Only Gujarat

Bollywood

ચિરંજીવીની દીકરીએ કર્યા હતા સિક્રેટ લગ્ન પરંતુ દહેજના ત્રાસના કારણે લીધા છૂટાછેડા, જાણો પરિવાર વિશે

મુંબઈ/હૈદરાબાદઃ સાઉથ ફિલ્મ્સના સુપરસ્ટાર ચિરંજીવી 65 વર્ષના થયા. 22 ઓગસ્ટ 1955ના આંધ્ર પ્રદેશના મોગાલથુરમાં જન્મેલા ચિરંજીવીનું વાસ્તવિક નામ કોનીડેલા શિવ શંકર વરા પ્રસાદ છે. માતાના કહેવા પર તેમણે ફિલ્મ્સમાં પોતાનું નામ ચિરંજીવી રાખ્યું, જેનો અર્થ હંમેશા જીવીત રહેનાર થાય છે. ચિરંજીવી વિશે તો લોકો ઘણું જાણે છે પરંતુ તેમના પરિવારજનો વિશે લોકો ઓછું જાણે છે. ચિરંજીવીના જન્મદિવસે અમે તમારી સમક્ષ તેમના પરિવારજનો વિશેની માહિતી રજૂ કરી રહ્યાં છીએ.

ચિરંજીવીએ 1980માં સુરેખા સાથે લગ્ન કર્યા. તેમના 3 બાળકો છે. દીકરાનું નામ રામચરણ તેજા છે, જે સાઉથ ફિલ્મ્સમાં જાણીતો એક્ટર છે. 27 માર્ચ, 1985ના હૈદરાબાદમાં જન્મેલા રામચરણે કરિયરનો પ્રારંભ 2007માં આવેલી ફિલ્મ ‘ચિરુથા’થી કર્યો હતો. રામચરણ એક્ટર હોવાની સાથે બિઝનેસમેન પણ છે.

ચિરંજીવીના દીકરા રામચરણના લગ્ન 14 જૂન 2012ના અપોલો હોસ્પિટલ્સના એક્ઝિક્યૂટીવ ચેરમેન પ્રતાપ સી.રેડ્ડીની પૌત્રી ઉપાસના કમિનેની સાથે થયા હતા. અપોલો હોસ્પિટલ્સના સમગ્ર દેશમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આવેલા છે. આ ઉપરાંત પણ તેમના ઘણા બિઝનેસ છે.

દીકરા રામચરણ ઉપરાંત ચિરંજીવીની 2 દીકરીઓ શ્રીજા અને સુષ્મિતા છે. સુષ્મિતાના લગ્ન વિષ્ણુ પ્રસાદ સાથે 2006માં થયા હતા. જ્યારે શ્રીજાએ શિરીષ ભારદ્વાજ સાથે 2007માં સીક્રેટ લગ્ન કર્યા હતા. જોકે પછી બંનેના સંબંધો બગડ્યા હતા. શ્રીજાએ શિરીષ પર દહેજની માંગણી કરવાનો આરોપ લગાવ્યો હતો. જે પછી બંનેએ છૂટાછેડા લીધા હતા. તે પછી શ્રીજાએ પરિવારજનોની મરજી અનુસાર 2016માં જ્વેલરી બિઝનેસમેન કલ્યાણ સાથે લગ્ન કર્યા હતા.


ચિરંજીવીના પિતા કોન્સ્ટેબલ હતા, આ જ કારણે તેમને ઘણીવાર ટ્રાન્સફર મળતી હતી. તેથી ચિરંજીવીનું બાળપણ દાદા-દાદી સાથે પસાર થયું. બાળપણથી એક્ટિંગનો શોખ રાખનાર ચિરંજીવી કોમર્સમાં ગ્રેજ્યુએશન બાદ મદ્રાસ ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટ (1976)માં એડમિશન લેવા ચેન્નાઈ જવાનો નિર્ણય કર્યો જેથી એક્ટિંગમાં પોતાનું કરિયર બનાવી શકે.

ચિરંજીવીએ પોતાના કરિયરનો પ્રારંભ ‘પુનધિરલ્લુ’ફિલ્મથી કર્યો હતો પરંતુ તેમની પ્રથમ રીલિઝ ફિલ્મ ‘પ્રણામ ખરીદુ’(1978)છે. જે પછી તેમણે ફિલ્મ્સમાં અમુક નાના રોલ કર્યા. 1982માં આવેલી ફિલ્મ ‘ઈન્ટલો રામય્યા વીડિલો કૃષ્ણય્યા’માં લીડ એક્ટર તરીકે કામ કર્યું અને આ ફિલ્મ સુપરહિટ રહી હતી.

ચિરંજીવીની 1992માં આવેલી ફિલ્મ ‘ઘરાના મોગુડુ’ એવી પ્રથમ તેલુગુ ફિલ્મ છે, જેણે બોક્સ ઓફિસ પર 10 કરોડની કમાણી કરી હતી. ચિરંજીવીને 10 વાર ફિલ્મફેર સાઉથ એવોર્ડથી સન્માનિત કરાયા છે. તેઓ પ્રથમ એવા એક્ટર છે જેમણે પોતાની વેબસાઈટ શરૂ કરી હોય. જેની પર તેમણે પોતાની ઈવેન્ટ અને ફિલ્મ્સનું પ્રમોશન કરવાની શરૂઆત કરી હતી.

ચિરંજીવીએ ફિલ્મ્સમાં લોકપ્રિયતા મેળવ્યા બાદ 2008માં રાજકરણમાં પ્રવેશ કર્યો. તેમણે પોતાના પક્ષ પ્રજા રાજ્યમ પાર્ટીની સ્થાપ્ના કરી. જોકે પછીથી આ પક્ષનો કોંગ્રેસમાં વિલય થઈ ગયો. તેમનો દીકરો રામચરણ તેજા પણ તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો સુપરસ્ટાર છે.

ચિરંજીવીની જાણીતી ફિલ્મ્સમાં ‘પસિવાદી પ્રણામ’(1987), ‘યામૂડીકી મોગુડુ’(1988), ‘માંચી ડોંગા’(1988), ‘કોંડવેટ્ટી દોંગા’(1990) સહિતની હિટ ફિલ્મ્સ સામેલ છે. તેમણે સાઉથની સાથે બોલિવૂડમાં પણ કામ કર્યું છે. જેમાં ‘પ્રતિબંધ’(1990), ‘આજકા ગુંડારાજ’(1990) સામેલ છે.

You cannot copy content of this page