Only Gujarat

Gujarat

ગર્ભવતી બહેન અને બનેવીને 17થી વધુ છરીના ઘા મારી રહેસી નાખ્યાં, આરોપીને થઈ ફાંસી

અમદાવાદના સાણંદમાં ચાર વર્ષ પહેલાં ઑનર કિલિંગની ચકચારી ઘટનામાં કોર્ટે આરોપીને ફાંસીની સજા સંભળાવી છે. મિર્ઝાપુર કોર્ટે 17 સાક્ષી તેમજ 63 દસ્તાવેજી પુરાવાના આધારે આરોપીને સજા ફટકારી છે. સાથે જ મૃતકોના પરિવારને 10 લાખ રૂપિયાનું વળતર ચૂકવવા કોર્ટે આદેશ કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી હાર્દિક ચાવડાએ તેની ગર્ભવતી બહેન તેમજ તેના બનેવીની હત્યા કરી હતી. બહેને પ્રેમ લગ્ન કર્યા હતા જે આરોપીને પસંદ ન આવતા હત્યા કરી હતી.

શું હતી ઘટના? વર્ષ 2018નો આ મામલો છે. જેમાં હાર્દિક ચાવડા નામના આરોપી યુવકે તેની બહેન તરુણા ચાવડા અને બનેવી વિશાલ પરમારને છરીના ઘા મારીને રહેંસી નાખ્યા હતા. હત્યા વખતે બહેન ગર્ભવતી હતી. આ ત્રિપલ મર્ડરથી એ વખતે હાહાકાર મચી ગયો હતો.

બહેને ભાગીને પ્રેમલગ્ન કર્યા હતા: વિશાલ પરમાર સાણંદ જીઆઈડીસી ખાતે એક ખાનગી કંપનીમાં કામ કરતો હતો. વિશાલને તરુણા ચાવડા સાથે પ્રેમ થયો હતો. યુગલે પરિવારની મરજી વિરુદ્ધ ભાગીને કોર્ટમાં પ્રેમલગ્ન કર્યા હતા, આથી તરુણાનો પરિવાર નારાજ થયો હતો. લગ્નના 20 દિવસ બાદ યુગલ ઘરે આવ્યું હતું. દરમિયાન સાણંદના એસટી બસસ્ટેન્ડ વિસ્તારમાં રહેતાં તરુણા તથા વિશાલ પર તરુણાના ભાઈ હાર્દિક ચાવડાએ હુમલો કર્યો હતો.

છરી લઈને બહેન-બનેવી પર તૂટી પડ્યો: હાર્દિક ચાવડાએ બહેન તરુણાને 7 અને બનેવી વિશાલને 17 ઘા માર્યા હતા. હત્યા થઈ તે સમયે તેની બહેનના ગર્ભને 4 મહિનાનો સમય થયો હતો. તરુણા તથા વિશાલ પર હુમલા બાદ ઉતારવામાં આવેલો એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં આજુબાજુના લોકો પીડિતોને હૉસ્પિટલે લઈ જવાની તજવીજ હાથ ધરવાના બદલે મોબાઇલ પર તેમનો વીડિયો ઉતારતા નજરે પડ્યાં હતાં.

કોર્ટે સંભળાવી ફાંસીની સજા: આ અંગે સાણંદ પોલીસ આરોપી હાર્દિકને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ઘરી હતી. દરમિયાન મિર્ઝાપુર કોર્ટે આજે આરોપી હાર્દિક ચાવડાને સબૂતો અને સાક્ષીઓને ધ્યાને રાખી આ કૃત્ય બદલ આકરી સજા કરી છે. કોર્ટે આ મામલે 17 સાક્ષી, 63 દસ્તાવેજી પુરાવાને આધાર રાખીને ફાંસીની સજાનો હુકમ કર્યો છે. સાથે જ મૃતક વિશાલના પરિવારને રૂપિયા 10 લાખનું વળતર આપવાનો કોર્ટે કર્યો આદેશ. સાથે જ એક મહત્વપૂર્ણ સાક્ષી કે જે આ કેસમાં પીડિત તરીકે ગણી 50 હજારનું વળતર આપવાનો હુકમ કોર્ટે કર્યો છે.

You cannot copy content of this page