું કે આ રીતે તે એશના ઘરની બહાર ઊભો રહ્યો હતો અને તમાશો કર્યો હતો પરંતુ જ્યારે બે વ્યક્તિ વચ્ચે પ્રેમ હોય ત્યારે આમ થવું સામાન્ય હોય છે. કોઈ વ્યક્તિ અજાણી વ્યક્તિ સાથે ઝઘડો કરશે નહીં.


કેટલાંક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે એશના પિતા ક્રિષ્નારાજ રાયે પોલીસ ફરિયાદ કરી હતી. આ અંગે સલમાને કહ્યું હતું કે એશના માતા-પિતા સારા છે અને તેનો પરિવાર પણ તેના પરિવારની જેમ જ જૂનવાણી છે. એશના પેરેન્ટ્સને તેના (સલમાનના) જૂના અફેર્સ અંગે ખબર હતી અને તે તેમને ના ગમે એ સ્વાભાવિક છે. તેમાં તેનો વાંક છે, તેના પેરેન્ટ્સનોનહીં. તેમની સાથે તેણે ખરાબ વર્તન કર્યું હોવા છતાંય તેના પેરેન્ટ્સે તેને મળવાની ક્યારેય ના પાડી નથી. તેના પિતાએ ફરિયાદ કરી તેની સામે તેને કોઈ વાંધો નથી અને ફરિયાદ નથી.

ઐશ્વર્યાએ સ્વીકારી હતી આ વાતઃ 27 સપ્ટેમ્બર, 2002માં ઐશ્વર્યાએ પહેલી જ વાર સલમાન સાથેના સંબંધો પર વાત કરી હતી. ઐશ્વર્યાએ કહ્યું હતું, સલમાન અને તેના સંબંધોનો અંત માર્ચ, 2002માં જ આવી ગયો હતો પરંતુ તે બ્રેક અપ બાદની પરિસ્થિતિ સંભાળી શક્યો નહોતો. તે હજી પણ ફોન કરે છે અને બકવાસ વાતો કરે છે. તેને લાગે છે કે તેના કો-સ્ટાર્સ સાથે અફેર્સ છે. તે તેનું નામ દરેક એક્ટર્સ સાથે જોડી રહ્યો છે. અભિષેક બચ્ચનથી લઈ શાહરુખ ખાન સાથે તેનું નામ જોડ્યું છે. એક સમયે સલમાને તેને માર હતી પરંતુ તેના સદનસીબ કે મારના કોઈ નિશાન રહ્યાં નહીં. માર ખાધા બાદ જાણે કંઈ જ ના બન્યું હોય તે રીતે તે સેટ પર જઈને શૂટિંગ કરતી હતી.


સલમાન સતત તેની પાછળ ફરતો હતો અને જ્યારે તેણે સલમાનને ફોન કરવાની ના પાડી ત્યારે તેણે પોતાની જાતને ઈજા પહોંચાડી હતી. અન્ય એક ઈન્ટરવ્યૂમાં ઐશ્વર્યાએ કહ્યું હતું કે સલમાન જ્યારે દારૂના નશામાં ચકચૂર રહેતો ત્યારે તેની સાથે હતી અને તેને મદદ કરી હતી. જોકે, બદલામાં તેને માત્ર ગાળો, માર પડ્યો હતો. અન્ય મહિલાની જેમ તેને પણ તેનું આત્મસન્માન વ્હાલું છે અને તેથી જ તેણે સલમાન સાથેના સંબંધો તોડી નાખ્યા છે.


ચર્ચા છે કે ઐશ્વર્યાએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને ઈન્ટરવ્યૂ આપ્યો એના બીજા જ દિવસે સલમાન ખાને પોતાની ટોયટો લેન્ડ ક્રૂઝર કાર ફૂટપાથ ચઢાવી દીધી હતી અને તેમાં એકનું મોત થયું હતું.

About Rohit Patel

Rohit Patel is our Senior Most Content Writer in tech, entertainment and sports. He experience in digital Platforms from 5 years.

View all posts by Rohit Patel →