Only Gujarat

National

લોકોને ભયમુક્ત કરવા પોલીસે અજમાવ્યો આ રસ્તો, ખુશીથી લોકોએ પોલીસના કર્યા ભરપૂર વખાણ

ઈન્દોરઃ શહેરની પોલીસે આરોપીઓને જેલમાં મોકલતા અગાઉ સમાજ સામે અપમાનિત કરવાની અનોખી સજા આપી હતી. તાજેતરમાં પોલીસે દાદાગીરી કરતા અને ચાકુ વડે લોકો પર હુમલો કરતા આવા જ 2 આરોપીઓને સજા ફટકારી હતી. પોલીસે બંને આરોપીઓને એ જ વિસ્તારમાં કાન પકડાવી ઊઠક-બેઠક કરાવી જ્યાં તેમણે એક વ્યક્તિ પર હુમલો કર્યો હતો.

ઊઠક-બેઠક કરાવવા ઉપરાંત પોલીસે વિસ્તારના લોકો સામે આરોપીઓને જમીન પર નાક ઘસવાની સજા પણ ફટકારી, આ ઉપરાંત બંને આરોપીઓને લોકોની માફી માગવા પણ કહ્યું. આ દ્રશ્ય જોઈ વિસ્તારના લોકો ભયમુક્ત થયા અને તેમણે ઘરમાં રહી તાળીઓથી પોલીસની કામગીરીને વધાવી લીધી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

પોલીસે જ્યાં આરોપીઓને નાક ઘસવા કહ્યું તે સ્થળે તેમણે અમુક દિવસ અગાઉ એક યુવક પર ચાકુથી હુમલો કર્યો હતો અને તેનું ઘણું લોહી વહ્યું હતું. આરોપીઓએ લોકો સમક્ષ હવે આવા કામ ના કરવાની વાત કહી માફી માગી હતી અને તેમની સ્થિતિ જોઈ લોકો ખુશ થયા તથા પોલીસનો આભાર માન્યો હતો.

દ્વારકાપુરીના એસએચઓ ધર્મવીર સિંહ નાગરે જણાવ્યું કે, બંનેએ કાર ચોરી કરવાના ઈરાદે કાર માલિક પર ચાકુ વડે હુમલો કર્યો હતો. જે પછી આ વિસ્તારમાં ભયનો માહોલ હતો. આ ભયને દૂર કરવા જ તેમણે આરોપીઓને આ પ્રકારે સજા ફટકારી. પોલીસે આરોપીઓ પાસેથી ચાકુ કબ્જે કર્યા હતા અને તેમને જેલ મોકલી દેવાયા છે.


આ વીડિયો ન્યૂઝ એજન્સી દ્વારા શેર કરવામાં આવ્યો હતો અને તેને અત્યારસુધી લાખો લોકો જોઈ ચૂક્યા છે. લોકો પોલીસની કામગીરીની પ્રશંસા કરતા જોવા મળ્યા.

 

You cannot copy content of this page