સાવજ તો અમારા ભાઈબંધ, જુઓ ગીરના સિંહ સાથે માનવની નીકટતા

ગીરના સાવજ લાગણી શીલ ગણાય છે અને તેમનો લોકો સાથે પણ નાતો સારો હોવાની વાયકાઓ ગવાતી રહી છે. સિંહ અવારનવાર ગ્રામ્ય વિસ્તારોમાં શિકારની શોધમાં લટાર મારવા નીકળી પડે છે અને ઘણીવાર પશુઓનું મારણ કરીને ભૂખ સંતોષતા હોય છે. આવા જ દ્રશ્યો જોવા મળ્યા તાલાલાના રામપરામાં ગામમાં.

રામપરામાં વહેલી સવારે ત્રણ સિંહ શિકારની શોધમાં ગામમાં ઘુસી આવ્યા. તેમાંથી એક સિંહણે રસ્તા વચ્ચે જ ગાયનું મારણ કર્યુ હતું. સુર્યોદય થતા બે સિંહ મારણ મુકી જતા રહ્યાં. પરંતુ સિંહણે મારણ આરોગવાનું શરૂ રાખ્યું. જોત જોતામાં ગામ લોકો એકઠા થઇ ગયાં. સિંહનાં મારણને પોતાની નજરની સામે નિહાળ્યું. લોકોએ મોબાઈલ પર વિડીયો અને ફોટા પણ પાડ્યાં. જે સોશ્યલ મિડીયા પર ખૂબ વાયરલ થયા. આ અંગે સરપંચ જગદીશભાઇ તળાવિયાએ જણાવ્યું કે, ગામમાં ત્રણ સિંહ આવ્યાં હતા અને રસ્તા વચ્ચે મારણ કર્યું હતું. લોકો એકત્ર થતા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગની ટીમે આવી સિંહને જંગલ તરફ રવાન કર્યા હતાં. મારણ સીમમાં લઇ ગયા હતાં.

આવી અનેક ઘટનાઓ ગીરના જંગલમાં બનતી રહે છે. જેમાં સિંહ પશુઓનું મારણ કરે છે, પણ જંગલની આસપાસના ગામોમાં રહેતા લોકોને કોઈ નુકસાન પહોંચાડતા નથી. ગીરના જંગલ તેમજ આજુબાજુના વિસ્તારના લોકોનો સિંહ સાથે અનોખો સંબંધ હોવાનું ઘણી વાર પૂરવાર થઈ ચૂક્યું છે. ગીરના જંગલમાં રહેલા માલધારીઓ અને સીદી લોકોને જંગલના રાજા સિંહ સાથે નજીકના સંબંધો હોવાના દ્રશ્યો પણ અવાર-નવાર જોવા મળે છે. છેલ્લા થોડા જ સમયમાં ગીર અને આજુબાજુના વિસ્તારમાં સિંહોની સંખ્યામાં વધારો થયાનું કારણ પણ મનુષ્યનો સિંહ પ્રત્યેનો પ્રેમ છે.

ગીરના જંગલમાં મનુષ્ય અને સિંહ એક સાથે વસતા હોવાનું કહેવાય છે. ગુજરાતમાં જ બચેલા એશિયાટીક સિંહોની સુરક્ષા અને વૃદ્ધિ માટે ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ પણ સતત કાર્યરત હોય છે. ખુલ્લા જંગલ વિસ્તારમાં વિહરવાનું પસંદ કરતા સિંહો મનુષ્ય પર હુમલો કરતા નથી. તેઓ પોતાના અથવા બચ્ચાના રક્ષણ માટે મનુષ્ય પર હુમલો કરતા હોય છે. જો કે એ પહેલા પણ સિંહ ચેતવણી આપે છે, જે માનવી પારખી શકતો નથી. સાસણ ગીર અને જંગલ વિસ્તારમાં આવતા ગામમાં આ દ્રશ્ય કંઈક અલગ જોવા મળે. જ્યાં માલધારીઓ અને અન્ય લોકો સિંહની નજીકથી કોઈ ડર વગર પસાર થતા હોવાનું પણ જોવા મળે છે.

મહત્વનું છે કે, લોકડાઉનના સમયથી બંધ રહેલું દેવળીયા પાર્ક તા.1 ઓકટોબરથી અને ગીર અભયારણ્ય 16 ઓકટોબરથી પ્રવાસીઓ માટે અનલોક થશે. પર્યટકો કોવિડ-19ની ગાઈડ લાઈન મુજબ દેવળીયા પાર્ક તથા ગીર અભયારણ્યની મૂલાકાત લઈ શકશે. વન વિભાગની ઓફિશીયલ વેબસાઈટ પરથી પરમીટ બુક થઈ શકશે. ગત માર્ચ માસમાં કોરોના મહામારીના કારણે લોકડાઉન થતા દેવળીયા પાર્ક તથા ગીર અભયારણ્ય પણ બંધ કરવામાં આવ્યા હતાં. ત્યારબાદ ચોમાસુ શરૂ થઈ જતા વન્યપ્રાણીઓના સંવનનકાળ હોવાથી પ્રાણીઓને ખલેલ ન પહોંચે તે માટે અભયારણ્યમાં પ્રવાસીઓ ચોમાસા દરમ્યાન પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવે છે.

હવે તમામ સ્થળ અનલોક થવા લાગ્યા છે. ત્યારે આગામી તા.1 ઓકટોબરથી દેવલીયા સફારી પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકાશે. જયારે 16 ઓકટોબરથી ચોમાસુ પૂર્ણ થતા સિંહ સહિતના વન્ય પ્રાણીઓનું વેકેશન પણ પૂર્ણ થશે અને 16 ઓકટોબરથી ગીર અભ્યારણ્ય પણ પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકાશે. પ્રવાસીઓએ દેવલીયા પાર્ક, ગીરની મૂલાકાત વખતે માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે. દસ વર્ષથી ઓછી વયના બાળકો તથા 65 વર્ષથી વધુ વયના વડીલોને મૂલાકાતની પરવાનગી નહીં આપવામાં આવે, સોશીયલ ડિસ્ટન્સ જળવાય તે માટે વાહનોમાં બેઠક ક્ષમતા 50% કરવામાં આવશે.