Only Gujarat

Bollywood

અભિનેતા સતીષ કૌશિક પંચમહાભૂતમાં વિલીન, અગ્નિ સંસ્કારમાં ઉમટી પડ્યું આખું બોલીવૂડ

બોલિવૂડ એક્ટર-ડિરેક્ટર સતીષ કૌશિક પોતાના કોમિક રોલ માટે જાણીતા હતા. તેમનું 66 વર્ષની ઉંમરમાં દિલ્હીમાં અવસાન થયું છે. બોલિવૂડ એક્ટર અનુપમ ખેરે તેમના અવસાનની પુષ્ટિ કરી હતી. મોત પહેલાં સતીષ કૌશિકને બેચેની અનુભવાતી હતી. તેમણે ડ્રાઇવરને હોસ્પિટલ લઈ જવાનું કહ્યું હતું, પરંતુ રસ્તામાં જ તેમને હાર્ટ અટેક આવી ગયો હતો.

નોંધનીય છે કે સતીષ કૌશિક 8 માર્ચના રોજ દિલ્હી ગયા હતા. અહીંયા બિજવાસન ફાર્મહાઉસમાં હોળી રમવા આવ્યા હતા. અહીં રાતના 11 વાગ્યે તેમને બેચેની જેવું થતું હતું. સતીષ કૌશિકના આજે (9 માર્ચ) મુંબઈમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં. તેમના અંતિમ દર્શનાર્થે અનેક બોલિવૂડ સેલેબ્સ આવ્યા હતા, જેમાં શિલ્પા શેટ્ટી, સલમાન ખાન, અભિષેક બચ્ચન, અનુ મલિક, નવાઝુદ્દીન સિદ્દીકી, રણબીર કપૂર, પંકજ ત્રિપાઠી, રાકેશ રોશન, અનુપમ ખેર સામેલ છે.

સતિષ કૌશિકના પાર્થિવ દેહને સવારે સાડા પાંચ વાગ્યે દિલ્હીની દિન દયાલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો અને અહીંયા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સતીષ કૌશિકના અવસાનના સમાચાર સાંભળ્યા બાદ મુંબઈથી નિકટના મિત્રો તાત્કાલિક દિલ્હી ગયા હતા. આજે (9 માર્ચ) સાંજે સાડા પાંચ વાગ્યાની આસપાસ સતીષ કૌશિકનો પાર્થિવ દેહ મુંબઈ લાવવામાં આવ્યો હતો. મુંબઈના વર્સોવા સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં.

સતીષ કૌશિકના ઘરે સેલેબ્સ આવ્યા
સતીષ કૌશિક મુંબઈના રાજ ક્લાસિક ફ્લેટમાં પરિવાર સાથે રહેતા હતા. સતીષ કૌશિકના અવસાનના સમાચાર સાંભળ્યા બાદ તેમના નિકટના મિત્રો ઘરે આવ્યા હતા.

અહેવાલ છે કે અભિનેતા જ્યારે દિલ્હીના ફાર્મહાઉસમાં હતા ત્યારે તેમની તબિયત બગડી હતી. સતીશ કૌશિકના મેનેજરે જણાવ્યું કે તેઓ પુષ્પાંજલિના ફાર્મહાઉસમાં પાર્ટી કરી રહ્યા હતા અને મોડી રાત્રે તેમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. આ પછી સતીશ કૌશિકે તેના મેનેજરને ફોન કર્યો. સતીશ કૌશિકને તાત્કાલિક ગુરુગ્રામની ફોર્ટિસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ હોસ્પિટલના ગેટ પર જ તેમનું મૃત્યુ થયું હતું.

સતીશ કૌશિકના નિધન પર અનુપમ ખેરથી લઈને પ્રિયંકા ચોપરા, અક્ષય કુમાર, પંકજ ત્રિપાઠી, અશોક પંડિત જેવી અનેક હસ્તીઓએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેમના માટે શોક વ્યક્ત કર્યો છે. સતીષ કૌશિકના નિકટના મિત્રોએ કહ્યું હતું કે 11 વર્ષીય દીકરી વંશિકા તથા પત્ની શશિની સ્થિતિને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. તેઓ હાલમાં ઘેરા શોકમાં છે અને કંઈ પણ બોલી શકવાની સ્થિતિમાં નથી.

ફિલ્મોમાં કામ કરવું કોઈના માટે એટલું સરળ નથી. ખાસ કરીને જ્યારે તમે ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી નથી આવતા. અભિનેતા સતીશ કૌશિક માટે પણ આ સરળ ન હતું. તેમણે ફિલ્મોમાં પોતાનું સ્થાન બનાવવા માટે ઘણો સંધર્ષ કરવો પડ્યો હતો. તેમણે ફિલ્મક્ષેત્ર પહેલા કેશિયર તરીકે પણ કામ કર્યું. પરંતુ તેમણે પોતાના સપનાને સાકાર કરવા માટેનો પ્રયાસ ક્યારેય બંધ કર્યો નહીં.

1979ની વાત છે. સતીશ કૌશિક ફિલ્મોમાં નસીબ અજમાવવા માટે દિલ્હીથી મુંબઈ આવ્યા હતા. પરંતુ તે એટલું સરળ નહોતું. મુંબઈ જેવા શહેરમાં ટકી રહેવા માટે તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ફિલ્મો તરત જ મળી જવાની નહોતી. સ્ટેશન પર રાત પસાર ના કરવી પડે તે માટે, અભિનેતાને કેશિયર તરીકે નોકરી મળી હતી. તેમને મહિને 400 રૂપિયા મળતા હતા.

જ્યાં તેઓ સવારે નોકરીએ જતા હતા. જ્યારે કામ પરથી પરત આવ્યા બાદ તેઓ સીધા જ પૃથ્વી થિયેટરમાં પહોંચીને પોતાના સપનાને સાકાર કરવા પહોંચી જતાં હતાં. અહીંથી જ તેની નજર પડવા લાગી અને તેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો સાથે સંપર્કમાં આવવા લાગ્યાં હતાં.

સતિશ કૌશિકે પોતાની કારકિર્દીની શરૂઆત ફિલ્મ નિર્દેશક તરીકે કરી હતી. સતીષે રૂપ કી રાની ચોરો કા રાજા ફિલ્મ માટે ઘણી મહેનત કરી હતી. પરંતુ તેમની આ ફિલ્મ નિષ્ફળ સાબિત થઈ હતી પણ સતીશ કૌશિક પ્રતિભાની ખાણ હતા. તેઓ અભિનય તરફ વળ્યા અને ઘણા ભિન્ન ભિન્ન પાત્રોથી દર્શકોનું મનોરંજન કર્યું.

You cannot copy content of this page