મુંબઈઃ કોમેડિયન કપિલ શર્માએ પોતાના કરિયરમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. એક સમયે તેનું કરિયર થંભી ગયું હોય કે તેનો અંત જ આવી ગયો હોય તેવું લાગી રહ્યું હતું. તે ડિપ્રેશનનો શિકાર બન્યો હતો અને તેનું વજન પણ ઘણું વધી ગયું હતું.
જોકે મુશ્કેલ સમયનો સામનો કરી ફરી લોકોના દિલો પર રાજ કરવા આવેલા કપિલે ઘણા લોકોને ચોંકાવ્યા હતા. લૉકડાઉન દરમિયાન કપિલે પોતાની ફિટનેસ પર ઘણી મહેનત કરી છે. તેણે પોતાનું વજન ઘટાડ્યું છે અને હવે પહેલા કરતા ઘણો સ્લિમ જોવા મળી રહ્યો છે.
‘ધ કપિલ શર્મા શો’ના છેલ્લા ઘણા એપિસોડમાં કપિલ અગાઉ કરતા વધુ ફિટ જોવા મળી રહ્યો છે. તેનું વજન ઓછું થતા તે 3 વર્ષ પહેલાવાળા લુકમાં જોવા મળી રહ્યો છે. કપિલે પોતે જ શોમાં 11 કિલો વજન ઓછું કર્યાનું જણાવ્યું હતું. અર્ચના પૂરણ સિંહે સોશિયલ મીડિયા પર શોનો એક બીટીએસ (બિહાઈન્ડ ધ વીડિયો) વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં કપિલ પોતાની પ્રશંસા કરતા કહે છે કે, તેણે પોતાનું વજન 92 થી 81 કરી લીધું છે. તે સ્પેશિયલ એપિસોડમાં કપિલ ગોવિંદા સાથે મસ્તી કરતો જોવા મળ્યો હતો.
‘ફિરંગી’ ફિલ્મના ફ્લોપ થવા પર સિલ્વર સ્ક્રિનથી દૂર થયેલા કપિલ શર્માએ ફરી એક્ટિંગ વર્લ્ડમાં એન્ટ્રી કરવાનો નિર્ણય કર્યો છે. તે એક વેબ સીરિઝમાં મહત્ત્વપૂર્ણ રોલ કરવા જઈ રહ્યો છે. કપિલ પોતાના આ પ્રોજેક્ટ માટે ઘણો ઉત્સાહિત છે.
જ્યારે ગોવિંદા વાળા એપિસોડમાં કપિલ તો શોમાં હતો પરંતુ ગોવિંદાનો ભાણ્યો કૃષ્ણા નહોતો. જે અંગે કૃષ્ણાએ જાતે એ એપિસોડમાં સામેલ ના થવા અંગેનો નિર્ણય કર્યો હોવાનું જણાવ્યું હતું. ગોવિંદા અને કૃષ્ણા વચ્ચે ઘણા સમયથી અણબનાવ ચાલી રહ્યો છે.