લોકડાઉનમાં મુંબઈના વરરાજા અને યુપીની દુલ્હને કેવી રીતે કર્યાં અનોખાં લગ્ન, જાણીને નવાઈ લાગશે
કોરોનાના સતત વધી રહેલ સંક્રમણને ધ્યાનમાં રાખીને સરકારે દરેક પ્રકારના સમારંભો પર પ્રતિબંધ લાદી દીધો છે. આ જોતાં લોકો પણ સરકારના નિયમોને ધ્યાનમાં રાખીને જ લગ્ન કરે છે. આ દરમિયાન મુંબઈમાં એક અનોખાં લગ્ન થયાં, જેના ફોટોઝ સોશિયલ મીડિયામાં જબરદસ્ત વાયરલ બન્યા છે.
ઉલ્લેખનિય છે કે, મુંબઈના એક વરરાજા સુષેન ડંગે યૂપીની બરેલીની દુલ્હન કીર્તિ નારંગ સાથે એક વેબસાઇટ જૂમ એપ પર ઓનલાઇન લગ્ન કર્યાં છે. બીજી તરફ વર્ચ્યુઅલ એટલે કે વિડીયો મારફતે 150 કરતાં વધારે જાનૈયાઓ અને સંબંધીઓએ પણ લગ્નમાં ભાગ લીધો. જે સમયે નવદંપતિ ફેરા લઈ રહ્યું હતું ત્યારે લોકો લાઇવ વીડિયો મારફતે તેમને જોઇ રહ્યાં હતાં. લગ્નના આ વીડિયોને લગભગ 16 હજાર કરતાં વધારે યૂઝર્સ લાઇવ જોઇ ચૂક્યાં છે.
આ વર્ચ્યુઅલ લગ્નમાં છત્તીસગઢના પંડિતજી પણ વિડીયો કોલિંગ મારફતે જ જોડાયેલા હતા. તેમણે વિડીયો કોલિંગ દ્વારા જ મંત્રોચ્ચાર કર્યા અને નવ દંપતિએ સાત ફેરા લીધા. કીર્તિ યૂપીની બરેલીની રહેવાસી છે. તેના પિતા કૃષ્ણ કુમાર નારંગ એક વ્યાપારી છે. વરરાજા સુષેન મૂળ રાયપુરના વતની છે, તેના પિતા બિઝનેસમેન છે અને તેઓ અત્યારે મુંબઈમાં રહે છે.
કીર્તિ અને સુષેનનાં ઝારખંડમાં રવિવારે (19-એપ્રિલ) ડેસ્ટિનેશન વેડિંગ થવાનાં હતાં. આ માટે તેમણે ત્યાં રિસોર્ટ પણ બુક કરાવી રાખ્યો હતો. પરંતુ લોકડાઉનના કારણે શક્ય ન બનતાં તેમણે ઓનલાઇન લગ્ન કર્યાં.
સુષેન અને કીર્તિએ કોરોનાના સંકટ સમયમાં મિત્રોને આમંત્રિત કરવા માટે એક ખાસ ઈન્વિટેશન કાર્ડ બનાવડાવ્યું હતું. જેને ઓનલાઇન જ વહેંચવામાં આવ્યું હતું. આ સ્પેશિયલ કાર્ડમાં ‘વેડિંગ ફ્રોમ હોમ’ લખવામાં આવ્યું હતું.
વરરાજા સુષેન કેનેડામાં એક આઈટી કંપનીમાં નોકરી કરે છે તો કીર્તિ મેકઅપ આર્ટિસ્ટ છે. બંને એક મેટ્રિમોનિયલ સાઇટ મારફતે મળ્યાં હતાં. બંનેનાં મિત્રો આ ઓનલાઇન લગ્નમાં હાજર રહ્યાં.