Only Gujarat

Gujarat

લિંગ પરિવર્તન કરાવીને અમિતાથી આદિત્ય બની ભજન ગાયિકા, કૉલેજમાં થયો હતો અહેસાસ

અમરેલી જિલ્લાના મોટા મુંજીયાસર ગામની અમિતા હવે લિંગ પરિવર્તન કરાવીને આદિત્ય બની ગઇ છે. અમિતા જન્મથી એક છોકરી હતી, પરંતુ જ્યારે તે મોટી થઇ ત્યારે તેને અહેસાસ થયો કે, તે અંદરથી છોકરા જેવું અનુભવે છે, નહીં કે છોકરી જેવું. ત્યારબાદ તેણે લિંગ પરિવર્તન કરાવવાનું નક્કી કર્યું. ગત વર્ષે જ અમિતાનું લિંગ પરિવર્તનનું ઓપરેશન થયું. ત્યારબાદ તે સંપૂર્ણ રીતે છોકરો બની ગયો. હવે અમિતાએ પોતાનું નામ બદલીને આદિત્ય રાખ્યું છે.

આ અંગેની વિગત એવી છે કે, અમરેલીના બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામે તા. 31 જાન્યુઆરી 1994ના દિવસે સવજીભાઇ રફાળીયાના પરિવારમાં પુત્રી રત્ન તરીકે અમિતાનો જન્મ થયો હતો. અમિતા આમ તો નાનપણથી યુવાની સુધીની જિંદગી અન્ય યુવતીની જેમ સામાન્ય જ પસાર કરતી હતી.

પોતાના કોલેજ સુધીના શિક્ષણ દરમિયાન તેની ભજનીક તરીકેની કારકિર્દીને જોતા પરિવારના સભ્યો તેને દીકરી નહીં, પણ દીકરો માનતા હતા. બીજી તરફ પોતાની યુવા અવસ્થામાં પહોંચતા અમિતાને પોતાની આંતરિક શરીર રચનાને લીધે મુંઝવણ ઉભી થવા લાગી. પોતે ખરેખર સ્ત્રી જ છે કે તેમ તેને લઇને પ્રશ્નો ઉપસ્થિત થતા હતા. તેને લાગતું હતું તે જન્મી તો સ્ત્રી તરીકે છે, પણ અહેસાસ પુરુષ જેવા થઇ રહ્યા છે. સમય જતાં અમિતાએ સારા એવા ભજનીક અને ગાયક કલાકાર તરીકેની પણ નામના મેળવી લીધી હતી. પણ તેને અંદરથી કંઇક ખૂટતું હોવાનું લાગવ લાગ્યું.

પોતાના શરીરની આંતરિક રચના તેમજ હોર્મોન્સમાં થતા પરિવર્તન અંગે તેણે ખુલ્લા મને પરિવાર સાથે વાત કરવાનું નક્કી કર્યું અને તે મુજબ કુટુંબીજનો સાથે ખુલ્લા મને ચર્ચા કરી હતી. પરિવારના સભ્યો સમજી ગયા હતા કે અમિતા શું કહેવા માગે છે. તેથી તેમના તરફથી સંપૂર્ણ હૂંફ અને સહકાર આપવામાં આવ્યો. છેવટે હિંમત કરીને અમિતાએ કુદરત તરફથી મળેલી તેને આંતરિક શરીર રચનાને બાહ્ય સ્વરૂપ આપવાનો નિર્ણય કર્યો હતો. એટલે કે પોતે પોતાને યુવક જેવો અનુભવ કરતી હોઈ સેક્સ ચેન્જ કરવાનું નક્કી કર્યું.

સ્થાનિક તબીબોના અભિપ્રાય લીધા બાદ ગત વર્ષે જ તેણે દિલ્હીની હોસ્પિટલમાં લિંગ પરિવર્તનની શસ્ત્રક્રિયા કરાવી હતી. આ પછી પોતાને પુરુષ તરીકે સ્થાપિત કરવાની તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી લીધી. અંતે હવે આદિત્ય સવજીભાઈ રફાળીયા નામ પણ ધારણ કરી લીધું છે.

અમિતાએ લિંગ પરિવર્તન કરાવ્યા બાદ યુવક તરીકે સમાજમાં પ્રસ્થાપિત થવા જરૂરી પ્રક્રિયઓ પણ પૂર્ણ કરી છે. પોતાનું નામ બદલવા ઉપરાંત પુરુષ તરીકેનું આધારકાર્ડ પણ મેળવી લીધું છે. સમાજમાં આવા અનેક લોકો હયાત છે કે જેમને પોતાના આંતરિક અને બાહ્ય અલગ પ્રકારની શરીર રચનાને કારણે તકલીફનો સામનો કરતા હોય છે. તેવા લોકો માટે આ ઘટના પ્રેરણા સમાન છે.

 

You cannot copy content of this page