સ્પા ચલાવતો પરિણીત માલિક રશિયન યુવતીના બાળકનો પિતા બન્યો, આ વાતની પત્નીને ખબર પડી ત્યારે…

વડોદરા: રાજ્યમાં અનેક સ્થળોએ ગેરકાયદે સ્પા ચાલે છે અને સ્પાની આડમાં ગોરખધંધા ચાલતા હોય છે, જેમાં ગ્રાહકો ફસાઈ જતા હોય છે. પણ વડોદરામાં તો સ્પા ચલાવતો પરિણીત માલિક જ તેના સ્પામાં કામ કરતી રશિયન યુવતીના પ્રેમમાં પડ્યો અને તેમની વચ્ચે અનૈતિક સંબંધો શરૂ થયા. વાત એટલી આગળ વધી ગઈ કે, રશિયન યુવતી તેના માલિકના બાળકની માતા બની ગઈ. આ વાતની જાણ જ્યારે સ્પા માલિકની પત્નીને થઈ ત્યારે તેણે રશિયન યુવતી સાથેના સંબંધો તોડી નાખવા કહ્યું. પરંતુ પતિએ અનૈતિક સંબંધોનો અંત લાવવાના સ્થાને પત્ની પર ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું, આખરે પત્નીએ આ મામલે જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ અંગની વિગત એવી છે કે, વડોદરા શહેરમાં યપ સ્પા નામનું મસાજ પાર્લર ચલાવતા અને અકોટામાં ક્લાસિક કોમ્પ્લેક્સમાં રહેતા પરેશ સુરેશભાઈ પટેલના લગ્ન વર્ષ 2000માં જિજ્ઞાબેન સાથે થયા હતા અને તેમને 17 વર્ષનો પુત્ર પણ છે. લગ્ન પછી તેના પરેશ તેની પત્ની જિજ્ઞાને પરેશાન કરતો હતા. ત્યારબાદ પતિ-પત્ની બંને સાથે ઓસ્ટ્રેલિયા ગયાં હતાં અને બે વર્ષ રોકાયાં હતાં. ત્યાર પછી તેઓ વડોદરા પરત આવ્યાં હતાં અને ક્લાસિક એપાર્ટમેન્ટમાં રહેતાં હતાં. પરેશે ગોત્રી સહિત શહેરનાં અલગ-અલગ સ્થળો પર યપ સ્પા નામથી વ્યવસાય શરૂ કર્યો હતો.

તે દરમિયાન વર્ષ 2014માં તેમણે રશિયાથી હનના ચૂકો અને વિક્ટોરિયા નામની બે છોકરીઓને મસાજ થેરાપી માટે રાખી હતી. થોડા સમય પછી હનના ચૂકો સાથે પરેશને આંખો મળી જતાં બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. 2015માં રશિયન યુવતી હનના ચૂકોએ પરેશના બાળકને જન્મ આપ્યો હતો ત્યારે તેના ઘરે આવવાનું શરૂ કરી દીધું હતું. જ્યારે પરેશની પત્ની જિજ્ઞાએ રશિયન યુવતી અને તેના બાળક વિશે પૂછ્યું તો પરેશે પહેલા એવું જણાવ્યું હતું કે, હનનાને ભારતમાં સ્થાયી થવાનું હોવાથી બાળકને જન્મ આપ્યો છે અને બાળક સાથે તેને કોઇ લેવાદેવા નથી.

પરંતુ બાદમાં રશિયન યુવતીએ મહિલાને જણાવ્યું કે, મારે ભારતના વિઝા જોઈતા હોવાથી તારા પતિ સાથે સંબંધ બાંધી બાળકને જન્મ આપ્યો છે અને વડોદરામાં નોંધણી કરાવી છે. જન્મના દાખલામાં પતિનું નામ લખાવ્યું છે. આ વાતની જાણ મહિલાને થઈ ત્યારે તે હેબતાઈ ગઈ. તેણે આ વાતનો વિરોધ કર્યો ત્યારે પરેશ ઉશ્કેરાયો હતો અને જિજ્ઞાબેનને ઢોર માર માર્યો હતો. તેના અસહ્ય મારથી તેઓ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા અને અકોટાના એક ડોક્ટર પાસે સારવાર કરાવી હતી.

પતિના મારથી તેમને 20 ટાંકા આવ્યા હતા અને મારા શરીરનો કેટલોક ભાગ લક્વાગ્રસ્ત થઈ ગયો હતો. તે વખતે પરેશે જિજ્ઞાબેન સાથે સમાધાન કર્યું હતું અને તે ભવિષ્યમાં આવુ નહીં કરે તેવી ખાતરી પણ આપી હતી. પરંતુ હાલમાં મહિલાએ બંનેના સંબંધોનો વિરોધ કરતાં છૂટાછેડાની માગ કરી ત્રાસ આપ્યો હતો અને કાર પણ પડાવી લીધી હતી.