Only Gujarat

Gujarat

વડોદરાની પાઠશાલા હોસ્ટેલમાં રમતી વખતે વિદ્યાર્થીને કરંટ લાગતાં મોત, માતા-પિતાનું આક્રંદ જોઈ લોકોની આંખોમાં આવી ગયા આસું

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લસુન્દ્રા ગામમાં આવેલ પાઠશાલા નામની હોસ્ટેલમાં ધો.10માં અભ્યાસ કરતી 15 વર્ષની વિદ્યાર્થિનીનું વીજ કરંટથી મોત થતાં ચકચાર મચી ગઈ છે. સાવલીની જન્મોત્રી હોસ્પિટલમાં પરિવારજનોના આક્રંદે ગમગીની ફેલાવી દીધી હતી. મંજુસર પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.આર. ચૌધરીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થિનીનું વીજ કરંટથી મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ મામલે વિદ્યાર્થિનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ શરૂ કરી છે.

હોસ્ટેલ કેમ્પસમાં શોકની લાગણી પ્રસરી
સાવલી તાલુકાના લસુન્દ્રા ગામમાં પાઠશાલા સ્કૂલ અને હોસ્ટેલમાં રહીને વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે. ત્યારે મૂળ રાજસ્થાનના બાંસવાડાની અને પાઠશાલા હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી 15 વર્ષની ખુશી રાજુભાઈ તીરઘરને વીજ કરંટ લાગતા મોત થયું હતું. ખુશીના મોતની જાણ થતાં આખા હોસ્ટેલ કેમ્પસમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં મંજુસર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ખુશીના મૃતદેહને સાવલીની જન્મોત્રી હોસ્પિટલમાં પોસ્મોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને મંજુસર પોલીસે આ મામલે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી ખુશી તીરઘરનું આકસ્મિક મોતને પગલે લસુન્દ્રા ગામમાં અને આજુબાજુના પંથકમાં ફેલાતા વિદ્યાર્થિનીના મૃત્યુ બાબતે તર્ક વિતર્કો સર્જાયા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં વીજ કરંટથી વિદ્યાર્થિનીનું મોત થયું હોવાનું બહાર આવ્યું છે. અગાઉ પણ ગ્રામજનો સાથે શાળા સંચાલકોનો વિવાદો થયા હોવાની બાબત સપાટી પર આવી છે.

લસુન્દ્રા સ્કૂલ અને હોસ્ટેલના સંચાલકે જણાવ્યું હતું કે, આજે રવિવાર હોવાથી બાળકો બહાર રમી રહ્યા હતા અને એક્ટિવિટી કરી રહ્યા હતા અને ખુશી પણ ત્યાં હાજર હતી. હું ઓફિસમાં કામ કરી રહી હતી, તે સમયે એક બાળકીએ આવીને કહ્યું હતું કે, ખુશીને કંઇક થઇ થઇ ગયું છે. જેથી અમે તેને તુરંત જ હોસ્પિટલમાં લઇ ગયા હતા. રસ્તામાં તેનો શ્વાસ ચાલુ હતા, પરંતુ હોસ્પિટલમાં તેનું મોત થયું હતું.

વાયરમાં ક્રેક હતો અને ત્યાં પાણી ભરાયેલુ હતું તો, શું વીજ કરંટથી તેનું મોત થયું છે, તેના જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે, તપાસ ચાલી રહી છે. ત્યાં કીચડ હતો અને પાણી ભરાયેલુ હતું. તે સાચી વાત છે, પણ આવું કેવી રીતે થયું તેની તપાસ ચાલી રહી છે. 2019થી આ હોસ્ટેલ ચાલે છે અને 99 વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરે છે.

You cannot copy content of this page