અધિકારીએ લાંચમાં લીધા 2000 કરોડ, રોકડા રૂપિયા મૂકવા માટે ખરીદ્યો હતો ફ્લેટ

ચીનના એક હાઈપ્રોફાઈલ કેસમાં બેંકના પૂર્વ ઉચ્ચ અધિકારીને મોતની સજા આપવામાં આવી હતી. 58 વર્ષના લાઈ શાઓમિન કમ્યુનિસ્ટ પાર્ટીના સભ્ય પણ રહ્યા હતા. તેમના પર આરોપ હતો કે સિનિયર બેન્કિંગ રેગ્યુલેટર તરીકે કામ કરતી વખતે તેમણે રૂપિયા 2026 કરોડની લાંચ લીધી હતી. કોર્ટે તેમને દોષી જાહેર કર્યાં છે.

એક રિપોર્ટ મુજબ, લાઈ શાઓમિનને કોર્ટે 5 જાન્યુઆરીએ મોતની સજા સંભળાવી હતી. શુક્રવારે તેમનું મોત થયું હતું. હજુ સુધી તે વાત સ્પષ્ટ નથી કે પૂર્વ ઉચ્ચ બેંક અધિકારીને ફાંસી અથવા અન્ય કોઈ સજા આપવામાં આવી હોય.

પૂર્વ બેંક અધિકારી પર તે પણ આરોપ લગાવવામાં આવ્યો હતો કે, તેમણે સિક્રેટ રીતે બીજો પરિવાર શરૂ કર્યો હતો. પોતાના મૂળ પરિવારથી અલગ તે એક મહિલા સાથે ઘણા સમય સુધી પતિ-પત્ની તરીકે રહેતા હતા. સિક્રેટ પરિવાર સાથે તેમને એક બાળક પણ હતું.

લાઈ શાઓમિને લાંચમાં 2026 કરોડ રૂપિયા વર્ષ 2008થી 2018 વચ્ચે લીધા હતા. શાઓમિન China Huarong Asset Management Coનાં ચેરમેન પણ હતા. 5 જાન્યુઆરીએ તિઆનજિનની સેકન્ડરી ઇન્ટરમિડીયેટ પીપલ્સ કોર્ટમાં તેમને મોતની સજા સંભળાવવામાં આવી હતી.

શાઓમિનને મોતની સજા સંભળાવ્યા પછી સુપ્રીમ કોર્ટે નિર્ણયનો રીવ્યુ પણ કર્યો હતો. નિર્ણયના રીવ્યુ દરમિયાન એવું જાણવા મળ્યું કે શાઓમિને સમાજને જેટલું નુકસાન પહોંચાડયું છે, તે તેમના સારા કામ પર ખૂબ જ ભારે પડે છે. માટે તેમની મોતની સજા યથાવત રાખવામાં આવે.

આ પહેલા શાઓમિનનો એક વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો હતો જેમાં તે પોતાનો ગુનો સ્વીકારતા જોવા મળ્યા હતા. ચીનની સરકારી ટીવી ચેનલ પર વિડીયો દેખાડવામાં આવ્યો હતો. જેમાં શાઓમિનના બિઝિંગ સ્થિત એક એપાર્ટમેન્ટમાં રોકડા રૂપિયા મળી આવ્યા હતા.